Homeલાડકીગમતી ક્ષણોને આંખરૂપી કેમેરામાં કાયમી કેપ્ચર કરવા માટે પોતાને જ પ્રેમ કરતા...

ગમતી ક્ષણોને આંખરૂપી કેમેરામાં કાયમી કેપ્ચર કરવા માટે પોતાને જ પ્રેમ કરતા રહેવું પડે છે…!

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

આપણે સૌથી વધુ કોને પ્રેમ કરીએ છીએ? આપણા માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ કોણ? આંખ બંધ કરતાં જ કોનો ચહેરો દેખાય છે? વાત જ્યારે પ્રેમની હોય ત્યારે એ અપાર પ્રેમ કોના પર વરસાવીએ છીએ?
પ્રેમનો તહેવાર નજીક છે ત્યારે કેટલાક પ્રશ્ર્નો સટાસટ નજર સામે આવ્યા. કોઈ કહેશે પેરેન્ટ્સ તો કોઈ કહેશે બાળકો તો કોઈ કહેશે સ્પાઉસ અથવા તો પ્રેમી કે પ્રેમિકા… કદાચ એક કરતાં વધુ વ્યક્તિ પણ હોય શકે. આ બધા જ જવાબો સાચા છે, પરંતુ ક્યારેય એવો જવાબ મળ્યો કે, ‘હું તો તને પ્રેમ કરું છું’, ‘મારા માટે તું જ સૌથી વધુ અગત્યની/અગત્યનો છો’ ખરેખર આપણામાંથી એવા કેટલા જે પોતાને, પોતાની તમામ આદતોને પ્રેમ કરતા હોય? કદાચ બહુ જ ઓછા. મોટાભાગના જાત સાથે ઝઘડનારાં, જાતને છેતરનારા ને પોતાની જ કોઈ વાતથી નારાજ રહેનારા જોવા મળશે. જાતને ઇગ્નોર કરીને અન્યો માટે પ્રેમ જતાવવા કાર્ડસ કે ગિફ્ટસ મોકલીને શું ખરેખર ફાયદો થવાનો?
વાત જ્યારે પ્રેમની હોય ત્યારે હંમેશા આપણે કોઈક વ્યક્તિ વિશે વિચારીએ છીએ. જેના માટે કંઈ પણ કરી શકવા સુધી તત્પર હોઈએ છીએ. પણ પોતાની જાતને કેટલો પ્રેમ કર્યો એના પર ક્યારેય વિચાર કર્યો જ નથી. બીજાને અનહદ પ્રેમ આપવા ઓલ ટાઈમ રેડી રહેનાર આપણે પોતાના માટે પ્રેમનો પિરામિડ ક્યારે બાંધીશું? પ્રેમ શોધવા મથતી આપણી જાત શું પોતાને પ્રેમ કરવાના શુભ મુહૂર્તની રાહ જોશે? પોતાને ગમતી ક્ષણોને આંખરૂપી કેમેરામાં કાયમી કેપ્ચર કરવા માટે પોતાને જ પ્રેમ કરતા રહેવું પડે છે. બીજાને સંવેદનાથી નવડાવતા પહેલાં આપણે આપણામાં ડૂબકી લગાવવી પડે છે. પ્રેમના ઘોડાપૂરમાં તણાઈ જવા માટે સ્વને સ્નેહ કરવો પડે છે, વ્હાલ વરસાવવો પડે છે, લાગણીથી તરબોળ થવું પડે છે.
બીજા પર ભરપૂર પ્રેમ વરસાવવાની પૂર્વ શરત એ છે કે પોતાની જાતને અનહદ ચાહવી. આપણામાં રહેલાં ગુણોને પ્રેમ કરવો પણ સાથે સાથે અવગુણોને નકારવા નહિ. બીજાને ખુશી આપવા માટે આપણા ફેસ પર સ્માઈલની લાંબી લીટી કાયમ માટે અંકિત થયેલી હોવી જોઈએ. કોઈના પ્રેમને પાત્ર બનવા માટે પોતાની જાતને અપાર અને અગાધ પ્રેમ કરવો એ ઇનબીલ્ટ કન્ડિશન હોવી જોઈએ. મસ્ત તૈયાર થઈને પોતાને પણ ક્યારેક પ્રપોઝ કરીને કહી દેવું જોઈએ કે, ‘મને તું બહુ વ્હાલો/વ્હાલી છો.’
