Bandraમાં ઈમારત ધરાશાયી! દુર્ઘટનામાં એકનું મોત, 22 ઘાયલઃ બચાવ કામગીરી ચાલુ

આમચી મુંબઈ

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બુધવારે મધરાતે ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાને કારણે એકનું મોત અને 22 લોકો ઘાયલ થયા છે. આ દુર્ધટના બાંદ્રા વેસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક આવેલા શાસ્ત્રી નગરમાં બની છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આ ઘટનામાં ઘાયલ છ લોકોની હાલત ગંભીર છે, તેથી મરણાંક વધે તેવી શક્યતાઓ છે.

ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ગાડીઓ, એમ્બ્યુલન્સ અને પાલિકા પ્રશાસનની ટીમ પહોંચી ગઈ હતી. હજુ સુધી કાટમાળને હટાવવાનું કામ ચાલી રહ્યું છે અને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

ઘટનાસ્થળે ઉપસ્થિત ડીસીપીએ આ મામલે જણાવ્યું હતું કે, બાંદ્રાના શાસ્ત્રીનગરમાં આવેલી આ ઈમારત બુધવારે મધરાતે સવા બાર વાગ્યાની આસપાસ ધરાશાયી થઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા તમામ નાગરિકો સુરક્ષિત છે. પહેલા માળના છ અને બીજા માળમાં રહેતા 17 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં એકનું મોત થયું છે અને અન્ય 16 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 23 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

આ ત્રણ માળની ઈમારતની બાજુમાં આવેલા મકાનને બે દિવસ પહેલા જ તોડી પાડવામાં આવ્યું હતું. તેથી કહેવાઈ રહ્યું છે કે બાંદ્રાની આ દુર્ઘટના તેના કારણે બની છે. દુર્ઘટનામાં મોત પામેલી વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહી હતી અને ઈમારતનો હિસ્સો તેના પર પડવાને કારણે તાત્કાલિક તેનું મોત થયું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.