પાણીથી નાહનારો કપડાં જ બદલે, પણ જે પરસેવે નહાય એ જ કિસ્મત બદલી શકે

મેટિની

અરવિંદ વેકરિયા

રાજેન્દ્ર શુક્લ મિત્ર તો હતો જ, પણ લખવામાં એનું મગજ ગજબ ચાલતું. કોઈ ફિલ્મ સાથે કોઈ ઈંગ્લિશ વાર્તા કે પછી કોઈ નવલકથાનું સરસ સેળભેળ-મિશ્રણ કરી નાટ્યકૃતિ સફળ અને લોકભોગ્ય બનાવવાનો સફળ પ્રયોગ કર્યા કરતો. અમુક ઉત્કંઠાભર્યાં દૃશ્યો માટે કે પછી આખું નાટક જેમ્સ હેડલી ચેઇઝ કે આગાથા ક્રિસ્ટીની નોવેલ આધારિત, કાગળ પર પૂરા ભારતીયકરણ સાથે ઉતારતો. મને આજે પણ એની યાદમાં હેડકી આવે છે, હેડલીને કેવો પી ગયેલો એ. અત્યારે ઉપર બેઠાં બેઠાં ચિત્રગુપ્તના ચોપડામાં પણ ‘હેડલી’ અને ‘ક્રિસ્ટી’નું નાટ્યકાર તરીકે કોઈ નાટક લખી નાખ્યું હોય. હંમેશાં હસતો-હસાવતો રહેતો. હા, થોડો શોર્ટ ટેમ્પર ખરો, પણ બીજી પળે ફરી અસ્સલ મૂડમાં આવી જતો. એ જ હાસ્ય… મને લાગતું કે હાસ્ય એટલા માટે નથી હોતું કે ખુશીઓ એની જિંદગીમાં વધુ છે, હાસ્ય એટલે એને મન જિંદગીથી ન હારવાનો વાયદો હતો એ… આ પ્રતીતિ મને એની સાથે રહીને થયા કરતી. હવે તો એ મારે માટે ભૂતકાળ બની ગયો, મિત્ર તરીકે, લેખક તરીકે, માત્ર મારા માટે જ નહિ, ઘણા નામી-અનામી નિર્માતાઓ માટે પણ… હવે તો ભૂતકાળની યાદમાં અને ભવિષ્યની ચિંતામાં જે ચાલતી રહે એ જિંદગી!
એને મળતા મહેનતાણા બાબત એ થોડો ચીકણો હતો. જોકે દરેકને એની કરેલી મહેનત માટે વળતર માગવાનો હક છે. ઘણા નિર્માતા ‘દલા તરવાડી’ હતા… ઓછું કરાવી પોતાનું બજેટ સાચવતા રહેતા જેની રાજેન્દ્રને સખત ચીઢ હતી. ક્યારેક સારા અને સાચા નિર્માતા માટે ઘણું જતું પણ કરતો. એ માનતો કે ભૌતિક અંતર ભલે વધે, પણ માનસિક અંતર ન વધે એ જોવું, આ વિચારે એ ઘણા નિર્માતા સાથે ‘એડજસ્ટમેન્ટ’ પણ કરી લેતો.