જ્યારે આપણે શું કરીએ છીએ? બીજાને પ્રેમ જતાવવા મોંઘી ગિફ્ટસ અને ચોકલેટ્સ આપીએ છીએ. પોતાને ભાવતો ઓરેન્જનો ટિકડો ખાઈને એની મજા લીધી? આપણા પાર્ટનર માટે ગોવાની સરપ્રાઈઝ પ્લાન કરીએ છીએ. પોતાને ગમતું જંગલમાં રખડવાનું પ્લાન કરી ક્યારેય પોતાને ગમતી સરપ્રાઈઝ આપી? પાર્ટનર માટે થઈને રેસ્ટોરાં ડિનર કે કેન્ડલ લાઈટ ડિનરની પાર્ટી કરી પ્રેમનું સેલિબ્રેશન કરીએ છીએ. પોતાને ભાવતો શિરો બનાવી ક્યારે ખાધો એ યાદ છે? અરે ઘરમાં ગેસ્ટ આવવાના હોય કે આપણું ગમતું પાત્ર, એના માટે થઈને ઘર ચકચકાટ કરીને સજાવટ કરીએ છીએ. આપણે એકલા હોઈએ ત્યારે કેવી સ્થિતિ હોય છે? બીજાઓ માટે મોંઘી ક્રોકરી સેટ ટેબલ પર ગોઠવી દઈએ છીએ. આપણા માટે તો એ જ તિરાડો વાળી થાળી વાટકા હોય છે. હે ને? ઈવન પ્રસંગોપાત કે કોઈપણ પ્રકારના સેલિબ્રેશનમાં જતાં પહેલાં ૧૦૦ વખત આપણે કેવા લાગીએ છીએ કે અન્યો આપણને કેવા એંગલથી જોશે એ ચેક કરીને જઈએ છીએ. આપણને ગમતાં આઉટફિટ કે જૂતા પહેરવાનો આનંદ છેલ્લે ક્યારે લીધો? પાર્ટનરને ગમતા સ્પ્રે પરફ્યુમ ખરીદીને છાંટીએ છીએ. આપણને ગમતું પરફ્યુમ ક્યારે લગાવ્યું?
આવી તો ઘણી વાતો હશે જે આપણને વિચારવા મજબૂર કરે કે બીજાની ચાહવાની લ્હાયમાં આપણી જાતને ચાહવાનું તો સાવ ભૂલી જ ગયા. બીજાના ફિગર જોઈને એના જેવા બનવા માગીએ પણ અરીસા સામે ઊભા રહી ક્યારેય પોતાને નિરખવાનો પ્રયાસ કર્યો? પગથી લઈને માથા સુધીની નજાકતને માણી? આપણે કેવા છીએ એની સૌથી વધુ ખબર આપણને જ હોય છે તો આપણા એ સ્વચ્છ, સુંદર હૈયાને હેતથી હાથ ફેરવ્યો? ‘તું મને બહુ જ ગમે છે યાર, આઈ લવ યુ’ આવું પોતાને કહી જોયું ક્યારેય? કહી જોજો એકવાર. બહુ મજા આવશે. આપણને કોઈ બીજાની આંખો ગમે, નાક નકશી ગમે, અવાજ ગમે, અરે કોઈની પર્સનાલિટી ગમે… ગમવી પણ જોઈએ, પરંતુ આપણામાં રહેલી કઈ વાત જે આપણને અનહદ ગમતી હોય એ જાણવાની તસદી જ આપણે નથી લેતા. હંમેશાં બીજાનું બધું જોઈએ આકર્ષાઈએ છીએ, પણ આપણામાં રહેલી અઢળક ખૂબીની જાણ જ નથી હોતી. કુદરતે સરસ મજાના શરીરની સાથે એક અતિસુંદર મન પણ આપ્યું છે. એ બંનેને ચાહ્યા પછી સમજાય કે આપણા જેવું બીજું કોઈ છે કે કેમ?
