Homeલાડકીએક વાર તો હિમાલયનાં ગામડાંમાં ભ્રમણ કરતાં અહીંના અંતરની અમીરાતને માણવી જોઈએ

એક વાર તો હિમાલયનાં ગામડાંમાં ભ્રમણ કરતાં અહીંના અંતરની અમીરાતને માણવી જોઈએ

જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી

ધોંતરીથી આગળ એક ‘મુએમધામ’ તરફ જવાનો રસ્તો આવ્યો. કહેવાય છે કે ૪ ધામથી આગળ આ પાંચમું ધામ છે અહીં યાત્રિકો ખૂબ આવે છે, શ્રી કૃષ્ણનું મંદિર છે. લોકરૂઢી એમ કહે છે. મહાભારતના યુદ્ધ પછી કૌરવો સૌ મૃત્યુ પામ્યા. પાંડવો સૌ હિમાલય ચાલ્યા ગયા. શ્રી કૃષ્ણ એકલા પડી ગયા. એમને એકલા એકલા ખૂબ કંટાળો આવતો હતો તેથી માતા દેવકીએ એમને હિમાલય ભ્રમણ કરવા મોકલ્યા. તે કૃષ્ણ સાધુનું રૂપ કરીને સીધા અહીં આવ્યા. એક શિલા પર આસન જમાવ્યું. ૨-૩ દિવસ રહ્યા. અહીં ગામનાં મુખીયા એ અપમાન કરીને કાઢી મૂક્યા, પછી યમનોત્રી તરફ ગયા. મુખી બીમાર પડ્યો. સાધુબાવાને યમુનાદેવી ઓળખી ગઈ. દેવીએ મુખીને સ્વપ્નમાં કહ્યું. સાધુનું સન્માન કર નહીં તો મરી જઈશ. મુખી આવ્યો ક્ષમા માગી. કૃષ્ણે કહ્યું. મારે કંઈ નહીં જોઈએ પેલી શિલાની બાજુમાં મંદિર બનાવ. તેવું કર્યું. આજે પણ આ મોટીશિલા એમ જ પડી છે. ૧૦ માણસ ભેગા થઈને તેને હલાવવા માગે તો પણ હલે નહીં. પણ કોઈ એક માણસ માત્ર ટચલી આંગળીથી હલાવે તો હલવા માંડે.
પાંચમા ધામનો રસ્તો કોડાર ગામથી છે. ઉત્તરાખંડમાં કોઈગામ એવું નથી જ્યાં નાનાં-મોટાં ૧૫-૨૦ મંદિરો ન હોય અને તેમાંય એમના જુદી-જુદી કથા-વાર્તાઓ ચાલતી હોય. પણ એકવાત ચોક્કસ છે. બધાં જ મંદિરનાં અનુયાયીઓ પોતાના મંદિરને અતિપ્રાચીન-સ્વયંભૂ-પાંડવકાલીન-૫૦૦૦ વર્ષ જૂનું આદિ વિશેષણો લગાવીને જ માને છે- જે છે તે એમની શ્રદ્ધા છે. ઉત્તરાખંડના લોકો સ્વભાવિક રીતે જ ઘણા ધાર્મિક છે. કોઈપણ હાલતમાં ચોરી નથી કરતા. આખી રાત ખુલ્લી દુકાન પડી હોય તો પણ કોઈ વસ્તુને કોઈ અડે નહીં. આ વાત સૌથી સારી છે. પહાડી સ્ત્રીઓનો સ્વભાવ પણ પહાડી છે. કોઈનાથી ડરતી નથી. અજાણ્યા સાથે વાત પણ ઠાવકાઈથી જ કરે છે. શરમ-સંકોચને કોઈ સ્થાન નથી. ઉત્તરકાશી જિલ્લામાં જમીનનાં માપ ‘નાલી’નામનાં એક ચોક્કસ શબ્દથી ઓળખાય છે. ‘ટીહરી’માં ‘કંડી’થી જમીન મપાય છે. એક કંડી એટલે પહાડી સ્ત્રીઓનો પીઠ પાછળ બાંધવાનો મોટો ટોપલો, તે ‘કંડી’ એક કંડી ભરાય એટલું અનાજ જેટલી જમીનમાં ઊગે તેને એક કંડી જમીન કહેવાય. તે રીતે જમીનના ભાવ થાય. નદી-નાળા નજીક જમીન મોંઘી હોય જેમ-જેમ ઉપર શિખર તરફ હોય તેમ તેમ ઓછા હોય.
એકાંત હોટલ
જેઠ વદ ૪ બીજી, રવિવાર, તા. ૩.૬.૨૦૧૮
આજે તો સવારથી જ પર્વત ઉપર ચઢ ચઢ કરી રહ્યા છીએ. એક જમાનામાં મોટો રાક્ષસી અજગર આ રસ્તે ચાલ્યો હશે, એના નિશાન પડ્યા હશે. બસ એ નિશાન ઉપર જ ડામર રોડ બનાવી દીધો હોય એવું લાગે છે. વળાંકોનો કોઈ પાર નહીં. ૧૬ કિ.મી.માં તો અમે છેક પર્વત ઉપર પહોંચી ગયા. ધનસાલી સમુદ્ર લેવલથી ૯૪૦ મીટર ઉપર હતું. હમણા અમે ૨૦૦૦ મીટર ઉપર તો હઈશું જ. પણ લીલીવનરાજીની વચ્ચેથી ચાલતા થાક નથી લાગતો વળી દૂર-દૂર નીચે ખીણનાં મેદાનોમાં રંગબેરંગી ગામડાઓ દેખાય તે ખૂબ સરસ લાગે. જોતા જોતા ૧૫ કિ.મી. ક્યાં પૂરા થઈ જાય તે કંઈ કહેવાય નહીં.
સાંજે ચીરબટીયા માત્ર પ કિ.મી. જ ચાલવાનું હતું પણ ચઢાણ ઘણું આકરું હતું. અહીં આવીને જોયું તો એક શિલા પર કોતરેલું હતું. સમુદ્ર તલ સે ઉચ્ચાઈ ૨૧૫૦ મીટર ગઈ કાલે સાંજે ૯૦૦ મીટરની આસ-પાસ ઊંચાઈ હતી અને આજે ૧૦૦૦ કિ.મી.થી પણ વધુ ઉપર આવી ગયા. ડુંગરાળ પ્રદેશમાં આવું ચાલ્યા જ કરવાનું. હિમાચલ એટલે ચઢવાનું અને ઊતરવાનું, ચાલવાનું છે જ નહીં. આજે વાતાવરણ સાફ છે. સૂરજે સારો હાથ જમાવ્યો. રાત્રે પણ કંઈ ઠંડી હતી નહીં. આવતી કાલે પાછું નીચે ઊતરવાનું છે. કેટલું ઉતરાશે ખબર નથી ૩૫૦૦ મીટર સુધી ઉપર ચઢવાનું છે. માંડ માંડ તો ૨૦૦૦ મીટર સુધી આવીએ ત્યાં તો પાછા નીચે ઉતારી દે, તેથી પાછી મહેનત ફરીથી કરવાની. હિમાલયમાં ચાલવા માટે ખરી હિમ્મત જોઈએ.
અહીંથી મયાલી ૧૯ કિ.મી. છે, છેક સુધી નીચે ઉતરાણ જ છે. આવતી કાલે ત્યાં જ મુકામ કરવાનું વિચાર્યું છે.
એક દાદાએ કાચા રસ્તાનો અછડતો અંદાજ આપ્યો છે. કાલે બરાબર પૂછીશું તો ખબર પડશે. પેલા વૃદ્ધે પણ એમ જ કહ્યું હતું. “આગે પૂછ લેના સબ બતા દેંગે.
હિમાલયમાં ચાલવું હોય તો હિમાલય જેવા જ અડીખમ બનવું પડે. ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી રાખીને આગળ વધવાનું હોય. જ્યાં આપણું ધારેલું કંઈ ન થાય માત્રને માત્ર હિમાલયનું ધારેલું થાય તેને હિમાલય કહેવાય. હિમાલયમાં ચાલવા માટે હિમ્મતની પરીક્ષા થાય તો ધીરજ સરણે ચઢે. જો જીતી ગયા તો મહામૂલી ભેટ મળે અને હારી ગયા તો જિંદગીમાં પસ્તાવા સિવાય હાથમાં કંઈ ન રહે. ઘણા દિવસ થઈ ગયા અમે હિમાલયમાં વિચરી રહ્યા છીએ. ખરેખર અમને હિમાલયે ખૂબ સાંચવ્યાં ડગલેને ડગલે આનંદ કરાવ્યો. ક્યાંય ઓછું આવવા દીધું નથી. અમે પણ હિમબાળની જેમ હિમાલયથી એક મેક થતા જઈએ છીએ. આ વૃક્ષો આ પહાડો આ વનરાજી આ સૂર્યોદય આ સૂર્યાસ્ત બધું જ જાણે જીવંત છે. બધું જ જાણે અમારા આનંદમાં વૃદ્ધિ કરવા માટે છે. હિમાલય દાદાએ સોળે શણગારે સજેલી આ પર્વતમાળાના મનોરમ દૃશ્યાવલીને અમારા માટે સામે ધરી દીધી છે.
