મુંબઈ વિભાગ છેલ્લા સ્થાને
લો, મોં મીઠું કરો: સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરવાની ખુશાલી વ્યક્ત કરતાં વિદ્યાર્થીઓ. (જયપ્રકાશ કેળકર)
મુંબઈ: મહારાષ્ટ્ર બોર્ડની હાયર સેક્ધડરીની બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. સવારે ૧૧ વાગ્યે બોર્ડના અધ્યક્ષ શરદ ગોસાવીએ પત્રકાર પરિષદમાં પરિણામની માહિતી આપી હતી. મહારાષ્ટ્રમાં ટકાવારીમાં ફરી એક વાર કોંકણ વિભાગે બાજી મારી હતી. કોંકણ વિભાગ ૯૬.૦૧ ટકા સાથે પ્રથમ સ્થાને આવ્યો હતો, જ્યારે મુંબઈનું પરિણામ સૌથી છેલ્લું ૮૮.૧૩ ટકા આવ્યું હતું.
મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ બારમાનું પરિણામ ગુરુવારે જાહેર થયું હતું. રાજ્યનું પરિણામ ૯૧.૨૫ ટકા આવ્યું હતું, જેમાં કોંકણ વિભાગે બાજી મારી હતી. આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતાં વધુ ્રઆવ્યું હતું. ૯૩.૭૩ ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઇ હતી, જ્યારે વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી ૮૯.૧૪ ટકા હતી. વિદ્યાર્થિનીઓની પાસ થવાની ટકાવારી વિદ્યાર્થીઓ કરતાં પાંચ ટકા વધુ હતી.
સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ એમ ત્રણ ફેકલ્ટીમાં બારમા ધોરણની પરીક્ષા લેવામાં આવી હતી. આમાં સાયન્સ વિભાગ માટે મરાઠી, હિંદી, ઊર્દૂ અને અંગે્રજી એમ ચાર ભાષામાં અને અન્ય વિભાગ માટે મરાઠી, હિંદી, ઊર્દૂ, અંગ્રેજી, ગુજરાતી અને ક્ધનડ એમ છ ભાષામાં પરીક્ષા લેવામાં આવી હતી, એવું બોર્ડે જણાવ્યું હતું.
————–
કયા વિભાગમાં કેટલી ટકાવારી
મહારાષ્ટ્ર રાજ્યમાં બારમા ધોરણના જાહેર થયેલાં પરિણામમાં કોંકણ વિભાગની પાસ થવાની ટકાવારી ૯૬.૦૧ ટકા હતી, ત્યાર બાદ પુણે ૯૩.૩૪ ટકા, કોલ્હાપુર ૯૩.૨૮ ટકા, અમરાવતી ૯૨.૭૫ ટકા, ઔરંગાબાદ ૯૧.૮૫ ટકા, નાશિક ૯૧.૬૬ ટકા, લાતુર ૯૦.૩૭ ટકા, નાગુપર ૯૦.૩૫ ટકા અને સૌથી છેલ્લે મુંબઈ ૮૮.૧૩ ટકા હતું.
કેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
બારમા ધોરણની પરીક્ષા ૨૧મી ફેબ્રુઆરી, ૨૦૨૩થી ૨૧મી માર્ચ, ૨૦૨૩ના સમય દરમિયાન લેવામાં આવી હતી. આખા રાજ્યમાંથી ૧૪.૫૭ લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, એવી માહિતી શિક્ષણ બોર્ડે આપી હતી. રાજ્ય
આખામાં
૩૧૯૫ કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી.
વેલિડેશન અને રિવેલ્યુશન માટે શું કરવું?
બારમાનું પરિણામ જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓને વાંધો કે પછી વેલિડેશન માટે અરજી કરવાની હોય એ વિદ્યાર્થીએ ૨૬મી મેથી પાંચમી જૂન સુધીની મુદત રાખવામાં આવી છે. જે વિદ્યાર્થીને ઉત્તરપત્રિકાની ઝેરોક્સ કોપી જોઇતી હોય તેઓએ ૨૬મી મેથી ૧૪ જૂનના સમય દરમિયાન કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઓનલાઈન ફી પણ જમા કરાવવાની રહેશે.