ક્યારેક પોતાને પણ ચોકલેટ્સ આપીને સરપ્રાઈઝ આપવી જોઈએ. ક્યારેક પોતાને પણ એકાદું ફ્લાવર આપીને પ્રપોઝ કરી દેવું જોઈએ. પોતાનો ચહેરો બે હથેળીમાં લઈને ખૂબ વ્હાલથી હાથ ફેરવીને કહેવાય કે, ‘બહુ મીઠો સ્પર્શ છે તારો…’ ક્યારેક પોતાની પીઠ થપથપાવીને કહી નાખવાનું કે, ‘શાબાશ, તારા જેવું બીજું કોઈ નહિ.’ ક્યારેક ખૂણામાં બેસી મનભરી રડી પણ લેવું જોઈએ જેથી ઘડીભર શાંતિ મળે. ક્યારેક એકલાં એકલાં મન પડે ત્યાં રખડવા નીકળીને પોતાની સાથે રખડવાનો આનંદ માણવો જોઈએ. પોતાને સૌથી વધુ ગમતો ફોટો વારંવાર નિહાળવો જોઈએ. ગમતું મુવી કે ગમતું પુસ્તક ફરીફરીને વાંચવું જોઈએ. કોણ શું કહેશે એનો વિચાર કર્યા વગર પોતાને શુ ગમે છે કે પોતાને શેમાં આનંદ મળે છે એ બાબતે ક્યારેક વિચારવું જોઈએ. અરે ક્યારેક બાળક જેવા બનીને નાચવું કૂદવું જોઈએ. ધૂળમાં આળોટીને, માટીનાં રમકડાં બનાવીને, કપડાં ગંદા કરીને બાળપણની મોજ લેવી એ પોતાની જાતને ખુશ રાખવાનો બેસ્ટ ઑપશન છે. મોટા થઈને એમપણ શું ફાયદો જ્યાં કંઈપણ કરતી વખતે અન્યનું વિચારવું પડે?
તો બસ આ વખતે બીજાને પ્રેમ જતાવવા જઈએ એ પહેલાં આપણે આપણી જાતને ચાહવાની પ્રોમિસ કરીએ અને સ્વને ફૂલોથી સુગંધિત કરીએ. પોતાને ભાવતી ચોકલેટ્સ કે મીઠાઈ ખરીદીને પોતે જ ખાઈએ અને પોતાને ગમતું પોતાને ગિફ્ટ કરીએ. જેવા છીએ એવા બેટર છીએ એ ભાવના સ્વીકાર સાથે પોતાના પર વિશેષ વ્હાલ વરસાવીએ. ‘હું શ્રેષ્ઠ છું અને શ્રેષ્ઠ જ રહીશ’ આ વાતને મગજના છેલ્લા કોષ સુધી ફિટ કરી દઈએ જેથી ગજની જેવું આપણું માઈન્ડ એ ભૂલે નહિ. જાતને સતત પેમ્પર કરીએ અને એકાંતમાં એની સાથે વાતો કરી એની ઈચ્છા જાણીએ. ગમતાં પાત્રનું સાંનિધ્ય ઝંખતા પહેલાં ‘સ્વ’ નું સાંનિધ્ય ભોગવ્યું કે કેમ એની સારી પેઠે તપાસ કરી લઈએ. અને આ રીતે ઉજવીએ પ્રેમનો ઉત્સવ પ્રેમોત્સવ… માત્ર આઠ-દસ દિવસ નહીં પણ જિંદગીના છેલ્લા શ્ર્વાસ સુધી…!
કલાઇમેકસ:
તને શ્ર્વાસમાં ભરતાં પહેલાં મારા ફેફસાનું પરીક્ષણ કરાવવું અત્યંત જરૂરી છે. રખે ને શ્ર્વાસ રૂંધાય તો…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular