એક સરળ તુક્કાથી બેંગલુરુની મહિલાએ બચાવ્યું ૧૮ લાખ લિટર પાણી

લાડકી

ફોકસ-પ્રથમેશ મહેતા

આમ તો ભારત એક ‘પાણીદાર’ દેશ છે. અર્થાત્ કે હિમાલય પર્વત શૃંખલાથી નીકળતી અનેક નદીઓએ આ દેશને હંમેશાં જળ સમૃદ્ધ દેશ રાખ્યો છે, પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે, વસ્તી વધતી જાય છે, તેમ તેમ જળ સ્રોતો સુકાતા જાય છે અને પાણીની અછત ઊડીને આંખે વળગે છે. વરસાદ પણ અનિશ્ર્ચિત થઈ ગયો છે. આવા સમયે જળને પણ જીવની જેમ સાચવીને વાપરવું પડે તેવી સ્થિતિ છે.
પાણીના બગાડનો મુખ્ય સ્રોત એટલે આપણાં ઘર, ઓફિસ, શાળા, જાહેર શૌચાલય કે અન્ય જાહેર જગ્યાએ લાગેલા નળ. આપણા પરંપરાગત નળ જ્યારે સંપૂર્ણ ખુલ્લા હોય ત્યારે સરેરાશ વીસ સેક્ધડ હાથ ધોવામાં ચાર લિટર પાણી વપરાય છે. તેને વ્યક્તિઓની સંખ્યા સાથે ગુણાકાર કરો એટલે જે આંકડો આવશે તે જોઈને આપણી આંખો પહોળી થઈ જશે.
બેંગલુરુના એચએસઆર લેઆઉટમાં રહેતાં લલિતમ્બા વિશ્ર્વનાથૈયા માટે આ એક અકળાવનારો વિષય હતો. આનો શું ઉપાય? તેનો વિચાર કરતાં તેમને આઈડિયા આવ્યો કે જો એરેટર્સ (નળના નાળચામાં બેસાડાતી એક પ્રકારની જાળી) અને વોટર રિસ્ટ્રિક્ટર્સ (પાણીનો વેગ નિયંત્રિત કરતો એક ભાગ) જેવા સાવ સરળ ઉપકરણ નળમાં વાપરીએ તો પાણીની બચત થઈ શકે છે. તેનાથી ધોવાની ક્ષમતા ઓછી કર્યા વિના પાણીનો ઉપયોગ ત્રણ ગણો ઘટાડી શકાય છે.
લલિતમ્બા જણાવે છે કે ‘હું છેલ્લાં તેર વર્ષથી અનેક સામાજિક કર્યો સાથે જોડાયેલી છું. ઘન કચરા વ્યવસ્થાપનથી લઈને વીજળી અને પાણી બોર્ડ સુધી હું વિવિધ કમિટીઓમાં અને કાર્યકારિણીઓમાં સક્રિય રહી છું, જે બેંગલુરુની ખોવાયેલી રોનક પાછી મેળવવા મથી રહ્યાં છે. સ્થાનિક સમસ્યાઓ માટે આપણે સીધા કેન્દ્ર સરકારના આવવાની અપેક્ષા તો ન કરી શકીએ.’ લલિતમ્બા પોતાના ઘરમાં એક ક્રોકરી બેન્ક ચલાવે છે. તેમના ઘરે બસોની આસપાસ ક્રોકરી અને ચમચા વગેરે છે, જે તેઓ જેમના ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે મફતમાં વાપરવા આપે છે. આમ કરીને ઝીરો વેસ્ટ લિવિંગનો પ્રચાર કરે છે. દરેક અગત્યના કાર્યનો અગત્યનો ઘટક છે પાણી. તેની અછત કોઈ યુદ્ધમાં પરિણમી શકે તેમ છે. આપણી પાસે કેટલાક એવા પ્રોજેક્ટ છે જેથી આપણે પાણીનો વધુ સારો ઉપયોગ કરી શકીએ, જેમ કે વાવ-કૂવાને