ચંદ્રપુરમાં બની મોરબી જેવી હૃદયદ્રાવક દુર્ઘટના
૨૦ ફૂટની ઊંચાઈથી પેસેન્જર પાટા પર પટકાયા
નાગપુર: ચંદ્રપુર જિલ્લામાં રેલવે સ્ટેશન ખાતે ફૂટઓવર બ્રિજનો હિસ્સો તૂટી પડતાં રેલવે ટ્રેક પર પટકાતા ૪૮ વર્ષની એક મહિલાનું મરણ થયું હતું અને બીજા ૧૨ જણ ઘાયલ થયા હતા.
બલ્લારશાહ રેલવે સ્ટેશન ખાતે રવિવારે સાંજે ૫.૧૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. ગંભીર રીતે ઘાયલમાંના બે માંના એક ૪૮ વર્ષની મહિલા નીલિમા રંગારીનું ખાનગી હોસ્પિટલના ઈન્ટેન્સીવ કેર યુનિટમાં નિધન થયું હતું.
કુલ પાંચ જણને હોસ્પિટલમાં દાખલ કરાયા અને બાકીના ને પ્રાથમિક સારવાર આપીને રજા અપાઈ હતી. રંગારી એ સ્થાનિક શિક્ષિકા છે.
પુણે તરફ જનારી ટ્રેન પકડવા માટે લોકો આ ફૂટઓવર બ્રિજનો ઉપયોગ કરતા હોઇ રવિવારે બ્રિજનો હિસ્સો અચાનક તૂટી પડતાં ૨૦ ફૂટ ઊંચાઇથી નીચે રેલવે ટ્રેક પર પડ્યા હતા, એમ ગવર્ન્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીએ કહ્યું હતું.
આ ઘટનામાં ૧૩ જણને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે બલ્લારપુર ગ્રામીણ હોસ્પિટલમાં લઇ
જવામાં આવ્યા હતા અને અમુકને બાદમાં ચંદ્રપુર ગવર્ન્મેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (જીએમસીએચ)માં ખસેડવામાં આવ્યા હતા.
ચાર પ્રવાસીને ગંભીર ઇજા પહોંચી હોવાથી જીએમસીએચ ખાતે તેમને સારવાર આપવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન ચંદ્રપુરના પાલક પ્રધાન સુધીર મુંગેટ્ટીવારે ઘાયલ લોકોને તમામ તબીબી સહાય પૂરી પાડવાના નિર્દેશ હોસ્પિટલના સત્તાવાળાઓને આપ્યા હતા અને આ ઘટના અંગે તપાસ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
પ્લેટર્ફોમ નંબર ૧
અને ૨ને જોડતા ફૂટઓવર બ્રિજના એક પ્રિ-કાસ્ટ સ્લેબનો કેટલાક ભાગ તૂટી પડ્યો હતો, પરંતુ બ્રિજના બાકીના ભાગ અકબંધ છે, એમ મધ્ય રેલવેએ અખબારી નિવેદનમાં જણાવ્યું હતું. દરમિયાન રેલવેના જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે માહિતી આપી હતી કે ગંભીર રીતે ઇજા પામનારને રૂ. એક લાખ અને સામાન્ય ઇજા પામનારને રૂ. ૫૦ હજાર એક્સ ગ્રેસિયા તરીકે આપવાનું રેલવેએ જાહેર કર્યું છે.