સુખનો પાસવર્ડ -આશુ પટેલ
કોરોનાના સમયમાં ઘણા બધા લોકોએ આર્થિક તકલીફ ભોગવવી પડી અને ઘણા બધા લોકોના ધંધાને મોટો ફટકો પડ્યો અથવા તો ઘણા માણસોના ધંધા બંધ થઈ ગયા.
આવી જ રીતે એક વેપારીને કોરોના અને એને કારણે આવી પડેલા લોકડાઉનને લીધે ખૂબ મોટો આર્થિક ફટકો પડ્યો અને તેણે પોતાનું ઘર અને કાર વેચી દેવા પડ્યાં. તેને મિત્રો પાસેથી અને સગાંવહાલાં પાસેથી મદદ માગવી પડી પરંતુ, ‘જ્યારે પડે છે ત્યારે સઘળું પડે છે’ કે ‘આફતો આવે છે ત્યારે બટેલિયનમાં આવે છે’ એ યુક્તિને સાર્થક કરે એ રીતે તેમની આજુબાજુની મોટાભાગની વ્યક્તિઓએ હાથ ઊંચા કરી દીધા અને તેમને પડતા મૂકી દીધા.
એ સમય દરમિયાન તેમના એક મિત્રએ તેમને કહ્યું કે હું નવી કાર લેવાનો છું મારી જૂની કાર વેચીશ તો એટલા બધા પૈસા નહીં આવે કે જેનાથી મને કશો ફરક પડે એટલે અત્યારે તમે સ્કૂટર પર ફરો છો એને બદલે મારી કાર છે એ હું તમને આપી દઉં છું, તમારા નામે કરી દઉં છું. મારી જૂની કારની માલિકી હવે તમારી.
સ્વાભાવિક રીતે આવું કોઈ કહે તો જે વ્યક્તિને કાર ભેટરૂપે મળવાની હોય એ થેન્ક યુ કહે કે આભારના બીજા શબ્દો કહે, પરંતુ પેલા વેપારીએ કોરોનામાં ફટકો ખાનારા વેપારીએ કારની ઓફર કરનારા મિત્રને કહ્યું ‘હા હા મને વાંધો નથી.
એટલે તેણે કારની ઓફર કરનારા મિત્રને હસીને કહ્યું કે હું તને કાર મફત આપું છું તો મને વાંધો હોવો જોઈએ તને શું વાંધો હોવો જોઈએ.
તેણે આ વાત હસતા હસતા કહી, પરંતુ પેલા વેપારીને ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું કે તું કાર આપે છે તો જાણે દુનિયાભરનો ઉપકાર કરતો હોય એવું બતાવે છે. નથી જોઈતી તારી કાર.
કારની ઓફર કરનારા મિત્રએ કહ્યું મારે તને કાર આપવી છે એટલા માટે મેં તને કહ્યું. માત્ર તને એ સમજાવવા ઈચ્છતો હતો કે આપણને કોઈ વસ્તુ આપે એ વખતે આપણે એવું ન કહેવું જોઈએ કે હા હા મને કોઈ વાંધો નથી.
ખેર આ તો મારા નજીકના મિત્ર વર્તુળમાં બનેલી ઘટના છે. પરંતુ આવા ઘણા કિસ્સાઓ મેં જોયા છે, તમે પણ જોયા હશે કે ઘણા લોકોને કશું પણ મળે કે કોઈ વ્યક્તિ તેમના માટે કશું કરે તો તેઓ એ વસ્તુ કે વ્યક્તિને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોય છે. અને તેમનો વર્તાવ એવો હોય છે કે જાણે તેમને મદદ કરનારાઓ પર તેમણે ઉપકાર કર્યો હોય. એટલે મદદ લેનારા એવી રીતે વર્તતા હોય છે કે જાણે મદદ કરનારાઓ ઉપર પોતે ઉપકાર કર્યો છે.