હિમાલયમાં આમ જોઈએ તો આનંદ જ આનંદ છે, પણ એક તરફ તકલીફ જ તકલીફ છે. ડગલે ને ડગલે માનસિક અને શારીરિક પ્રતિકૂળતાઓનો સામનો કરવો જ પડે. તમારી મરજી છે. પ્રતિકૂળતાનો સામને હસતા હસતા કરો કે રડતા રડતા અહીં આવનારે એવું ક્યારેય વિચારવું નહીં કે અહીં શું વ્યવસ્થા મળશે. અહીં કંઈ જ વ્યવસ્થા નથી. ઉપર આકાશ અને નીચે ધરતી. ભાઈબંધી કરવી હોય તો આ જંગલના વૃક્ષ વેલાઓ સિવાય કંઈ ન મળે. પણ જ્યારે કોઈ આપણી સાથે ન હોય ત્યારે ઉપરવાળો આપણી સાથે હોય. નરસિંહ મહેતાના શબ્દો યાદ આવી જાય. ‘હરિ ને હિંડતા લાગે હાથ’ મારો હરિ મારાથી એટલો નજીક છે કે સાથે સાથે ચાલતા મારા હાથ મારા હરિને ભટકાય છે. બસ આવું જ કંઈક હિમાલયમાં અમે અનુભવ્યું છે. ગુજરાતી ભક્તિ સાહિત્યની પંક્તિઓ વારંવાર યાદ આવે ‘પ્રથમ પહેલા મસ્તક મૂકી પછી લેવું હરિનું નામ જોને’ વાત સાવ સોના જેવી સાચી છે. હિમાલય આવવું હોય તો પહેલા મસ્તક ઉતારીને મૂકી દેવું પછી હિમાલયનું નામ લેવું. હિમાલયમાં ઓતપ્રોત થવું. હિમાલયને માણવાનો આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. સંસારી માણસો હજારો વ્યવસ્થાઓ સાથે રાખી હિમાલય આવે છે. જેવા આવે છે તેવા પાછા ચાલ્યા જાય છે. થોડીક ઘડીની સુંદરતાથી આનંદ વિભોર થઈ જાય છે. તેમની કરેલી વ્યવસ્થાઓ તેમના આનંદને ધુંધળું કરી મૂકે છે. પણ, જ્યારે કંઈ જ વ્યવસ્થા રાખ્યા વિના માત્ર ભગવાન ભરોસે પહેર્યાલુગડે નીકળી પડી એ તો આ હિમાલય તમને આનંદથી ભરી દે. એવો આનંદ વિશ્ર્વમાં બીજે ક્યાંય નથી મળતો.
હિમાલયના ભોળુંડા માનવીની પ્રીત પણ કંઈ જેવી તેવી નથી. સીધા-સાદા અહીંના પહાડી માનવો ખૂબ માયાળુ-મમતાળુ છે. એક માંગો તો દશ હાજર કરે છે. એ નથી જાણતા જૈન સાધુ કોને કહેવાય. પહેલી વાર અહીંના લોકો જૈન સાધુનું દર્શન કરે છે. જ્યારે થોડો પરિચય થાય છે, પછી તો જાણે કહેવું શું. અંતરની દશે દિશાઓ ખુલ્લી મૂકીને સાધુની સેવામાં લાગી જાય. અમે આટલા દિવસથી હિમાલયમાં છીએ. અહીંના માનવીને ખોટું બોલવું અતિ અપ્રિય છે. કદાચ ભૂલથી એમને કોઈ કહી દે કે ‘ટૂપ ઙૂછ રૂળજ્ઞબ ફવજ્ઞ વળજ્ઞ’ તો તેમને હાડોહાડ દિલે કહી કે – ‘રૂળરૂળ ! વપ ડજ્ઞમ ધુરુપ ઇંજ્ઞ ફવણજ્ઞમળબજ્ઞ ર્ઇૈલળણ વેં, વપ ઙુછ ણવિં રૂળજ્ઞબટજ્ઞ’ જાણે તેઓ અસત્ય ભાષણને મહાપાપ સમજે છે અને ધરતી ઉપર રહેવાવાળા સંસ્કારી કહેવાતા ભણેલા ગણેલા માનવો આખી જિંદગી અસત્ય ઉપર જ જીવી લે છે. જાણે અસત્ય એ જ જીવન છે. અને અસત્યથી જ જીવન જીવી શકાય છે. ઓ ધરતીના માનવો આવો એક વાર આ હિમાલયમાં પરિચય કરો આ ગઢવાલી અને હિમાલયના માનવી જીવનના અમૃતરસ પાન કરાવશે. મોટા મનના માણસોને મળીને સાચી મોટાઈનો એહસાસ થશે. ભલે પૈસો ટકો ઓછો છે. પણ દિલની દિલાવરીમાં કુબેરના ભંડારો ય ઓછા પડે. એક વાર તો હિમાલયના ગામડામાં ભ્રમણ કરતા અહીંના અંતરની અમીરાતને માણવી જોઈએ.
‘’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular