ઓનલાઇન જુગાર: બેવડાં ધોરણની સાબિતી

ઉત્સવ

રંગ છલકે -ક્ધિનર આચાર્ય

આજકાલ દિવસે બે ગણો અને રાતે ચાર ગણો વધી રહેલો ઓનલાઈન જુગાર અથવા સટ્ટાકીય પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવો અત્યંત જરૂરી છે. થોડા દિવસો અગાઉ જ સરકાર દ્વારા ઓનલાઈન સટ્ટા અને જુગાર પર પ્રતિબંધ લાદવા અથવા તેના પર અંકુશ કઈ રીતે મેળવવો તેના માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી અને ત્યાર બાદ કેન્દ્ર સરકારે ઓનલાઈન જુગાર-સટ્ટાની જાહેરખબર બંધ કરવા પ્રિન્ટ-ટેલિવિઝન અને ડિજિટલ મીડિયાને સલાહ આપી હતી. જોકે માત્ર જાહેરખબરો બંધ કર્યે કશું નહીં થાય, ઓનલાઈન જુગાર-સટ્ટો રમાડતી ગેમ્સ-એપ્લિકેશન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જ પડશે.
થોડા મહિનાઓ અગાઉ એક એડવાઈઝરી ઈશ્યુ કરીને ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગે સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખતાં ઓનલાઈન, ડિજિટલ કે પ્રિન્ટ મીડિયાને આ પ્રકારની ઓનલાઈન સટ્ટાકીય પ્રવૃત્તિઓ કે ઓનલાઈન સટ્ટાની જાહેર ખબરો ન દર્શાવવા સલાહ આપી હતી. આજનાં યુવાઓ, બાળકો કે સામાન્ય જનતાને આ ઓનલાઈન જુગારની લત ન લાગે અને તેમનાં સામાજિક-આર્થિક જોખમોને ધ્યાનમાં લેવા જણાવાયું હતું. આમ છતાં હજુ સુધી આ જાહેરખબરો પર રોક તો લાગી જ નથી, ઓનલાઈન જુગાર-સટ્ટો રમાડતી ગેમ્સ-એપ્લિકેશન પણ બેરોકટોક ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે અત્યારે ઈન્ટરનેટ અને મોબાઈલ યુગમાં મોટા ભાગના યુવાનો મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર્સ કે ટેબ્લેટ્સ દ્વારા વિવિધ પ્રકારની ગેમ્સ-રમતો રમતા થઈ ગયા છે. એમાં અમુક ગેમ્સ-રમતો જુગાર જેવી હોય છે. એમ કહી શકાય કે ઓનલાઈન આવી રમતો એક પ્રકારનો જુગાર જ હોય છે. કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા યુવાનોને આ રીતે ઓનલાઈ જુગાર રમતા રોકવા અને તેની ફેલાતી બદીને નાથવા માટે પોલીસની વધુ સત્તા અપાય અને આવા આધુનિક જુગારી સામે કાયદાકીય પગલાં ભરાય તે માટે દંડ-સજાની જોગવાઈ કરાય તે જરૂરી છે. ઓનલાઈન રમતોના નામે જુગાર રમવાની જે પ્રવૃત્તિ દેશભરમાં ફૂલીફાલી રહી છે તેને રોકવી અત્યંત આવશ્યક બની જાય છે.
ઓનલાઈન જુગાર-સટ્ટો રમવા માટે એકથી એક ચઢિયાતી ગેમ્સ-એપ્લિકેશન હાલ આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, જેનાં નામ છે, વર્ચ્યુઅલ ક્રિકેટ, પોકર, પાર્કર, અંદરબહાર, રમી સર્કલ, તીનપત્તી, વગેરે. આ ઉપરાંત ટેનિસ, ફૂટબોલ, સ્નૂકર વગેરે રમતો પર ઓનલાઈન સટ્ટો-જુગાર રમાય છે. આ સિવાય અલગ અલગ બુકીઓ દ્વારા જુદી જુદી એપ્લિકેશન બનાવીને જુગારીઓ-સટ્ટોડિયાઓને એપ્લિકેશનમાં એક આઈ.ડી. આપવામાં આવે છે જેમાં ઓનલાઈન સટ્ટો-જુગાર રમીને પૈસાની પણ લેતી-દેતી કરી શકાય છે. ઘરમાં છાનેખૂણે બેસી કે જાહેરમાં ખુલ્લેઆમ ઊભા રહી સટ્ટો-જુગાર રમતા ને રમાડનારાઓને પોલીસ પકડી પાડે છે, પણ ઓનલાઈન સટ્ટો-જુગાર રમતા ને રમાડનારાઓ પોલીસની પકડથી દૂર છે.