જીવંત કરવાં, વરસાદી પાણીનો સંગ્રહ અને મલિન પાણીનું શુદ્ધીકરણ કરવું. વરસાદી પાણીનો સંગ્રહ તો થઈ રહ્યો છે, પણ બિલ્ડિંગ કે રહેવાસી સંસ્થાઓમાં જગ્યાના અભાવે અને ખર્ચને કારણે મલિન પાણીનું શુદ્ધીકરણ મુશ્કેલ છે. તેમાં ત્રીસથી પચાસ લાખનો ખર્ચ થાય છે. આ રીતો તો કુદરતી સ્રોતોના સંગ્રહ અથવા પુન: વપરાશ સાથે સંકળાયેલી છે, પણ લલિતમ્બાને જણાયું કે અન્ય રસ્તો વપરાશના સ્તરેથી પાણીનો બચાવ કરવાનો છે. એટલે કે એવાં ઉપકરણો વાપરવાં જે કેટલાંક કાર્યોમાં પાણીનો ઉપયોગ નિયંત્રિત કરે, જેમ કે હાથ ધોવા, વગેરે. તેનાથી પાણી પરનું દબાણ ઘટશે. તેમને એ પણ સમજાયું કે આની સૌથી વધુ અસર ઊભી કરવી હોય તો એવી જગ્યાઓને પહેલાં લક્ષ્ય બનાવવી જોઈએ જ્યાં વધુ પ્રમાણમાં માણસો એકસાથે હોય, કેમ કે ત્યાં પાણીનો વપરાશ દેખાઈ આવે તેવો હોય છે. આ સમજણ સાથે તેમણે નળમાં એરેટર્સ અને વોટર રિસ્ટ્રિક્ટર્સના ઉપયોગનો પ્રોજેક્ટ હાથ ધર્યો.
એક મહિનામાં લલિતમ્બાએ સ્કૂલ-કોલેજ, લગ્નના હોલ
અને કોન્ફરન્સ હોલ જેવી જગ્યાઓ મળીને ૧૨૫ એરેટર્સ લગાવ્યાં. તેમના દાવા પ્રમાણે તેનાથી ૧૮ લાખ લિટર પાણીની બચત થઈ છે. આ પ્રોજેક્ટ માટે તેમનો ખર્ચ હતો માત્ર બાર હાજર રૂપિયા. એરેટર કે વોટર રિસ્ટ્રિક્ટર લગાડવામાં માત્ર બે મિનિટનો સમય લાગે છે. આ બંને ઉપકરણથી પાણીનો વેડફાટ ૨૫% જેટલો ઓછો થઈ જાય છે. સો રૂપિયા જેટલી કિંમતનું ઉપકરણ લગાડવાથી પ્રત્યેક મિનિટે દસ લિટર પાણીની બચત થાય છે! એક મહિનામાં તો તેની પાછળનો ખર્ચ વસૂલ થઈ જાય. શાળાઓ અને લગ્નના હોલ એક મહિનામાં લગભગ ૧૫,૦૦૦ લિટર પાણી બચાવી શક્યાં છે.
તેમની વિનંતી બહુ સાદી છે કે સત્તાધીશો આ ઉપકરણોનો જાહેર જગ્યાઓમાં ઉપયોગ ફરજિયાત બનાવે. તેઓ જણાવે છે કે ઘણાં સાર્વજનિક શૌચાલય વગેરે બનાવવામાં સીએસઆર ફંડનો ઉપયોગ થાય છે. ત્યાં એરેટર્સ જેવાં ઉપકરણોને બાંધકામના હિસ્સા તરીકે પહેલેથી જ સામેલ કરી શકાય અથવા જ્યારે નળ બદલવાના થાય ત્યારે તેમાં જોડી શકાય.
કહેવત છે કે ‘ટીપે ટીપે સરોવર ભરાય’, તેની જેમ નાના નાના પ્રયાસો મોટું પરિણામ લાવવા સક્ષમ છે. પરિવર્તનની શરૂઆત સ્વયંથી જ થવી જોઈએ. દરેક વખતે કોઈ સંસ્થા કે સરકાર આવીને બદલાવ લાવે તે જરૂરી નથી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.