એક લાફો અનેક વિદ્રોહ: થપ્પડોની થપેડાદાયક ફિલ્મી વાતો!

ઉત્સવ

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: દરેક મજાક, મજાકિયાનું ચારિત્ર્ય છતું કરે છે! (છેલવાણી)
હમણાં ત્રણ મહિના પહેલા ઍવોર્ડમાં ઓસ્કાર અભિનેતા વિલ સ્મિથે, એંકર કૉમેડિયન ક્રિસ રોકને સ્ટેજ પર જઇને થપ્પડ ચોડી દીધી, કારણકે ક્રિસે વિલની પત્નીના ટાલિયા હોવા પર ભદ્દી મજાક કરી..પછી તો જોકે વિલ સ્મિથે માફી પણ માગી લીધી, પણ હજી એ વિવાદ ચાલ્યા જ
કરે છે.
હજીયે અભિનેતા ક્રિસ રોક, રોજેરોજ નવાનવા બયાન આપે છે ને એને કોઇ અસર નથી થઇ એમ કહે છે. ભગવાન જાણે, પણ જેમ મન, મોતી ને કાચ એકવાર ભાંગે તો ના સંધાય એમ થપ્પડ પણ એકવાર લાગે તો પછી પાછી ના લેવાય.
કહેવાય છે કે મશહૂર અભિનેત્રી નૂતન અને સંજીવકુમાર વચ્ચે અફેર હતું. વાત એ વખતના મીડિયામાં બહુ ચગેલી. પછી આખી વાત એક અફવા છે એમ સાબિત કરવા નૂતને પોતાના પતિ મિ. બહેલને એકવાર ફિલ્મના સેટ પર બોલાવ્યા અને સૌની હાજરીમાં સંજીવકુમારને એક જોરદાર થપ્પડ મારી દીધેલી! કહેવાય છે કે સંજીવકુમાર અને નૂતને બેઉએ મળીને આ પ્લાન કરેલો જેથી નૂતનનું લગ્ન-જીવન બચી જાય! જો એમ હોય તો એ થપ્પડ પાછળ આપણાં ગુજરાતી સ્ટાર હરીભાઇ ઉર્ફ સંજીવકુમારની ખાનદાની ઝલકે છે.
આપણે ત્યાં બોલીવૂડમાં સલમાને ઘણાં પત્રકારોને થપ્પડ મારી છે અને હજી કોર્ટના ધક્કા ખાય છે. હી-મેન ધર્મેન્દ્ર તો દેવયાની
ચૌબલ નામની ગોસિપ પત્રકાર પાછળ સ્ટુડિયોમાં ચપ્પલ લઇને મારવા દોડેલો. શાહરૂખે, નૃત્ય-નિર્દેશક ફરાહ ખાનના સળીબાજ પતિ શિરીષ કુંદેરને બાંદ્રાની એક પાર્ટીમાં થપ્પડ ઝીંકી દીધેલી જેના અમો
સાક્ષી છીએ.
ગ્લેમર જગતમાં કલાકારો એકમેકને થપ્પડ મારે ને પછી એકમેકને ગળે ભેટીને રડી લે એ બહુ કોમન છે. નાટક કે ફિલ્મના સીનમાં જ્યારે થપ્પડ મારવામાં આવે છે ત્યારે એક ખાસ ટેક્નિક હોય છે કે થપ્પડ મારનારો સામેના પાત્રના ગાલ પાસેથી હાથ લઇ જાય અને જેને લાફો પડવાનો છે એ તરત પોતાનો હાથ ગાલ પાસે લાવે, એક જાતની તાળી જેવો અવાજ આવે.
આ બંને ઘટના એક ક્ષણમાં બને એટલે પ્રેક્ષકને લાગે કે ખરેખર થપ્પડ પડી! પણ એમાંયે નાના પાટેકર જેવા સેડિસ્ટ કલાકારો સામેનાને સાચે જ થપ્પડ મારીને મજા લે ને સામેનાને હડધૂત કરે! અમારા મિત્ર અને અભિનેતા-નિર્દેશક શફી ઇનામદારને ‘હમ દોનોં’ ફિલ્મના સેટ પર પત્રકારો સામે નાના પાટેકરે લાફો મારેલો અને એ અપમાનની અસર સ્માની શફીભાઇ પર લાંબા અરસા સુધી રહેલી એટલે જ પછી નાના સાથે કામ કરવા બહુ ઓછા લોકો તૈયાર હતા.