આવી વ્યક્તિઓ દુનિયામાં નેગેટિવિટી ફેલાવતી હોય છે. વાત માત્ર વસ્તુ આપવાની નથી, વાત કદર કરવાની છે. કોઈ વ્યક્તિ આપણા માટે કશું કરે તો તેની કદર કરવી જોઈએ.
થોડા સમય અગાઉ જ એક પરિચિત યુવાને નોકરી ગુમાવી. તે બીજી નોકરી શોધવા માટે આકુળ વ્યાકુળ બનીને બધાને કોલ કરી રહ્યો હતો. પછી કોઈએ એક કંપનીમાં તેના માટે ભલામણ કરી અને એ કંપનીના વડા તેને નોકરી આપવા માટે તૈયાર થયા.
જે વ્યક્તિએ તે કંપનીના વડાને ભલામણ કરી હતી તે વ્યક્તિને નોકરી ગુમાવનારા યુવાને કહ્યું કે મને મેનેજરને મળવા માટે કહેવાયું છે, પરંતુ હજુ મને મેનેજરનો કોલ આવ્યો નથી.
એટલે જેણે તેના નામની ભલામણ કરી હતી તેણે મેનેજર સાથે વાત કરાવી દીધી એ પછી તેણે મેનેજરને કહ્યું કે તમે મને ક્યારે કોલ કરશો?
મેનેજરે કહ્યું કે તમે આ સમયે ઓફિસમાં આવી જજો.
એ પછી નોકરી શોધવા માટે તલપાપડ બનેલા યુવાને મેનેજરનો નંબર તેની ભલામણ કરનારી વ્યક્તિ પાસેથી લેવાનો હતો.
તેણે એ નંબર માટે ફોલોઅપ ન કર્યું.
તેની ભલામણ કરનારી વ્યક્તિએ મોટું મન રાખીને સામે ચાલીને તેના વ્યસ્ત શેડ્યુલ વચ્ચેથી મેનેજરનો નંબર મોકલી આપ્યો.
એટલે તે યુવાને વળતો મેસેજ કર્યો ઓકે નો પ્રોબ્લેમ.
ભલામણ કરનારી વ્યક્તિએ એ વાતને હસી કાઢી.
પરંતુ આવી સ્વકેન્દ્રી વ્યક્તિઓ સમાજ માટે, સૃષ્ટિ માટે, દેશ માટે, જે તે ક્ષેત્ર માટે બોજરૂપ હોય છે, કારણ કે તેમને કોઈ વ્યક્તિની કે કશી વસ્તુની કદર કરવાનો વિચાર પણ નથી આવતો.
ઘણી વખત કોઈ માણસ ભિખારીને ઓછી રકમનો ચલણી સિક્કો આપે તો ભિખારી તેની સામે ખુન્નસની નજરે જુએ એવા કિસ્સાઓ પણ મેં જોયા છે. કદાચ કોઈ ફિલ્મમાં મેં એવું દ્રશ્ય જોયું હતું જેમાં કોઈ ભિખારીને એક કે બે રૂપિયાનો સિક્કો આપે છે અને ભિખારી ઉશ્કેરાઈને કહે છે કે ભિખારી સમજતા હૈ ક્યા?
એ માનસિકતા ઘણા માણસોમાં જોવા મળતી હોય છે.
આનાથી વિપરીત રીતે ઘણી વ્યક્તિઓ નાની નાની વાતોમાં પણ તેમના માટે કશું કરનારાઓની કે તેમને જે નાની વસ્તુ મળી હોય તેમની કદર કરતી હોય છે.
હમણાં હું કાર લઈને બાય રોડ લાંબા પ્રવાસ પર નીકળ્યો એ વખતે હાઈવે પર એક જગ્યાએ પેટ્રોલપંપ પર કારમાં હવા ચેક કરાવવા ઊભો રહ્યો એ વખતે એક યુવાન થોડે દૂર બેઠો હતો તે નજીક આવ્યો તેણે મારી કારના બધા વ્હિલ્સમાં હવા ચેક કરી અને કોઈ વ્હિલમાં વધુ હવા હતી એ ઓછી કરી અને ઓછી હતી એ વ્હીલમાં હવા ભરી.