૧૭ કોલેજો ડક પર આઉટ, જ્યારે સેન્ચુરી મારનારી ૨૩૬૯ કોલેજો
રાજ્યમાં કુલ ૧૭ કોલેજોનું પરિણામ શૂન્ય આવ્યું હતું. ૨૦થી ૩૦ ટકા પરિણામ આવ્યું હોય એવી ૩ કોલેજ છે, જ્યારે ૩૦થી ૪૦ ટકા પરિણામ આવ્યું હતું એવી પણ ૩ કોલેજ હોવાની માહિતી બોર્ડે આપી હતી. દરમિયાન રાજ્યમાં એવી ૨૩૬૯ કોલેજોએ ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હતું. આ કોલેજમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
૩૪૫ વિદ્યાર્થીઓ કોપી પકડાયા હતા
બારમા ધોરણની પરીક્ષા સમયે આ વર્ષે કુલ ૧૧ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. પુણે વિભાગમાં ડમી વિદ્યાર્થી પકડાયો હતો. રાજ્યમાં કુલ ૩૪૫ વિદ્યાર્થી કોપી કરતાં પકડાયા હતા. ઉત્તરપત્રિકામાં ખાલી જગ્યામાં અમુક લખાણ કરનારા વિદ્યાર્થીઓનું પરિણામ રિઝર્વ રાખવામાં આવ્યું છે. દરમિયાન સંભાજીનગરમાં થયેલી ગેરરીતિ બાબતે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું ગોસાવીએ જણાવ્યું હતું.
————–
કોરોનાકાળની સવલત ભારે પડી
આ વર્ષનું પરિણામ ત્રણ ટકા નીચે આવ્યું
મુંબઈ: બારમા ધોરણની પરીક્ષા સમયે કોરોના કાળને ધ્યાનમાં લઇને વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સવલત ભારે પડી હોવાનું આ વર્ષના પરિણામ પરથી ફલિત થઇ રહ્યું છે. આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવી હતી. કોરોના રોગચાળા ફાટી નીકળ્યો હતો ત્યારે એ સમયે પરીક્ષામાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. પહેલા વર્ષે પરીક્ષાને ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવી હતી, જ્યારે ગયા વર્ષે પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી હતી. જોકે આ વર્ષે પરીક્ષા લેતાં સમયે કોઇ પણ સવલત આપવામાં આવી નહોતી, જેની અસર તેના પરિણામ પર જોવા મળી હતી. કોરોના પહેલાં એટલે કે ફેબ્રુઆરી-માર્ચ, ૨૦૨૦૨માં આવેલા પરિણામ કરતાં આ વર્ષનું પરિણામ ભલે ૦.૫૯ ટકા વધુ હતું. કોરોના રોગચાળો ફાટી નીકળ્યો એ પહેલાંના પરિણામ પર નજર કરીએ તે એ સમયે પરિણામ ૯૦.૬૬ ટકા હતું, જેની સરખામણીમાં આ વર્ષનું પરિણામ ૦.૫૯ ટકા વધુ એટલે કે ૯૧.૨૫ ટકા આવ્યું હતું. બીજી બાજુ ગયા વર્ષની સરખામણી પરિણામ ૨.૯૭ ટકા ઓછું આવ્યું હતું.
માર્ચ-એપ્રિલ, ૨૦૨૨નું પરિણામ ૯૪.૨૨ ટકા હતું. ફેબ્રુઆરી-માર્ચ, ૨૦૨૩નું પરિણામ ૯૧.૨૫ ટકા આવ્યું છે. આને કારણે માર્ચ-એપ્રિલ, ૨૦૨૨ની સરખામણીમાં આ વર્ષનું પરિણામ ૨.૯૭ ટકા ઓછું છે. ફેબ્રુઆરી-માર્ચ, ૨૦૨૦ના પરિણામની સરખામણી કરીએ તો ફેબ્રુઆરી-માર્ચ, ૨૦૨૩નું પરિમણામ ૦.૫૯ ટકા વધુ આવ્યું છે.