એક વત્તા એક બરાબર એક

ઉત્સવ

કેન્વાસ -અભિમન્યુ મોદી

ગુજરાતના વડોદરામાં રહેતી ક્ષમા બિંદુ નામની યુવતીએ પોતાની જાત સાથે લગ્ન કર્યાં. આત્મમંથન, આત્મજ્ઞાન, આત્મહત્યા જેવા શબ્દોની હરોળમાં હવે આત્મવિવાહ જેવો એક નવો શબ્દ ઉમેરાયો. આત્મવિવાહ એ એકવીસમી સદીનો નવો મુકામ છે. ક્ષમા બિંદુ ભારતની એવી પહેલી મહિલા છે જેણે કોઈ પુરુષ સાથે લગ્ન કરવાને બદલે પોતાની જાત સાથે લગ્ન કર્યાં છે. આવા લગ્નને ‘સોલોગામી’ કહેવાય છે. સેલ્ફ મેરેજનો આ રિવાજ વિશ્ર્વમાં એકદમ નવો છે એવું નથી. સને ૧૯૯૩માં અમેરિકામાં લિંડા બારકરે સૌપ્રથમ પોતાની જાત સાથે લગ્ન કર્યા હતા. તેણે પોતાના આ વિચારને ‘સોલોગામી’ તરીકે ઓળખાવ્યો હતો. એ પછી આ વિચાર લુપ્ત થઈ ગયો હતો પણ હવે ફરી ‘સોલોગામી’નો વિચાર સળવળવા લાગ્યો છે.
આજના યુગમાં આધુનિકીકરણ અને ભૌતિકવાદને પગલે જે લોકો જવાબદારીથી દૂર રહેવા માગતા હોય તે લોકો સિંગલ રહેવાનું પસંદ કરે છે. સિંગલ રહેવાની પરંપરા ખાસ કરીને યુવતીઓમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ચલણમાં છે. આત્મવિવાહ એ સિંગલ પછીનું એડવાન્સ અથવા નવું પગલું છે. તમે જ્યારે સિંગલ રહો છો ત્યારે તમે લગ્નસંસ્થામાં પ્રવેશ કરતાં નથી. જો કે જ્યારે તમે આત્મવિવાહ કરો છો, એટલે કે પોતાની જાત સાથે જ લગ્ન કરો છો ત્યારે લગ્ન સંસ્થામાં પ્રવેશ કરીને પણ સિંગલ રહો છો. તમે સિંગલ રહો છો કે પછી આત્મવિવાહ કરો છો ત્યારે અન્ય કોઈ વ્યક્તિ સાથે જોડાતાં નથી. તમે જાત સાથે જોડાવ છો. જાત સાથે જોડાવું અને લગ્ન કરીને અન્ય વ્યક્તિ, કુટુંબ કે સમાજ સાથે જોડાવું તેમાં ઘણો ફરક હોય છે.
જોડાવું એ સંસ્કાર છે.જોડાવું અને જોડવું એ મૂલ્ય છે. લગ્નમાં જોડાવાનો મહિમા છે. લગ્ન એકત્વની આરાધના છે. એમાં બે હૈયાં અને બે પરિવાર જોડાય છે.એમાં બૃહદ સમાજ પણ જોડાય છે. જોડાવું એ પવિત્રતા છે.જોડાવું એ માનવતા છે. જોડાવું એ જવાબદારી પણ છે.
તમે જ્યારે જોડાવ છો ત્યારે આપોઆપ સમર્પણની દિશા તરફ ગતિ કરો છો.લગ્નસંસ્થામાં પ્રવેશ કરનારી કોઈ પણ વ્યક્તિ એક સાથે બે અનુભવમાંથી પસાર થાય છે. એક અનુભવ હોય છે જોડાવાનો. તમે એક નવી વ્યક્તિ, નવા કુટુંબ સાથે જોડાવ છો. એ આનંદની રળિયામણી ઘડી છે. એમાં રોમાંચ, ગૌરવ અને આનંદ છે.લગ્ન સ્ત્રી-પુરુષની જાતીય વૃત્તિઓને સંયમિત કરે છે. જાતીય વૃત્તિઓને સંયમમાં રાખવા માટે લગ્નસંસ્થા અસરકારક વ્યવસ્થા ગણાય છે. અલબત્ત, તેમાં સો ટકા સફળતા મળતી નથી. એમાં પણ અનેક છીંડાં રહી જાય છે. ક્ષમા બિંદુએ આત્મવિવાહની જે શરૂઆત કરી છે તે કેટલી યોગ્ય છે? તેનાથી લગ્નસંસ્થા સામે કોઈ જોખમ ઊભું થશે ખરું? આજકાલ યુવક-યુવતીઓ શા માટે લગ્ન ન કરવાનો નવો રિવાજ સ્થાપી રહ્યાં છે. એમાં વિશેષ કરીને યુવતીઓ શા માટે હોય છે? આ બધા ચર્ચાના મુદ્દા છે.
