કોઈ વ્યક્તિ નિશ્ર્ચય કરી લે તો અલગ જિંદગી જીવી શકે છે

ઉત્સવ

એકસો પાંત્રીસ વર્ષ અગાઉ તરખાટ મચાવનારી અમેરિકન પત્રકાર એલિઝાબેથ કોચરેનની અકલ્પ્ય જીવનસફર

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

આજે વાત કરવી છે ઓગણીસમી સદીના છેલ્લા દોઢ દાયકા દરમિયાન તરખાટ માચાવનારી સાહસિક મહિલા પત્રકાર એલિઝાબેથ કોચરેનની.
૫ મે, ૧૮૬૪ના દિવસે અમેરિકાના પેન્સિલ્વેનિયામાં જન્મેલી એલિઝાબેથ કોચરેનની જિંદગી કોઈ હોલીવુડની ફિલ્મને ટક્કર મારે એવી હતી.
એલિઝાબેથ મધ્યમવર્ગી કુટુંબમાં જન્મી હતી. તેણે ૨૧ વર્ષની ઉંમરે, ૧૮૮૫માં પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું. તે એક ચર્ચાપત્ર લખવાને કારણે પત્રકારત્વમાં આવી ચડી હતી. બન્યું હતું એવું કે ‘પિટ્સબર્ગ ડિસ્પેચ’ અખબારમાં એક લેખ છપાયો હતો: ‘વોટ ગર્લ્સ આર ગુડ ફોર.’ એ લેખમાં છોકરીઓને ઉતારી પડાઈ હતી. એ લેખમાં સૂર હતો કે છોકરીઓમાં કોઈ ભલીવાર હોતી નથી. એને કારણે એલિઝાબેથને ગુસ્સો આવ્યો અને તેણે તે અખબારના તંત્રીને કચકચાવીને એક પત્ર લખ્યો. એ લેખ છાપવા માટે તેણે તંત્રીની અને અખબારની શાબ્દિક ધોલાઈ કરી નાખી હતી.
એ પત્ર વાંચીને બીજા કોઈ સામાન્ય તંત્રીને કદાચ ગુસ્સો આવી ગયો હોત, પરંતુ તે તંત્રી આકરા શબ્દોમાં લખાયેલા એલિઝાબેથના પત્રથી પ્રભાવિત થઈ ગયો અને તેણે એલિઝાબેથને મળવા બોલાવી. એ મુલાકાત વખતે તેણે તેને રિપોર્ટર તરીકે નોકરીની ઓફર કરી અને એલિઝાબેથે તરત જ એ તક ઝડપી લીધી. તેને નોકરીની જરૂર હતી.
એ સમયમાં મહિલાઓને માત્ર અખબારના મહિલાઓ માટેનાં પાનાં પૂરતું જ કામ સોંપાતું હતું, પરંતુ કોચરેન પ્રતિભાશાળી હતી અને તેની પ્રતિભા પારખીને તંત્રીએ તેને જુદા જુદા વિષયો પર રિપોર્ટિંગ કરવાની અને લખવાની તક આપી.
એલિઝાબેથે ૧૮૮૬ અને ૧૮૮૭ના વર્ષ દરમિયાન છ મહિના સુધી મેક્સિકોનો પ્રવાસ કર્યો અને ત્યાંના સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગરીબોની કરુણ દશા વિશે કેટલાય રિપોર્ટ્સ લખી મોકલ્યા. એ સ્ફોટક અહેવાલો છપાયા એને કારણે મેક્સિકોના સરકારી અધિકારીઓ તેના પર રોષે ભરાયા અને તેમણે તેને મેક્સિકોમાંથી
તગેડી મૂકી.
એ પછી એ લેખો ૧૮૮૮માં ‘સિક્સ મંથ્સ ઈન મેક્સિકો’ શીર્ષક હેઠળ પુસ્તક આકારે છપાયા. જોકે એ અગાઉ ૧૮૮૭માં એલિઝાબેથે પિટ્સબર્ગ છોડી દીધું અને જોસેફ પુલિત્ઝરના ‘ધ ન્યુ યોર્ક વર્લ્ડ’ અખબારમાં નોકરી મેળવી.
એ નોકરી પણ એલિઝાબેથને રોમાંચક રીતે મળી હતી. તે પોતાની મહત્ત્વાકાંક્ષાને કારણે ન્યુ યોર્ક ગઈ. એલિઝાબેથે ન્યુ યોર્કમાં પત્રકારત્વ કરવા માટે ન્યુ યોર્ક જવાનું જોખમ ખેડ્યું હતું, પણ તેને પ્રથમ ગ્રાસે જ માક્ષિકા જેવો અનુભવ થયો હતો. ન્યુ યોર્કમાં પહેલા જ દિવસે તેનું પર્સ ખોવાઈ ગયું. તેના પર્સમાં સો ડોલર હતા, જે તેની ત્યાર સુધીની બચત હતી!
