મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના માત્ર 16 ધારાસભ્યોનું સમર્થન છે, જાહેર થયો એકનાથ શિંદેનો ઇમોશનલ પત્ર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે, સૂત્રોએ જણાવ્યું કે ગુરુવાર સવાર સુધી શિવસેનાના 56માંથી માત્ર 16 ધારાસભ્યો મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપી રહ્યા છે. આનો અર્થ એ થયો કે એકનાથ શિંદેની આગેવાની હેઠળની છાવણીમાં 37 થી વધુ ધારાસભ્યો છે. આ પરિસ્થિતિમાં શિંદેની છાવણીને ગેરલાયક ઠેરવી શકાય એમ નથી.
ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપનાર ધારાસભ્યોની યાદીમાં મંત્રી આદિત્ય ઠાકરે, ઉદય સામંત, વિધાયક દળના નેતા અજય ચૌધરી, સુનીલ પ્રભુ, ચિમામરાવ પાટીલ, રાહુલ પાટીલ, સંતોષ બંગારી, વૈભવ નાઇક, સુનીલ રાઉત, રવિન્દ્ર વૈકરી, દિલીપ લાંડે, પ્રકાશ ફાટેરપેકર, સંજય પોટનીસ, કૈલાસ પાટીલ
ભાસ્કર જાધવ અને રાજન સાલ્વિકનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બાદ એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના કેટલાક નેતાઓએ બળવો કર્યો હતો અને સુરતની એક હોટલમાં અને ત્યાર બાદ ગુવાહાટીની હોટેલમાં જતા રહ્યા હતા. બુધવારે સાંજે ફેસબુક લાઇવ સેશનમાં, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની ઓફર કરી હતી.
શિવસેનાના બળવાખોર નેતા શિંદેએ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે, જેમાં તેમણે તેમની સાથે ઉપસ્થિત વિધાનસભ્યોની મનોસ્થિતિ જણાવી છે. વિધાનસભ્યોને બળજબરીથી લઇ જવામાં આવ્યા છે, એવા સાંસદ સંજય રાઉતના આક્ષેપને પણ તેમણે નકારી કાઢ્યો છે અને કઇ પરિસ્થિતિમાં તેમણે ઠાકરેની શિવસેના સામે બળવો કર્યો એ તેમણે પત્રમાં જણાવ્યું છે. તેમણે લખ્યું છે કે નેતાઓનું અપમાન કરવામાં આવતું હતું. , તેમની મુશ્કેલી પર ક્યારેય ધ્યાન આપવામાં નહોતુ આવતું અને તેમને કોરાણે મૂકી દેવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન મંત્રાલય નહોતા જતા અને જ્યારે હાજર હોય ત્યારે પણ તેમને ઠાકરેને મળવાની છૂટ નહોતી મળતી. તેમની મુશ્કેલીઓને સાંભળવા માટે કોઇ નહોતું. વિધાનસભ્યોને તેમના ક્ષેત્રમાં કામ કરવા માટે ભંડોળ નહોતું મળતું. તેમણે અનેક વાર ઉદ્ધવ ઠાકરેને મળવાનો પ્રયત્ન કર્યો પણ તેમને મળવા નહોતા દેવાયા. એટલું જ નહીં વિધાન સભ્યોને આદિત્ય ઠાકરે સાથે અયોધ્યા જવાથી પણ રોકવામાં આવ્યા હતા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.