બોરીવલીમાં એક વ્યક્તિ માટે એપ દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરવી મોંઘી પડી ગઈ છે. નકલી એપ્સ અને લિંક્સનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરાવનારા કપડાના વેપારી સાથે છેતરપિંડી થઇ છે અને તેને લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાની વિગત મુજબ ફરિયાદી તેના પરિવાર માટે મુંબઈથી અમૃતસરની ટિકિટ બુક કરાવવા માંગતો હતો. તેના માટે તેણે એક એપ ડાઉનલોડ કરી હતી. 24 જાન્યુઆરીએ તેણે તે એપ દ્વારા તેની પત્ની અને બહેન માટે 20,000 રૂપિયામાં ટિકિટ બુક કરાવી હતી. પરંતુ તે પછી, તેઓને ટિકિટ બુકિંગ વિશે અને સીટ નંબર વિશે કોઈ માહિતી મળી ન હતી. ત્યારબાદ 6 માર્ચે તેણે ફરી એકવાર એપ ચેક કરી અને કસ્ટમર કેરનો સંપર્ક કર્યો. કસ્ટમર કેરમાં ફોન કર્યા બાદ એપની વ્યક્તિએ ટિકિટની માહિતી અને પૈસાની લેવડદેવડની માહિતી મેળવી હતી. ઉપરાંત, ફરિયાદીને કસ્ટમર સપોર્ટ અને SMS ફોરવર્ડ નામની બે એપ્સ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું.
ફરિયાદીએ તેનો ફોન નંબર સંબંધિત વ્યક્તિએ જણાવ્યા મુજબ ગ્રાહક આધારમાં રેકોર્ડ કર્યો. ઉપરાંત, એપ્લિકેશનમાંથી ડેબિટ કાર્ડને સ્કેન કર્યા પછી, પોપ અપ થતી લિંક પર ક્લિક કર્યા પછી, એક વેબપેજ ખુલે છે. ત્યાં તેણે પોતાનો બેંક યુઝર આઈડી અને પાસવર્ડ અને એટીએમ પિન નાખ્યો. તેમ કરતા જ તેના ખાતામાંથી 40 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ખાતામાંથી પૈસા ઉપડી ગયા બાદ ફરિયાદીએ આ અંગે જવાબ માંગ્યો હતો. જોકે, આરોપીઓએ કહ્યું કે ટૂંક સમયમાં જ પૈસા પરત મળી જશે અને ટિકિટ કન્ફર્મેશન પણ મળી જશે.
આરોપીઓએ ફરિયાદીને સમયાંતરે ઈમેલ ચેક કરતા રહેવાનું પણ કહ્યું હતું. જોકે, આ સમયગાળા દરમિયાન તેમને ટિકિટ અંગેનો કોઈ મેઈલ મળ્યો ન હતો. ત્યારે ફરીયાદીએ આરોપીને અગાઉ મોકલેલ રૂ. 40,000 પરત આપવા જણાવ્યું હતું. તે સમયે આરોપીએ પૈસા પાછા અપાવી દેવાની ખાતરી આપી વધુ પૈસાની માંગણી કરી હતી અને ફરિયાદીએ પણ તેની લાલચમાં તેને વધુ પૈસા આપ્યા હતા. આમ જ એપવાળી વ્યક્તિએ પૈસાની માગણી કર્યે રાખી અને ફરિયાદીએ રિફંડ લેવાની લ્હાયમાં વધુ પૈસાની ચૂકવણી કર્યે રાખી હતી. અત્યાર સુધીમાં, ફરિયાદીએ રૂ. 1.15 લાખ મોકલ્યા છે, પરંતુ તેમને કોઈ રિફંડ મળ્યું નથી, એમ પોલીસે જણાવ્યું હતું.
આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.