આ વાત ૧૩૫ વર્ષ અગાઉની છે. એ સમયમાં સો ડોલર એટલે બહુ જ મોટી રકમ ગણાતી હતી. જોકે એમ છતાં એલિઝાબેથ હિંમત ન હારી. તે કોઈ પરિચય વિના સીધી જ ‘ધ ન્યુ યોર્ક વર્લ્ડ’ની ઓફિસમાં પહોંચી ગઈ. તેણે એ અખબારના તંત્રીને મળવા માટે તંત્રીના સહાયકને વિનંતી કરી.
તંત્રીના સહાયકે કહ્યું કે ‘અમારા તંત્રી અગાઉથી મુલાકાતનો સમય નક્કી કર્યા વિના આવનારા કોઈ મુલાકાતીને મળતા નથી.’
એલિઝાબેથે તંત્રીના સહાયકને વિનંતી કરી કે ‘તમે મારી ચિઠ્ઠી તેમના સુધી પહોંચાડી દો.’
સહાયકે કહ્યું કે ‘આ રીતે અમારા તંત્રી મળશે જ નહીં.’
જોકે એલિઝાબેથ કલાકો સુધી બેસી રહી અને છેવટે તંત્રીના સહાયકે થાકી-હારીને એલિઝાબેથે લખેલી ચિઠ્ઠી તંત્રી સુધી પહોંચાડી.
તંત્રીએ તે ચિઠ્ઠી વાંચીને સહાયકને કહ્યું કે ‘એ છોકરીને મારી કેબિનમાં મોકલાવો.’
એલિઝાબેથ તંત્રીની કેબિનમાં ધસી ગઈ. તેણે તંત્રીની સામે જઈને જુદા જુદા વિષયોની એક યાદી ધરી દીધી. તેણે કહ્યું કે ‘આમાંથી કોઈ પણ વિષય પર હું જબરદસ્ત અહેવાલ તૈયાર કરી આપીશ.’
તંત્રી તેના ઉત્સાહથી પ્રભાવિત થઈ ગયા. તેમણે પૂછ્યું કે ‘તારું નામ શું છે?’
એ સમયમાં સ્ટીફન ફોસ્ટરનું એક લોકગીત ખૂબ લોકપ્રિય થયું હતું. એ ગીતમાં નાયિકાનું નામ નેલી બ્લાય હતું. એલિઝાબેથે એ નામ પોતાના પેન નેમ તરીકે અપનાવી લીધું હતું. તેણે કહ્યું: ‘મારું નામ નેલી બ્લાય છે.’
તંત્રીએ તેને કહ્યું કે ‘સારું, હું તને તક આપીશ.’
નેલી એ વખતે ભૂખી અને તરસી હતી. તેણે પોતાના પેટ તરફ ઈશારો કરીને કહ્યું કે ‘મને થોડા એડવાન્સ પૈસા આપશો? ન્યુ યોર્કમાં આવતાંવેંત મારું પર્સ ખોવાઈ ગયું છે.’
તંત્રીના મનમાં એલિઝાબેથ માટે કરુણા જન્મી. તેણે તેને થોડા એડવાન્સ ડોલર્સ અપાવ્યા. એ પછી નેલીએ આપેલા વિષયોની યાદીમાંથી એક વિષય પસંદ કરીને તેણે તેને કહ્યું, ‘જો તું આ વિષય પર સ્ટોરી કરી લાવીશ તો હું તને પત્રકાર તરીકે કાયમી ધોરણે નોકરીએ રાખી લઈશ.’
એલિઝાબેથે એ વિષયમાં એવું કહ્યું હતું કે તે પોતે પાગલ છે એવો દેખાવ કરીને પાગલખાનામાં પ્રવેશ મેળવશે અને પછી પાગલખાનામાં પાગલો સાથે કેવો વર્તાવ કરાઈ રહ્યો છે એ વિશે સ્ફોટક રિપોર્ટ તૈયાર કરશે.
તંત્રીએ તેને એ અસાઈન્મેન્ટ આપ્યું અને નેલીએ બીજા દિવસથી જ પોતે પાગલ હોય એ રીતે વર્તવાનું શરૂ કર્યું. તે જ્યાં રહેતી હતી એ વિસ્તારના પાડોશીઓએ તેને પાગલ માની લીધી અને પાગલખાનામાં દાખલ કરી લીધી. જોકે પાગલખાનામાં પ્રવેશ માટે પણ ડોક્ટરની એક સમિતિ હતી. એલિઝાબેથે એવો વર્તાવ કર્યો કે એ સમિતિના સભ્યો એવા બધા ડોક્ટર્સ પણ છેતરાઈ ગયા અને તેમણે તેને પાગલખાનામાં પ્રવેશ આપી દીધો!
એલિઝાબેથ પાગલખાનામાં પ્રવેશી એ સાથે જ તેનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. એ પાગલખાનાના કર્મચારીઓ માનસિક રોગના દર્દીઓ સાથે પશુઓ કરતાં પણ બદતર વર્તાવ કરતા હતા.એલિઝાબેથ પણ કદાચ પાગલ થઈ ગઈ હોત. સ્વાભાવિક રીતે જ પાગલખાનાના કર્મચારીઓ અન્ય પાગલોની જેમ જ એલિઝાબેથ પર પણ અત્યાચાર કરતા હતા.
એલિઝાબેથ એ પાગલખાનામાં દસ દિવસ રહી અને પછી ‘ધ ન્યુ યોર્ક વર્લ્ડ’ના તંત્રીની સહાયથી એ પાગલખાનામાંથી બહાર નીકળી. પછી તેણે એ પાગલખાનાની અંદરની સ્થિતિ વિશે સ્ફોટક અહેવાલો લખ્યા. એ લેખો વાંચીને લોકોમાં રોષ ફાટી નીકળ્યો અને સરકારે પાગલખાનાંઓની તપાસ માટે હાઈ પાવર ગ્રાન્ડ જ્યુરીની નિમણૂક કરવી પડી અને એ જ્યુરીની તપાસના આધારે સરકારે એ પાગલખાનામાં સુધારણા માટે ત્રણ મિલિયન ડોલરની રકમ મંજૂર કરવી પડી.
એલિઝાબેથે આવાં તો ઘણાં સાહસો ખેડ્યાં. તેણે ‘પિટ્સબર્ગ ડિસ્પેચ’માં કામદારો અને ખાણોમાં કામ કરતા મજૂરોની ભયાનક દશા પર આક્રમક લેખો લખ્યા હતા એને કારણે તેનું નામ જાણીતું બની ગયું હતું, પરંતુ અમેરિકામાં દસ દિવસ પાગલખાનામાં રહીને બહાર આવ્યા પછી તેણે જે અહેવાલો લખ્યા એને કારણે તે બહુ જ ટૂંકા સમયગાળામાં અમેરિકાના તમામ પત્રકારોમાં નંબર વન ગણાવા લાગી.
એલિઝાબેથે ૧૮૮૯માં પણ તરખાટ મચાવી દીધો હતો. ૧૮૮૯માં પ્રખ્યાત વિજ્ઞાન કથાલેખક જુલે વર્નના ‘૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’ (અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન ૮૦ ડેઝ) પુસ્તકે બહુ વિવાદ જગાવ્યો હતો.
એ વખતે મોટા ભાગનાં અખબારોમાં ટેબલ પર બેસીને સ્ટોરી ઘસડનારા બેવકૂફ અને અલેલટપ્પુ જેવા પત્રકારોએ અને કોલમિસ્ટોએ જુલે વર્નની આકરી ટીકા કરતા લેખો લખ્યા હતા. તેમણે કહ્યું હતું કે આટલા દિવસોમાં પૃથ્વીની પ્રદક્ષિણા શક્ય જ નથી.
એ ઘેટાં જેવા પત્રકારોને પડકાર ફેંકવા માટે અને જુલે વર્નને સાચા ઠેરવવા માટે એલિઝાબેથે એક બીડું ઝડપ્યું. તેણે તેના તંત્રીને કહ્યું કે ‘તમે મને તક આપો તો હું ૮૦થી પણ ઓછા દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી બતાવું.’
તંત્રીએ તેને એ માટે મંજૂરી આપી અને નેલીના પ્રવાસની બધી જ વ્યવસ્થા ગોઠવી આપી અને ‘ધ ન્યુ યોર્ક વર્લ્ડ’માં પહેલે પાને સમાચાર પ્રકાશિત થયા કે અમારી પત્રકાર નેલી બ્લાય ૮૦થી પણ ઓછા દિવસમાં દુનિયાનો પ્રવાસ કરવા માટે જઈ રહી છે.
એ સમયમાં કોઈ યુવતી એકલી દુનિયા ફરવા નીકળી પડે એ પણ અકલ્પ્ય વાત હતી અને એમાંય એલિઝાબેથે તો જુલે વર્નનો રેકોર્ડ તોડવાની અને બીજા પત્રકારોનાં મોઢાં બંધ કરવાની ચેલેન્જ ઝડપી હતી. એટલે દુનિયાભરના મીડિયાનું ધ્યાન તેના પર કેન્દ્રિત થયું.
અને લોકોમાં ગજબની ઉત્સુકતા વચ્ચે એલિઝાબેથે તે પ્રવાસ શરૂ કર્યો. તે ‘ઓગસ્ટ વિક્ટોરિયા’ નામના જહાજમાં લંડન જવા નીકળી એ વખતે ન્યુ યોર્કના બંદર પર હજારો લોકો તેને વિદાય આપવા માટે પહોંચી ગયા હતા. બીજે દિવસે ‘ધ ન્યુ યોર્ક વર્લ્ડ’માં એલિઝાબેથ જહાજ પર ચડતી હોય એની અને હજારો લોકોની મેદનીની તસવીરો પ્રકાશિત થઈ હતી. એ પછી ‘ધ ન્યુ યોર્ક વર્લ્ડ’માં એલિઝાબેથના પ્રવાસ વિશે રોજેરોજ અહેવાલ છપાવા લાગ્યો. તે ક્યાં સુધી પહોંચી એ દર્શાવતો નકશો પણ એ અખબારમાં પ્રકાશિત થતો.
અમેરિકામાં લોકો એલિઝાબેથના પ્રવાસ વિશે જાત જાતની શરતો લગાવતા થઈ ગયા હતા. તે નિશ્ર્ચિત સમયે સ્થળ સુધી પહોંચશે કે નહીં એ વિશે પણ શરતો લાગતી. અન્ય અખબારોમાં ‘નિષ્ણાતો’ પોતાનો અભિપ્રાય આપતા. ઘણા ઘુવડગંભીર નિષ્ણાતો કહેતા કે આ છોકરી દુનિયાનો પ્રવાસ કરવા માટે નીકળી પડી છે, પણ આટલા ઓછા દિવસમાં તે કોઈ કાળે પ્રવાસ પૂરો નહીં કરી શકે.
જોકે એલિઝાબેથ આખી દુનિયાનો પ્રવાસ કરીને એંસીને બદલે માત્ર ૭૨ દિવસ, ૬ કલાક, ૧૧ મિનિટ અને ૧૪ સેક્ધડમાં જુલે વર્નનો રેકોર્ડ તોડીને અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો બંદરે ઊતરી.
એલિઝાબેથની એ સફળતાને વધાવી લેવા માટે અને પોતાના અખબારને મળેલા પ્રચંડ પ્રતિભાવને લીધે ‘ધ ન્યુ યોર્ક વર્લ્ડ’ અખબારે એલિઝાબેથને સેન ફ્રાન્સિસ્કોથી ન્યુ યોર્ક લાવવા માટે ખાસ ટ્રેન ભાડે કરી હતી. એલિઝાબેથે ૨૪,૮૮૯ માઈલનો પ્રવાસ કર્યો હતો અને એ વખતે જુલે વર્ને પોતાનો રેકોર્ડ તોડવા માટે એલિઝાબેથને અભિનંદન આપતો તાર કર્યો હતો. એ પછી તો એલિઝાબેથ નેલી બ્લાય તરીકે જગવિખ્યાત બની ગઈ (તેનું અન્ય એક હુલામણું નામ નેલી કોચરેન પણ હતું).
એલિઝાબેથે ૧૮૯૫માં અમેરિકાના કરોડપતિ બિઝનેસમેન રોબર્ટ સિમેન સાથે લગ્ન કર્યાં હતાં અને ૧૯૦૪ સુધી દામ્પત્ય જીવન માણ્યું હતું. જોકે પતિના મૃત્યુ પછી તેની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હતી અને તેણે ફરી પત્રકાર તરીકે ‘ધ ન્યુ યોર્ક વર્લ્ડ’માં કામ શરૂ કર્યું હતું. તેણે ૧૯૨૦ સુધી પત્રકારત્વ કર્યું અને ૨૭ જાન્યુઆરી, ૧૯૨૨ના દિવસે તે ન્યુ યોર્કમાં મૃત્યુ પામી. જોકે તેનાં પુસ્તકો ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન ૭૨ ડેઝ’, ‘સિક્સ મંથ્સ ઈન મેક્સિકો’ અને ‘ટેન ડેઝ ઈન મેડ હાઉસ’ થકી તેનું નામ અમર થઈ ગયું.
કોઈ વ્યક્તિ નિશ્ર્ચય કરી લે તો અલગ જિંદગી જીવી શકે છે એનો પુરાવો એલિઝાબેથ કોચરેન એટલે કે નેલી બ્લાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.