સુખનો પાસવર્ડ -આશુ પટેલ
“કહ્યું ને તને? આ બધા ધંધા હવે બંધ કરવાના છે.
એક પિતા તેના દીકરાને ધમકાવી રહ્યો હતો.
“પણ પપ્પા મને ડાન્સમાં રસ છે… ટીનેજર દીકરાએ બોલવાની કોશિશ કરી.
“કોઈ દલીલ ન કરતો. અત્યાર સુધી તારું બધું ચલાવી લીધું. હવે આ બોર્ડની પરીક્ષા આવે છે. આ બધા ધંધા બંધ હવે બિલકુલ બંધ. પિતાએ ફેંસલો સંભળાવી દીધો.
“બોર્ડની પરીક્ષાને તો હજી એક વર્ષની વાર છે. દીકરાએ વધુ એક વખત દલીલ કરી જોઈ.
પિતાએ તેને ધમકાવી નાખ્યો: “મારે કોઈ દલીલ સાંભળવી નથી તારે ચૂપચાપ હું કહું એમ કરવાનું છે નહીં તો જિંદગીભર રખડતા રહેવાનો વારો આવશે. એક વખત એમબીએ કરી લે. એક વાર લાઈફ સેટ થઈ જાય પછી આ બધા ફાલતુ ધંધા કરવાની કોણ ના પાડે છે! પછી સંગીત સંગીતનો શોખ પૂરો કરી લેવાનો અત્યારે પહેલા બે પૈસા કમાવાનું લક્ષ્ય રાખીને જીવનમાં આગળ વધવું જોઈએ. આ ડાન્સ – ફાન્સથી ઘર નહીં ચાલે! કાલે લગ્ન કરવા હશે તો છોકરી પણ નહીં મળે!
એ વખતે ટીનેજર છોકરાનો ચહેરો જોવા જેવો હતો. આ સંવાદનો હું સાક્ષી બન્યો હતો. આ પ્રકારના સંવાદો આપણા દેશમાં રોજ કેટલાય ઘરોમાં થતા રહે છે.
તે પિતા પુત્રનો સંવાદ સાંભળીને મને ઓશોની એક જોક યાદ આવી ગઈ હતી. એક માણસ એક વખત એક બેગ લઈને એક સરકસના મેનેજર પાસે પહોંચી ગયો. તેણે તેને કહ્યું કે “તમને તમારા સરકસમાં કશુંક એકદમ અનોખું કરવામાં રસ છે?
મેનેજરે કહ્યું કે “સરકસમાં તો જેટલું નવીન આપીએ એટલું લોકોને વધુ આકર્ષણ થાય.
તે માણસે કહ્યું કે “મારી પાસે એક અનોખી વસ્તુ છે.
મેનેજરે ઉત્સુકતાથી કહ્યું કે “બોલો, શું છે તમારી પાસે એ અનોખી વસ્તુ?
તે માણસે કહ્યું, “મારી પાસે એક કૂતરો છે જે પિયાનો વગાડે છે.
સરકસના મેનેજરની આંખો આશ્ર્ચર્યથી પહોળી થઈ ગઈ. તેણે પૂછ્યું કે “ક્યાં છે એ કૂતરો? કોઈ કૂતરો પિયાનો વગાડે એવું તો મેં ક્યારેય સાંભળ્યું નથી!
પેલા માણસે કહ્યું, “હમણાં જ બતાવું તમને.
તેણે પોતાની બેગ ખોલી. એમાંથી એક નાનકડો કૂતરો અને પિયાનો કાઢીને તેણે કૂતરાને પિયાનોની બાજુમાં બેસાડ્યો. કૂતરો તરત પિયાનો વગાડવા માંડ્યો. અને એ જે અદ્ભુત રીતે પિયાનો વગાડી રહ્યો હતો એ જોઈને મેનેજર તો અવાચક બની ગયો. તે આશ્ર્ચર્યચકિત બનીને કૂતરાને પિયાનો વગાડતો જોઈ રહ્યો. તેણે ઘણા બધા ખેલ જોયા હતા અને સર્કસમાં લોકોને ઘણા બધા ખેલ બતાવ્યા હતા. તે ચિત્રવિચિત્ર ખેલ બતાવીને જ લોકોને આકર્ષતો હતો. અને તેનું સર્કસ એવા ખેલને કારણે જ ચાલતું હતું.