‘તિરાડ’ નાટકના જાહેર અને પ્રાયોજિત પ્રયોગો થતા રહ્યા… હર્ષદ ગાંધી બરાબર ‘સેટ’ થઈ ગયો એટલું જ નહિ, પોતાના ‘ઇન-પુટ્સ’ નાખી પોતાના પાત્રને સરસ બનાવી લીધું. એક પાત્રનું નામ હું ચૂકી ગયો, એ સોહિલ વીરાણી. અમારી જે ‘ચોકડી’ હતી (હું, સનત, પ્રતાપ, સોહિલ) એમાંનો એક… સોહિલ વીરાણી એટલે જાણીતા શાયર બરકત વીરાણીનો સુપુત્ર. અમે ત્રણ એને પ્રેમથી ‘ગુલફામ’ કહેતા. અમે ચાર હતા, પરંતુ એ થોડો સમય ફિલ્મોમાં ચક્કર મારવા ઊપડી ગયો. એની પહેલી ફિલ્મ ખલીલ ધનતેજવી સાથે. હિરોઈન હતી, મધુ માલિની. થોડી ફિલ્મો દરમ્યાન એનો નાટકની દુનિયામાં નાનો વિરામ આવી ગયો. પહેલાં એ અંધેરી રહેતો, અમે મળતા રહેતા, પણ પછી એ ડોંગરી વિસ્તારમાં રહેવા ચાલ્યો ગયો એ પછી મળવાનું ઓછું થતું ગયું, પણ લાગણી આજે પણ એવી જ છે, ‘લીલીછમ્મ’. મૂળમાં તો સમજ અને મળતો સમય… એ સેન્ટ્રલ બેંકમાં… એણે એલ.એલ.બી. કરેલું. બેન્કમાં પણ કાયદા-વિભાગમાં મોટી પોસ્ટ પર હતો. જવાબદારી ક્યારેક મેળાપનો સમય ખાઈ જતી હોય છે. સોહિલ માટે પણ એવું જ બનેલું. આગળ કહ્યું એમ સંબંધ આજે પણ એવા જ છે જેવા પહેલાં હતા. લાગણીસભર! કારણ સમજ ઉભય પક્ષે હતી. જાણવા અને સમજવા વચ્ચે બહુ અંતર હોય છે, ઘણા લોકો આપણને જાણતા હોય છે, પણ સમજવાવાળા બહુ ઓછા હોય છે. સોહિલ પાસે આ બંને હતાં, અહોભાવ અને સમજ!
આજે પણ અમારે સમયાંતરે ફોન પર વાત થયા કરે છે. એક દિવસ મને રાજેન્દ્રનો ફોન આવ્યો કે ‘આવતી કાલનો શો પતે પછી મેં જે આપણા નવા બજેટને ધ્યાનમાં રાખી નવું નાટક કરવાનું છે, એનો દસેક પાનાંનો એક સીન લખ્યો છે, તો બપોરનો શો છે એ પછી કોઈ હોટેલમાં બેસી વાંચીને કોઈ સકારાત્મક નિર્ણય લઈએ.’ મેં કહ્યું, ‘દોસ્ત! શા માટે આટલી ઉતાવળ કરે છે… ‘તિરાડ’ ચાલે જ છેને!’ એ મારા પર રીતસર ભડક્યો… ‘દાદુ, તું હવામાં છે કે શું? તારો એ સ્વભાવ નથી તો પણ મને કેમ એવું લાગે છે? જો ઘમંડ ક્યારેય ન કરવો પોતાના ભાગ્ય પર… ક્યારેક એક કાંકરી પણ મોઢામાં ગયેલા કોળિયાને બહાર કઢાવી શકે છે અને બીજું, એ માણસ નાટકનો સાચો રસિયો છે. હા, બજેટ ઓછું છે, પણ એ તો કદાચ ચકાસવા પણ માગતો હોય! બધાની કિસ્મતમાં તારી જેમ નિર્માતા લાઈનબંધ નથી મળતા. લોઢું ગરમ હોય ત્યારે હથોડો ન મારે એ લુહાર ન કહેવાય.’ મેં સમજાવ્યું કે દોડાદોડી ખૂબ થઈ જશે. તો મને કહે કે ‘એમાં શું થઈ ગયું? અમુક તારું કામ હું કરી લઈશ. મહેનત વગર મહેનતાણું ન મળે… પાણીથી નાહનારો કપડાં જ બદલે, પણ જે પરસેવે નહાય એ જ કિસ્મત બદલી શકે, આપણે મહેનત કરી લેવાની.’
એની આવી ફિલસૂફીભરી વાતે મને પણ પાનો ચડાવી દીધો. બીજે દિવસે બપોરનો શો પૂરો કરી અમે મળ્યા. શો બાબત થોડી આડી-અવળી વાતો કરી મૂળ વાત પર આવ્યા. વાતનું મંડાણ એણે જ કરવાનું હતું. એ વખતે ડબલ મીનિંગના સંવાદો સાથેનાં નાટકો ધૂમ ચાલતાં. જયસિંહ માણેક, બિમલ માંગલિયા તેમ જ તારકનાથ ગાંધી વગેરે… જોકે પૂરી મર્યાદા સાથે તેઓ નાટક રજૂ કરતા. ટાઈટલ થોડાં રમતિયાળ રહેતાં. એ ટાઈટલ લોકોને થિયેટર તરફ લઇ આવતાં. નાટકમાં ઓશોની ફિલોસોફી બરાબર રાખતા. તમે ૧૦ કપડાં પહેરાવો… ભલે ૯ કપડાં કાઢે, પણ ૧૦મું પહેરેલું જ હોય. એ ૯ કપડાં કાઢે ત્યારે જે ટેમ્પ્ટેશન પ્રેક્ષકો અનુભવે (અમુક વર્ગના) એ નિર્માતાની જીત. રાજેન્દ્ર મને કહે કે ‘આપણે એવું નાટક બનાવીએ?’ મેં કહ્યું કે ‘નહિ ભાઈ, આપણને ન ફાવે. સંસ્થાઓ તો આવાં નાટક લે જ નહિ. માત્ર બુકિંગ પર જ આધાર રાખવો પડે.’ મને કહે કે ‘જો નાટકોમાં નવ રસ હોય છે, એમાંનો એક શૃંગાર રસ. લોકો આજે મનભરીને માણે જ છેને!’ મેં કહ્યું કે ‘નહિ દોસ્ત, મને ન ફાવે.’ મને કહે, ‘દાદુ, જીવીને દેખાડ યાર… દેખાડી દેખાડીને જીવવામાં મજા નહિ. લોકો જે માગે છે એ આપો…’ હું ચૂપ રહ્યો. મારી ચુપકીદી એને થોડી કઠી. મને કહે કે ‘ઠીક છે. મેં જે એક સીન લખ્યો છે એ વાંચીએ અને મને કહે કે કેમ લાગે છે…’
એણે ૧૦ પાનાંનો સીન વાંચવો શરૂ કર્યો.
પતિ, પત્ની અને સાળી વચ્ચેની વાત હતી. કોઈ ખુલ્લં-ખુલ્લા, ચીતરી ચડે એવા કોઈ સંવાદ નહોતા. સિચ્યુએશન કોમેડી હતી. પત્નીની હાજરીમાં સાળી સાથે પતિને જોતાં, સ્ત્રી-સહજ અમુક શંકાઓ જાય અને એ પછી શંકાના તાણાવાણા મેળવી વાત આગળ જતાં ઝઘડાનું સ્વરૂપ લઈ લે… એમાં બીજાં પાત્રો પણ વાર્તાને આગળ વધારે… બધું હળવી પળો સાથે… પ્રથમ પઠનમાં મને કંઈ અજુગતું ન લાગ્યું, છતાં અસમંજસમાં મારું મન તો હતું જ. રાજેન્દ્ર મને કહે કે ‘લોકોની ટીકાનો ડર ન રાખવાનો હોય. પ્રેક્ષકોની માગને પ્રાધાન્ય આપવાનું હોય. ટીકાખોર કહે છે અગરબત્તી સુગંધી છે, પણ સુંદર નથી અને મોરપિચ્છ સુંદર છે, પણ સુગંધી નથી. આવા બે ટકાના ટીકાખોરને મૂક તડકે. હું આગળ લખવાનું ચાલુ રાખું છું…’
***
રહી રહીને પ્રથમ તો એ જ દેખાશે,
પછી તો દૃષ્ટિ મટી જશે, તે જ દેખાશે,
રૂંવે રૂંવે જો પ્રગટ થાય ભાવ રાધાનો,
તો મોરપિચ્છ ને બાંસુરી બે જ દેખાશે!
———
આફ્રિકાથી આવેલા એક ભાઈએ ભાવનગરમાં કોઈને પૂછ્યું…
‘ભાઈ, ઢસા જવું છે, અહીંથી કેવી રીતે જવાય?’
પેલા ભાઈએ કહ્યું:
‘ઢસા માટે તમારે ધોળા થઈને જવું પડશે.’
આફ્રિકન ભાઈએ માંડી વાળ્યું…
સાલું, ધોળા તો કેમ થવું?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.