(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં સત્તા પરિવર્તન થયા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું પહેલું બજેટ સત્ર સોમવારથી ચાલુ થયું છે. રાજ્યપાલ રમેશ બૈસે બંને ગૃહને સંયુક્ત રીતે સંબોધન કર્યું તેની સાથે બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટસત્રનો સોમવારે પહેલો દિવસ હતો ત્યારે રાજ્યપાલ દ્વારા બંને ગૃહોને સંબોધવામાં આવ્યા તે બદલ તેમનો ધન્યવાદ કરવા માટે અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પ્રસ્તાવ માંડ્યો હતો. તેને સંજય કુટે દ્વારા અનુમોદન આપવામાં આવ્યું હતું. જોકે, ઠાકરે જૂથના વિધાનસભ્ય ભાસ્કર જાધવે પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન માંડીને કેટલાક પ્રશ્ર્નો માંડવાનો પ્રયાસ કર્યો હતો. તેને પગલે પહેલા જ દિવસે ફડણવીસ અને ભાસ્કર જાધવ વચ્ચે ટપાટપી થઈ હોવાનું જોવા મળ્યું હતું.
વિધાનસભાનું કામકાજ શરૂ થયા પછી વિપક્ષી નેતા અજિત પવારે સભાગૃહના કામનો એજેન્ડા રાતે બાર વાગ્યે મળે છે અને વિધાનસભ્યોને તેમના પ્રશ્ર્નોના કાગળપત્ર સમયસર મળતા નથી એવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. અજિત પવારના મુદ્દા પર ફડણવીસે જવાબ આપવાની શરૂઆત કરી તે પહેલાં જ ભાસ્કર જાધવે પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન હેઠળ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. જોકે, તેમનું માઈક જ ચાલુ ન થતાં તેમણે બૂમ બરાડા પાડીને પોતાનો મુદ્દો માંડવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે ફડણવીસે કહ્યું હતું કે ભાસ્કર જાધવ તો અધ્યક્ષને ધમકાવી રહ્યા છે. તેમણે ભાસ્કર જાધવને સમજાવવાની માગણી કરી હતી. અધ્યક્ષને ધમકાવવામાં આવ્યા હોવાના ફડણવીસના આક્ષેપને કારણે સત્તાધારી સભ્યો આક્રમક થયા હતા અને તેઓ મધ્યના ખુલ્લા ભાગમાં એકઠા થવા લાગ્યા હતા.
ફડણવીસની ટિપ્પણી બાદ ભાસ્કર જાધવે જવાબ આપતાં કહ્યું કે મારો અવાજ મોટો હોવાથી આવી ગેરસમજ થઈ છે. અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પછી ભાસ્કર જાધવને સમજાવ્યા હતા.
બીજી તરફ વિધાનસભ્યોને સમયસર કાગળપત્ર મળતા ન હોવાના મુદ્દા પર કાર્યવાહી કરવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
બાદમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પૂરક માગણીઓ રજૂ કરી હતી.