સરહિંદના યુદ્ધમાં જે થયું એ ન ભૂતો ન ભવિષ્યતિ હતું
વીર બાલ દિવસના કાર્યક્રમનું આયોજન સોમવારે પાટનગર દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે દેશ પહેલી વખત વીર બાલ દિવસની ઉજવણી કરી રહ્યો છે. હું આજે વીર સાહેબજાદાના ચરણોમાં નમન કરું છું અને શ્રદ્ધાંજલિ આપું છું. સરકારનું સૌભાગ્ય છે કે આજે 26મી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે જાહેર કરવાની તક મળી.
અહીંના કાર્યક્રમમાં મોદીએ મુગલોનો પણ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે દરેક ક્રૂર ચહેરાની સામે મહાનાયક અને મહાનાયિકાના પણ એક કરતાં અનેક મહાન ચરિત્ર રહ્યા છે, પરંતુ એ પણ સત્ય છે કે ચમકૌર અને સરહિંદના યુદ્ધમાં જે થયું હતું એ ન ભૂતો ન ભવિષ્યતિ હતું. એક બાજુ ધાર્મિક કટ્ટરતામાં અંધ બનેલી મુગલ સલતન્ત અને બીજી બાજુ જ્ઞાન અને તપસ્યામાં તપેલા આપણા ગુરુ, ભારતના પ્રાચીન મૂલ્યોમાં જીવનારી પરંપરા. ચમકૌર અને સરહિંદની લડાઈ વાસ્તવમાં અવિસ્મરણીય છે. આ લડાઈ ત્રણ શતાબ્દી પૂર્વે લડવામાં આવી હતી, પરંતુ એ ભૂતકાળ એટલો બધો પણ જૂનો નથી કે ભૂલી જવાય. વાસ્તવમાં આ બધાના બલિદાનોને હંમેશાં માટે યાદ રાખવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
ઔરંગઝેબનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કહ્યું હતું કે એ સમયગાળાની કલ્પના કરો. ઔરંગઝેબના આતંકની સામે ભારતને બદલવાના તેમના મનસૂબાની સામે ગુરુ ગોવિંદ સિંહજી પર્વતની માફક ઊભા રહ્યા હતા, પરંતુ જોરાવર સિંહ સાહેબ અને ફતેહ સિંહ સાહેબ જેવા નાની ઉંમરના બાળકોને ઓરંગઝેબ અને તેમની સલતન્તને શું દુશ્મની હોઈ શકે છે?
વડા પ્રધાને કહ્યું હતું કે બે નિર્દોષ બાળકને દીવાલમાં જીવતા ચણી લેવાની હેવાનિયતનું શા માટે પગલું ભરવામાં આવ્યું? એ શા કારણથી ઔરંગઝેબ અને તેના લોકો ગુરુ ગોવિંદ સિંહના બાળકાનો તલવારની ધાકે બદલવા માગતા હતા, પરંતુ ભારતના એ બહાદુર બાળકો મોતથી પણ ડર્યા નહોતા. તેમને જીવતા દીવાલમાં ચણી લીધા હતા, પરંતુ તેમને આતંકવાદી યોજનાને કાયમ માટે દફનાવી દેવામાં આવી હતી.