મેં મારા ખિસ્સામાં છૂટા પૈસા હતા એટલે એમાંથી ત્રીસ રૂપિયા કાઢીને તેને ત્રીસ રૂપિયા આપવા માટે હાથ લંબાવ્યો.
તે યુવાન બે ડગલાં પાછળ થઈ ગયો તેણે કહ્યું કે નહીં હું પૈસા નહીં લઉં.
અરે મેં કીધું હું આપી રહ્યો છું.
તેને ત્યાં પેટ્રોલપંપ પર અટેન્ડન્ટ તરીકે અથવા હવા ભરવાના કામ માટે નાનકડી રકમ પગારરૂપે મળતી હશે. એટલે તે કોઈ પૈસાવાળો નહોતો પરંતુ તેણે મને કહ્યું કે હું પૈસા નહીં લઉં.
મેં તેને આગ્રહ કર્યો કે તમે પૈસા લઈ લો.
તો તેણે કહ્યું કે આટલા બધા પૈસા ન હોય. મને દસ રૂપિયા આપી દો.
મને સુખદ આશ્ર્ચર્ય થયું. મેં તેને કહ્યું ભલા માણસ હું તમને આપું છું તમે પૈસા લઈ લો.
મેં તેને પરાણે ત્રીસ રૂપિયા આપ્યા. તેના ચહેરા પર કૃતજ્ઞતાના ભાવ આવ્યા અને એક અનોખો અનુભવ થયો એવા આનંદ સાથે હું ત્યાંથી રવાના થયો.
સવાલ પૈસા કે વસ્તુઓ કે વધુ ઓછી કિંમતનો નથી હોતો સવાલ માનસિકતાનો છે. ઘણી વ્યક્તિઓ તેમને કુદરતે કશું આપ્યું હોય કે કોઈ વ્યક્તિએ કશું આપ્યું હોય તેને એવી રીતે લેતી હોય છે કે આ તો મારો જન્મસિદ્ધ અધિકાર હતો. મને કોઈએ કશી મદદ કરી એમાં ધાડ શું મારી. અથવા તો ઘણાનો એટિટ્યુડ એવો હોય છે કે ઘણા માણસોનો વર્તાવ એવો હોય છે કે હા તો તેમની ફરજ છે મદદ કરવાની. અને ઘણા માણસો તો એટલા નફ્ફટ હોય છે કે મદદ કરનારી વ્યક્તિ વિશે બીજે બધે એવું બોલતા હોય છે કે ફલાણી વ્યક્તિ પાસે મેં મદદ માગી તો તેની પાસે આટલા પૈસા છે છતાં તેણે મને મામૂલી મદદ કરી. તેનો જીવ ટૂંકો છે, તે રિબાઈ રિબાઈને મરશે, તે નરકમાં જશે એવા શાપ પણ ઘણી વખત નકારાત્મક માનસિકતા ધરાવતી વ્યક્તિઓ આપતી હોય છે.
અને એનાથી વિપરીત રીતે ઘણી વ્યક્તિઓ નાની નાની વાતમાં ખુશ થઈ જતી હોય છે. મેં એક વડીલ મિત્રના જન્મદિન નિમિત્તે વોટ્સએપ પર મેસેજ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી તો તે સફળ વ્યક્તિએ મને વળતો મેસેજ કર્યો કે તારી આ શુભેચ્છાઓ મને ખૂબ ગમી તારી શુભેચ્છાઓને કારણે મારો જન્મદિવસ સ્પેશિયલ બની ગયો અને હું આ મારા આવતા જન્મદિવસ સુધી અને આવનારા દરેક જન્મદિવસે પણ યાદ રાખીશ.
સવાલ માનસિકતાનો છે. આપણને કોઈ વ્યક્તિ કશી વસ્તુ ભેટરૂપે આપે અથવા આપણા માટે કશું કરે તો તેની કદર કરવી જોઈએ.