જો કે એ નાનકડો કૂતરો પિયાનો વગાડી રહ્યો હતો એ જ વખતે એક મોટો કૂતરો અંદર આવ્યો તેણે તે નાનકડા કૂતરાને બોચીએથી પકડ્યો અને તેને ઘસડીને બહાર લઈ ગયો.
મેનેજરે પેલા માણસને પૂછ્યું, “આ શું છે? આ કૂતરો સરસ મજાનો પિયાનો વગાડતો હતો તો તેને મોટો કૂતરો આવીને કેમ બહાર ખેંચી ગયો?
પેલા માણસે જવાબ આપ્યો કે “આ એ કૂતરાની મા છે. એ તેને ડોક્ટર બનાવવા ઈચ્છે છે!
ઓશોએ આ જોક થકી આપણા સમાજ પર અને મોટા ભાગના વડીલોની વિચારસરણી પર જબરદસ્ત પ્રહાર કર્યો હતો. આપણે ત્યાં એવું બનતું આવ્યું છે કે સંતાનોને અલગ રીતે જીવવું હોય, પરંતુ વડીલો તેના માટે નક્કી કરે કે તેમણે શું કરવાનું છે!
હવે તો થોડી સ્થિતિ સુધરી રહી છે, પરંતુ અમારા સમયમાં તો વડીલો સામે કોઈ દલીલ પણ કરી શકાતી નહીં. અને દલીલ કરીએ તો વડીલો લાફો ઝીંકી દેતા. વડીલો જ નક્કી કરતા કે દીકરાને ડોક્ટર બનાવવો છે કે એન્જિનિયર બનાવવો છે. મને ગણિત બિલકુલ નહોતું આવડતું, પરંતુ મારા પિતાએ મને ફરજિયાત સાયન્સ લેવડાવ્યું હતું.
વડીલો નક્કી કરે એ પ્રમાણે અનિચ્છાએ આગળ વધતા સંતાનો પછી આખી જિંદગી ફ્રસ્ટ્રેશન સાથે જીવતા હોય છે.
‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મમાં આ વાત સરસ રીતે દર્શાવાઈ હતી. એ ફિલ્મમાં માધવનનું પાત્ર ફોટોગ્રાફર બનવા ઇચ્છતું હોય છે, પરંતુ તેના પિતા તેને એન્જિનિયર બનાવવા માગતા હોય છે. પેરેન્ટિંગ વિશે ઘણા સેમિનાર થતા રહે છે, ઘણા બધા પુસ્તકો પ્રકાશિત થતા રહે છે, પરંતુ સૌથી સરળ વાત એ છે કે વડીલો સંતાનોને ગમતી દિશામાં આગળ વધવા દે તો તેઓ એમની રીતે જિંદગી માણી શકશે.
એક બીજી જોક યાદ આવે છે, જેમાં માછલીને વૃક્ષ પર ચડવા માટે કહેવાય છે અને હાથીને તરવા માટે કહેવાય છે. અને એ રીતે બધા જે નથી કરી શકતા એ કરવા માટે કહેવાય છે અને બધા નિષ્ફળ સાબિત થાય છે. થોડા સમય અગાઉ રાજસ્થાનના કોટા શહેરમાં એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. જીવન ટૂંકાવતા અગાઉ તે સ્યૂસાઇડ નોટ લખી ગયો હતો કે “મારા માટે ભણતરના અસહ્ય પ્રેશરને કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું!
સાર એ છે કે વડીલોએ સંતાનોની જિંદગી જીવી આપવાની કોશિશ ન કરવી જોઈએ. સંતાનોને જે ગમતી હોય એ પ્રવૃત્તિ કરવાની તક આપવી જોઈએ. પોતાની માન્યતા બીજાઓ પર ન થોપવી જોઈએ. સંતાનોના કિસ્સામાં તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.