જૂના જમાનાના સંવાદના જાદૂગર રાજકુમાર થપ્પડના સીનથી બહુ દૂર ભાગતા, કારણકે તેઓ માથામાં વિગ પહેરતા અને થપ્પડથી વિગ હલી જાય તો? વળી કાદરખાન જેવા હાસ્ય અભિનેતાએ વાતવાતમાં સામેના પાત્રને થપ્પડ મારવાની સ્ટાઇલ શરૂ કરેલી. સામેનું પાત્ર સારો પંચ મારે અને એનો જવાબ ના હોય તો કાદર ખાન લાફો મારે! આ પણ એકજાતની વિકૃતિ જ છેને?
ઇંટરવલ:
આગે હૈ કાતિલ મેરા ઔર મૈં પિછે પીછે (મજરૂહ)
‘આવિષ્કાર’ નામની ક્લાસિક ફિલ્મમાં રાજેશ ખન્ના અને શર્મિલા બેઉના ભગ્ન લગ્નજીવનની વાત બાસુ ભટ્ટાચાર્યએ સુંદર રીતે રજૂ કરેલી. એમાં એક સીનમાં રાજેશ ખન્ના સિગારેટ સળગાવે છે અને પત્ની શર્મિલા લાફો મારીને સિગારેટ પાડી નાખે છે. રાજેશ ફરી સિગારેટ સળગાવે છે અને શર્મિલા ફરી લાફો મારે છે.
આમ ૭-૮ વાર થયા જ કરે છે અને બ્લેક એંડ વ્હાઇટ રંગમાં ઝાંખી મૂડ લાઇટિંગ સાથે ખરાબ મેરિડ-લાઇફનું સુદર ચિત્રણ સતત
થપ્પડોથી દેખાડવામાં આવેલું. તો એનાથી સાવ ઊંધુ એક પાકિસ્તાની સી-ગ્રેડની ફિલ્મમાં ભાવાવેશમાં આવીને હિરો-હીરોઇન એકમેકને સતત થપ્પડ મારે છે ને પછી અચાનક આઇ લવ યુ કહીને ભેટી પડે છે ને ચૂમાચાટી કરવા માંડે છે. આવા લવ-સીનના લાફાઓને સમજવા
સિગ્મંડ ફ્રોઇડ જેવા મનોવૈજ્ઞાનિકે પણ સાત વાર જાતને થપ્પડ મારીને વિચારવું પડે!
મુંબઇની બંબૈયા ભાષામાં થપ્પડને ‘ઝાપડ’ કે ‘ઝાપટ’ કહેવાય છે ને હિંદીમાં ‘ચપટ’ કે ‘ચમાટ’! પણ કોઇપણ ભાષામાં થપ્પડ લાગે છે ત્યારે સામેનો માણસ હલી જાય છે ને ક્યારેક શારીરિક-માનસિક સંતુલન પણ ગુમાવી બેસે છે, કારણકે બે કાન વચ્ચે કેમિકલ એમાં હલી જાય છે! લખનઊમાં બહુ તહેજીબ કે સંસ્કારથી થપ્પડ મારવાની વાત રજૂ
થાય છે.
એક નવાબ, બીજા નવાબને ઝઘડા દરમ્યાન લાફો મારવાની ધમકી આપતા પૂર્વે શાલીન ભાષામાં વોર્નિંગ આપે. જેમ કે- ‘હૂઝુર, અગર હમ આપ કે નાજૂક સે રૂખસાર પર હલ્કા-સા ચાંટા રસીદ કર દેંગે તો આપ કે મોતિયોં જૈસે દાંત ઝમીન પે ગિર કર કે રક્સ કરતે હુવે નઝર આયેંગે!’…એટલે કે- ‘જો હું તારા ડાચાં પર એક નાનકડી ઝાપટ પણ મારીશને તો તારા મોંમાંથી તારા દાંત નીચે ભોંય પર પડીને નાચવા માંડશે!’ છેને લાફો મારવાની લખનવી અદા?
વચ્ચે આમ આદમી પાર્ટીના લીડર કેજરીવાલને કોઇએ જાહેરમાં થપ્પડ મારેલી તો વળી સિનિયર લીડર શરદ પવારને પણ જાહેરમાં કોઇએ થપ્પડ મારેલી ત્યારે એક જ ક્ષણમાં તેઓ કશુંયે રિયેક્ટ કર્યા વિના ચાલવા માંડેલા! શું છે કે રાજકારણીઓને થપ્પડ કે ગાળો કે ટીકા કશું જ લાગતું નથી હોતું!
બાકી આપણે સહુ પણ જીવનમાં કેટકેટલા અપમાનોની અદૃશ્ય થપ્પડો ખાઇને જીવી જ લઇએ છીએને?
એંડ ટાઇટલ્સ:
આદમ: તું મારાથી હર્ટ છે?
ઇવ: ના, તારા હોવાથી હર્ટ છું!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.