વિનોબા ભાવેએ ભારતની સંસ્કૃતિ નામનું એક સુંદર પુસ્તક લખ્યું છે. એમાં તેમણે સંસ્કૃતિની સરસ વિભાવના કરી છે. તેમણે કહ્યું છે કે, પહેલાં કૃતિ રચાઈ છે. સમયની એરણ પર એ કૃતિનું આકલન અને મૂલ્યાંકન થતું રહે છે. એ કૃતિની જુદી જુદી રીતે કસોટી થાય છે. જ્યારે કૃતિ તમામ પરીક્ષાઓમાંથી હેમખેમ પાસ થાય છે ત્યારે એ સંસ્કૃતિ બને છે. સમયાંતરે સમાજમાં નવી નવી કૃતિઓ રચાતી જ રહે છે. જો સંસ્કૃતિ એ કોઈ નદીની મોટી ધારા છે તેમ આપણે માની લઈએ તો સાંપ્રત સમયમાં રચાતી કે સર્જાતી નવી નવી કૃતિઓ એ નદીને મળતાં ઝરણાં છે.
લગ્નસંસ્થાએ અકુદરતી વ્યવસ્થા છે. માણસે જાતે પોતે શોધી કાઢેલી અને પછી ધીમે ધીમે તેને સ્થિર કરી છે. એ કુદરતી ન હોવાથી તેના ઘણા પ્રશ્ર્નો છે. કોઈપણ અવસ્થા કે વ્યવસ્થાના પ્રશ્ર્નો હોય જ છે. પ્રશ્ર્નોથી પર હોય તેવી કોઈ વ્યવસ્થા હોતી જ નથી. આર્થિક પ્રણાલીમાં મૂડીવાદ, રાજકીય પ્રણાલીમાં લોકશાહી અને સામાજિક પ્રણાલીમાં લગ્નસંસ્થા એ અત્યાર સુધીમાં માણસે જાતે શોધેલી, અત્યાર સુધીની શ્રેષ્ઠ વ્યવસ્થા છે. આ ત્રણેયની ઘણી મર્યાદાઓ છે. આમ છતાં આપણી પાસે આ ત્રણથી વધારે શ્રેષ્ઠ કોઈ વિકલ્પ ન હોવાથી આપણે તેને ચલાવીએ છીએ. જો કે બદલાતા સમયની સાથે તેમાં તબક્કે તબક્કે પ્રયોગો થતા રહે છે. જેમ કે લગ્ન સંસ્થાની સમાંતરે ‘લિવ ઈન રિલેશનશિપ’ નામનો નવો રિવાજ વર્ષોથી અમલમાં છે. આત્મવિવાહ એ દિશાનું આગળનું સ્ટેશન છે. હજી પણ બીજા સ્ટેશનો હશે જે થોડાં વર્ષો પછી આપણે જોઈશું. આત્મવિવાહ એ આધુનિક માનસિકતાનું પ્રતીક છે. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ વ્યક્તિ વધારે સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. પ્રાઇવસી એ એકવીસમી સદીનું સંતાન છે. પચાસ કે સો વર્ષ પહેલાં પ્રાઇવસી જેવો કોઈ ક્ધસેપ્ટ જ નહોતો. જો હતો તો નામ માત્રનો હતો. સ્વતંત્રતાના માર્ગ પર વ્યક્તિ આગળ વધે છે ત્યારે તેને પ્રાઇવસીનો અનુભવ થાય છે. એનો વધારે સઘન અનુભવ કરવા માટે જે જે વ્યક્તિઓ આતુર બને છે તે વ્યક્તિઓ પરંપરાગત વ્યવસ્થાને બદલે કોઈ નવી વ્યવસ્થામાં વિશ્ર્વાસ મૂકે છે. વડોદરાની ક્ષમા બિંદુએ આ નવી વ્યવસ્થામાં વિશ્ર્વાસ મૂક્યો છે. તેણે કહ્યું છે કે, મારે મારી રીતે જ જીવનનો આનંદ મેળવવો છે. જીવનના આનંદ માટે મારે બીજા કોઈ પર આધારિત રહેવું નથી.
યુવક કે યુવતીની માનસિકતા સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો છે. આપણે ત્યાં એવું પણ માનવામાં અને કહેવામાં આવે છે કે, કોઈ બેજવાબદાર યુવક-યુવતી હોય તો લગ્ન કર્યાં પછી આપોઆપ તે જવાબદાર બની જાય છે. વાલીઓ કહેતા હોય છે કે લગ્ન પછી છોકરમત આપોઆપ ઘટી જાય છે અને પરિપક્વતા આવી જાય છે. કાયદો એમ કહે છે કે, વ્યક્તિ પરિપક્વ થાય પછી તેનાં લગ્ન કરો, ઘણીવાર સમાજ એમ કહે છે કે લગ્ન કરી નાખો એટલે વ્યક્તિ આપોઆપ પરિપક્વ અને ગંભીર થઈ જશે.
આજના યુવા વર્ગે જોયું છે કે, ઘણા લોકો અપરિણીત હોવા છતાં પોતાના ગામ, શહેર, રાજ્ય, દેશ કે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે, ત્યારે ચોક્કસ દ્રઢ મનોબળવાળા યુવક-યુવતીઓએ અપરિણીત રહેવાનો માર્ગ પસંદ કરી લીધો છે. હવે ક્ષમા બાદ કોણ નવો ચીલો ચાતરશે એ જોવું રહ્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.