એક શિક્ષકે પોતાના વિચારો થકી સરકારને ધ્રુજાવી દીધી!

ઉત્સવ

સુખનો પાસવર્ડ-આશુ પટેલ

મહાન ક્રાંતિકારી અમેરિકન વિચારક હેન્રી ડેવિડ થોરો માત્ર ૪૪ વર્ષના આયુષ્ય દરમિયાન માનવજાત માટે અમૂલ્ય યોગદાન આપી ગયા

ઘણા મહાન માણસો સમાજમાં સુધારણા માટે, સમાજને અને લોકોને સુખી બનાવવા માટે યોગદાન આપી ગયા. એવા માણસોમાં મહાન ક્રાંતિકારી અમેરિકન વિચારક હેન્રી ડેવિડ થોરોનું નામ લખવું જ પડે.
નિસર્ગવાદી વિચારક તરીકે પ્રખ્યાત બનેલા થોરોએ સુખસંપન્ન સમાજજીવનનું સપ્નું રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે માનવીને સુખી સમાજજીવનની આવશ્યકતા છે અને સમાજજીવન સુખી બને એ માટે દરેક માનવીએ કોશિશ કરવી જોઈએ.
૧૨ જુલાઈ, ૧૮૧૭ના દિવસે અમેરિકાના મેસેચ્યુસ્ટેટ્સ રાજ્યના કોંકર્ડમાં જન્મેલા થોરોએ અમેરિકાની વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી લેટિન, ગ્રીક, ફ્રેન્ચ અને ગણિતનો અભ્યાસ કરીને ડિગ્રી મેળવી હતી. તેમણે શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. તેમના પર તત્ત્વજ્ઞાની રાલ્ફ વાલ્ડો ઈમરસનનો ઊંડો પ્રભાવ હતો. તેમણે ઈમરસનના ઘરે તેમની સાથે કેટલોક સમય કામ પણ કર્યું. જોકે પછી પોતાની અંત: સ્ફુરણા સાથે પ્રામાણિક રહેવાના પ્રયાસરૂપે તેઓ નિસર્ગ તરફ વળ્યા હતા.
તેમણે વાલ્ડેન નામના એક વિશાળ સરોવરના કાંઠે ગાઢ જંગલમાં જાતે જ એક ઝૂંપડી બાંધી અને ત્યાં વસી ગયા. નિસર્ગ સાથે એકરૂપ થવાના પ્રયત્નમાં તેઓ માત્ર કંદમૂળ ખાઈને સવાબે વર્ષ એ ઝૂંપડીમાં રહ્યા. કુદરત, પક્ષી, પ્રાણીઓ અને વૃક્ષો-છોડવાઓનું નિરીક્ષણ તેઓ એ સમય દરમિયાન કરતા રહ્યા.
એ બધી વસ્તુઓ વિશે તથા એ સમયના પોતાના અનુભવોનું વર્ણન તેમણે ‘વાલ્ડેન’ ગ્રંથમાં લખ્યું.
થોરોએ સમાજના તમામ વર્ગની તમામ વ્યક્તિઓને ન્યાય અને સન્માન મળે એવા ન્યાયી રાજ્યની કલ્પના રજૂ કરી હતી. તેમણે હબસી લોકોની ગુલામીગીરી વિરુદ્ધ પણ અવાજ ઉઠાવ્યો હતો. ગાંધીજીએ અહિંસક ક્રાંતિ અને સવિનય કાનૂનભંગનો વિચાર ભારતની પ્રજાને આપ્યો એ અગાઉ થોરો અહિંસક ક્રાંતિનું બીજ રોપી ગયા હતા.
થોરોના સમયમાં અમેરિકામાં ગુલામગીરીની પ્રથા ખૂબ મોટા પ્રમાણમાં ચાલુ હતી એના કારણે અસ્વસ્થ થઈને તેમણે ઉગ્ર ભાષણો કર્યાં. લોકોને વિચારતા કરી દે એવાં ભાષણો કર્યાં. તેમણે લોકોને સંગઠિત થઈને કામ કરવા માટે પ્રોત્સાહન આપ્યું.
એમાંનું એક ભાષણ તેમણે સુધારીને નિબંધ તરીકે ‘સિવિલ ઓબેડિયન્સ’ શીર્ષક હેઠળ લખ્યું. થોરોના વિચારો સ્વાભાવિક રીતે સરકારને ગમ્યા નહીં. થોરોએ કહ્યું હતું કે રાજ્યના કાયદાનાં બંધનો ગુલામીગીરી જેવી અનિષ્ટ પ્રથાને સમર્થન આપી રહ્યા છે અને સરકાર એના માટે જવાબદાર છે. એને કારણે સરકાર તેમના પર રોષે ભરાઈ. જોકે થોરોએ સરકારથી ડર્યા વિના પોતાના વિચારો વ્યક્ત કરવાનું ચાલુ રાખ્યું.
તેમણે લોકોને સંગઠિત થવા માટે આહ્વાન કર્યું. તેમનું એ આહ્વાન સરકારને એવું માનવા માટે કારણ પૂરું પાડનારું હતું કે તેઓ લોકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છે.
થોરોએ કહ્યું હતું કે લોકોમાં પ્રચંડ સામર્થ્ય હોય છે, પરંતુ લોકો તેનો ઉપયોગ કરતા નથી હોતા. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કોઈ પણ દેશ નાગરિકને શ્રેષ્ઠ અને રાજ્યની શક્તિનો આધાર ધરાવતી સ્વતંત્ર શક્તિ માનતો નથી અને એ પ્રમાણે વ્યક્તિ સાથે વર્તતો નથી ત્યાં સુધી કોઈ દેશ પણ સ્વતંત્ર અને સાર્વભૌમ થઈ શકે નહીં. તેમણે એવું પણ કહ્યું હતું કે જે રાજ્યમાં તમામ નાગરિકોને ન્યાય અને સન્માન મળશે તે રાજ્ય અધિક પૂર્ણ અને સંપન્ન હશે.
થોરોની વાત વિશ્ર્વની આજની કોઈ પણ સરકારને એટલી જ તકલીફ આપનારી છે.
થોરો ૬ મે, ૧૮૬૨ના દિવસે માત્ર ૪૪ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા, પરંતુ તેઓ તેમના ક્રાંતિકારી અને સમાજને, માનવજાતને ઉપયોગી થાય એવા વિચારો થકી દુનિયાને – માનવજાતને ઘણું બધું આપી ગયા. એક શિક્ષક પણ ધારે તો પરિવર્તન અણવામાં નિમિત્ત બની શકે એનો પુરાવો હેન્રી ડેવિડ થોરો આપી ગયા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.