રશિયા અને યુક્રેન યુદ્ધને આજે એક વરસ પૂરું થઈ રહ્યું છે. એક વરસ પહેલાં 24મી ફેબ્રુઆરી, 2022ના રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. 1 વર્ષ દરમિયાન રશિયાએ યૂક્રેનના અનેક શહેરોને સ્મશાનમાં ફેરવી દીધા હતા અને હજારો લોકોના મૃત્યુ થયા હતા.
જેરુસલેમ પોસ્ટના જણાવ્યા પ્રમાણે એક વર્ષ ચાલેલા આ યુદ્ધ દરમિયાન બંને દેશના લગગ 30,000થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. આ યુદ્ધમાં રશિયાની સરખામણીએ યૂક્રેનને વધારે નુકસાન થયું. બંને દેશની વચ્ચે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે કોઈએ વિચાર્યુ સુદ્ધાં નહોતું કે આ યુદ્ધ આટલું લાંબુ ચાલશે.
બીજી બાજું રશિયાએ પણ એવી આશા રાખી હતી કે આ યુદ્ધ તો એકાદ અઠવાડિયામાં પૂરું થઈ જશે અને કીવ પર રશિયો કબજો જમાવી લેશે. પરંતુ થયું એકદમ આનાથી વિપરીત. એક વર્ષ પછી પણ રશિયા પોતાના લક્ષ્યને હાંસિલ કરી શક્યા નથી અને તારાજીની વચ્ચે યૂક્રેન હજી સુધી રશિયા સામે અડીખમ ઊભું છે. આ મેદાનમાં ન તો પુતિનની જીત થઈ છે ન તો ઝેલેન્સ્ક્રીએ હાર માની. આ પરિસ્થિતિમાં બંને દેશો વચ્ચે હજી કેટલો સમય યુદ્ધ ચાલશે એ તો જાણવું મુશ્કેલ છે.
રશિયાના મિસાઈલ હુમલામાં યૂક્રેનના ડોનેસ્ક, મારિયોપોલ અને ખારકીવના અનેક વિસ્તાર સંપૂર્ણ રીતે ખંડેરમાં ફેરવાઈ ગયા છે અને અત્યાર સુધીમાં આ યુદ્ધમાં લાખો લોકો બેઘર થઈ ચૂક્યા છે, જ્યારે અનેક યૂક્રેની નાગરિકોએ બીજા દેશમાં આશરો લઈ લીધો છે.
યૂક્રેની મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે એક વર્ષમાં રશિયાએ યૂક્રેન પર 8500 મિસાઈલ છોડી હતી, જેમાં 5000 મિસાઈલ સ્ટ્રાઈક અને 3500 એર સ્ટ્રાઈક કરવામાં આવી. આ સિવાય 1100 ડ્રોન સ્ટ્રાઈક કરવામાં આવી. તેમ છતાં યૂક્રેની સેનાનો દાવો છેકે યુદ્ધમાં અત્યાર સુધી રશિયાના 1 લાખ 46,000 સૈનિકોનો તેમણે ખાત્મો કર્યો છે.
યૂક્રેની સેના દ્વારા બુધવારે દાવો કરવામાં આવ્યો હતો કે તેમની સેનાએ 3350 રશિયન ટેન્ક, 6593 બુલેટપ્રૂફ વાહનો, 2352 તોપખાનાના ટુકડા, 471 મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ, 244 એન્ટી એર સિસ્ટમ, 299 એરક્રાફ્ટ, 287 હેલિકોપ્ટર, 2029 ડ્રોન, 18 વોરશીપ અને 5215 અન્ય વાહનને નષ્ટ કરી દીધા છે.
જેના જવાબમાં રશિયાની સેનાએ કહ્યું કે યુદ્ધની શરૂઆત પછી તેમણે યૂક્રેનની 7994 બખ્તર ટેન્ક, વાહન, 4189 તોપ, 1089 MLR, 405 એન્ટી એર સિસ્ટમ, 387 વિમાન,210 હેલિકોપ્ટર, 3222 ડ્રોન અને 8501 અન્ય સૈન્ય વાહનોને નષ્ટ કર્યા હોવાની માહિતી આપી હતી.