એક સાઇબર એક્સપર્ટના જણાવ્યા અનુસાર દેશમાં જુગાર પર પ્રતિબંધ છે, પરંતુ કેટલાક લોકો કાયદાની છટકબારીનો ગેરલાભ ઉઠાવીને લોટરી સહિતની વસ્તુઓ ચલાવે છે. મોબાઈલ ગેમ્સ-એપ્લિકેશનની મંજૂરી અને તેના પર નજર રાખવા માટે સરકાર દ્વારા ખાસ ટીમ બનાવવામાં આવી છે, પરંતુ આવી મોટા ભાગની એપ્લિકેશન એન્ટરટેઈનમેન્ટ એટલે કે મનોરંજનના નામે ચલાવવામાં આવે છે તેમ જ લાખો અને કરોડો રૂપિયા કમાવાની લોભામણી લાલચ આપવામાં આવે છે. આવી ગેમ્સ-એપ્લિકેશનમાં વપરાશકારો પાસેથી કોઈ પૈસા લેવામાં આવતા નહીં હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ અનેક ગેમ્સ-એપ્લિકેશન પેયેબલ છે. અગાઉ પણ કેટલીક ખતરનાક કહી શકીએ તેવી ગેમ્સ સામે આવી હતી. આવી ગેમ્સમાં ટાસ્ક પૂર્ણ કરવામાં કેટલાંક બાળકો અને યુવાનોએ જીવ ગુમાવ્યાનું સામે આવ્યું હતું. હાલ મનોરંજનના નામે ચાલતી કેટલીક ગેમ્સ એપ્લિકેશન એટલે કે ઓનલાઈન ગેમ્બલિંગ પ્લેસ સામે કાર્યવાહી કરવા માટે પોલીસ અને સરકાર વામણી પુરવાર થતી હોવાનું ચર્ચાય છે. સરકારે જ યોગ્ય તપાસ કરીને આવી એપ્લિકેશન અને વેબસાઈટ સામે કાર્યવાહી કરવી જોઈએ.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં જુગાર પર પ્રતિબંધ છે અને તીનપત્તી સહિતનાં પત્તાંનો જુગાર, વર્લીમટકુ અને ક્રિકેટ સટ્ટા સહિતના જુગારના કેસ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા દરોડા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આધુનિક અને હાઈટેકના જમાનામાં જુગાર પણ નવા સ્વરૂપમાં રમાઈ રહ્યો છે. અનેક કંપનીઓએ મનોરંજનના નામે ઓનલાઈન ગેમ્સ એપ્લિકેશન લોન્ચ કરી છે એટલું જ નહીં, આવી એપ્લિકેશન મારફતે લાખો રૂપિયા જીતવાની લોભામણી લાલચ પણ આપવામાં આવે છે.
ફિલ્મ સ્ટાર અને ક્રિકેટર સહિતની સેલિબ્રિટી તગડી ફી વસૂલીને આવી એપ્લિકેશનનો પ્રચાર કરે છે. જુગાર પર પ્રતિબંધ હોવા છતાં મનોરંજનના નામે યુવાનોને ઓનલાઈન ગેમ્બલિંગના રવાડે ચડાવતી આવી મોબાઈલ એપ્લિકેશન અંગે સરકાર કે પોલીસ અજાણ હોય તેમ કોઈ આકરી કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાની ચર્ચા વહેતી થઈ છે. એન્ટરટેઈનમેન્ટના નામે યુવાનોના ભાવિ સાથે રમવાની આવી મોબાઈલ એપ્લિકેશનના સંચાલકોને કોણે અને કેમ મંજૂરી આપી તેવા સવાલો ઊભા થયા છે.
સરકાર અને પોલીસ સહિતની એજન્સીઓ સફાળી જાગે અને કાયદાની છટકબારીનો ગેરલાભ ઉઠાવીને યુવાનોને ઓનલાઈન ગેમ્બલિંગના રવાડે ચઢાવતી મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ સામે કાર્યવાહી કરે તેવી માગ ઊઠી છે. યુવાનોને કેટલીક એપ્લિકેશન પર ક્રિકેટ ટીમ બનાવીને રૂપિયા કમાવાની લાલચ આપવામાં આવી રહી છે અને કેટલીક એપ્લિકેશનમાં ગેમ રમવા માટે રૂપિયા આપવામાં આવે છે. હવે જાણકારોનું આ બાબતે કહેવું છે કે આ પ્રકારની આદતો જો બાળકોને પડી જાય તો તેમને ભવિષ્યમાં કોઈ અન્ય કામ કરવાની ઈચ્છા નહીં થાય અને તેઓ રૂપિયા કમાવા આવા શોર્ટકટ રસ્તાઓ પકડી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.