Homeશેરબજારમે મહિનાના એફએન્ડઓ વલણના અંતિમ દિવસે, છેલ્લી ઘડીની લેવાલીથી સેન્સેક્સ ગ્રીન ઝોનમાં...

મે મહિનાના એફએન્ડઓ વલણના અંતિમ દિવસે, છેલ્લી ઘડીની લેવાલીથી સેન્સેક્સ ગ્રીન ઝોનમાં પાછો ફર્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ડેટ સિલિંગના મુદ્દાનો ઉકેલ ના મળ્યો હોવાથી વિશ્ર્વબજારના ડોહળાયેલા હવામાનમાં સ્થાનિક શેરબજારમાં પણ ગુરુવારે સત્ર દરમિયાન ભારે નિરસ હવામાન જોવા મળ્યું હતું પરંતુ છેલ્લી ઘડીની લેવાલીથી સેન્સેક્સ ગ્રીન ઝોનમા પાછો ફર્યો હતો અને નિફ્ટીએ પણ ફરી ૧૮,૩૦૦ની ઉપર બંધ આપ્યો હતો. ગુરુવારે એફએન્ડઓ મે સિરીઝની એક્સપાયરીના દિવસે શેરબજાર વોલેટાઈલ રહ્યું હતું. મેટલ, એનર્જી, બેન્ક અને ફાઈનાન્શિયલ શેરોમાં ભારે વેચવાલીથી શેરબજાર સતત બીજા સત્રમાં રેડ ઝોનમાં અથડાઇ રહ્યું હતું, પણ છેલ્લા અડધા કલાકમાં નીચા મથાળે ફરી લેવાલી નીકળતા તે ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું.
આજે મિડકેપ અને સ્મોલકેપમાં આકર્ષણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ ઉપરમાં ૬૧,૯૩૪.૦૧ અને નીચામાં ૬૧,૪૮૪.૬૬ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૯૮.૮૪ પોઈન્ટ્સ અથવા ૦.૧૬ ટકા ઉછળીને ૬૧,૮૭૨.૬૨ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો નિફ્ટી પણ ૩૫.૭૫ પોઈન્ટ્સ અથવા ૦.૨૦ ટકાના કડાકા સાથે ૧૮,૩૨૧.૧૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
ભારતી એરટેલના શેરોમાં સૌથી વધુ ૨.૭૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેકસના અન્ય ટોપ ગેઇનર શેરોમાં આઈટીસી, કોટક મહિન્દ્રા બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, પાવરગ્રીડ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે ઈન્ડિયા અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ હતો. વિપ્રોના શેરોમાં સૌથી વધુ ૧.૩૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા સેન્સેકસના અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા, એચડીએફસી, હિન્દુસ્તાન યૂનિલિવર, ટાટા સ્ટીલ, એસબીઆઈ, અલ્ટ્રાકેમ્કો, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને એનટીપીસીનો સમાવેશ થાય છે.
કોર્પોરેટ હલચલમાં એલઆઇસીએ નાણાકીય વર્ષમાં અનેકગણા વધારા સાથે રૂ. ૩૬,૩૯૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપની બોર્ડે શેરદીઠ ત્રણ રૂપિયાના ડિવિડંડ જાહેર કર્યું છે. ઓમકાર રિયલ્ટર્સે પરેલ, સીવરી પટ્ટામાં ૩,૦૦૦ રિહેબ એકમોની રેકોર્ડ ડિલિવરી કરી છે, જેમાં રાજ્ય સરકારની એસઆરએ યોજના હેઠળ સોંપવામાં આવેલા ૩૭૦ પુનર્વસન એકમોનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ઓમકાર અને એલએન્ડટી રિયલ્ટી વચ્ચે સંયુક્ત સાહસ છે, જે બે તબક્કાના ભાગરૂપે જૂનની મધ્ય સુધીમાં વધુ ૨૩૨ એકમો અને વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૪૦૦ એકમો સુપરત કરશે.
બીટુબી હ્યુમન ક્લાઉડ સેગમેન્ટમાં કાર્યરત ઈન્ફોલિયન રિસર્ચ સર્વિસિસ લિમિટેડ વિસ્તરણ યોજના માટે ફંડ એકત્ર કરવા ૨૯મી તારીખે રૂ. ૨૧.૪૫ કરોડના જાહેર ભરણાં સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીના શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચીબદ્ધ કરવામાં આવશે. ભરણાઓમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ યુએસ અને પશ્ર્ચિમ યુરોપીયન પ્રદેશમાં વર્તમાન સર્વિસ લાઇનના વિસ્તરણ માટેના ભંડોળ માટે કરવામાં આવશે, જેમાં ફ્રીલાન્સર અને ટેક્નોલોજી ડેવલપમેન્ટની નવી શ્રેણીઓ ઉમેરવામાં આવશે. ઈશ્યુ ૩૧મી મે, ૨૦૨૩ના રોજ બંધ થશે. ડિજિટલ વેલ્થ મેનેજર સ્ક્રિપબોક્સે વિસ્તરણ યોજના હેઠળ મુંબઈમાં નવી કચેરીની સ્થાપના કરી છે, જે ટેક્નોલોજી અને હ્યુમન રિસોર્સિસના ઉચ્ચત્ત્ામ ઉપયોગ સાથે હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ અને અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સની વેલ્થ મેનેજમેન્ટની આવશ્યકાત પૂર્ણ કરશે. સ્ક્રિપબોક્સ સમગ્ર ભારતમાં ભૌગોલિક વિસ્તરણ સાથે રૂ. ૧૩,૦૦૦ કરોડની એયુએમ (એસેટ અંડર મેનેજમેન્ટ) ધરાવે છે. સંચાલન હેઠળની કુલ અસક્યામતમાં મુંબઇનો ફાળો અંદાજે પચાસ ટકાથી વધુ રહે છે. ભારતી એરટેલના શેરમાં ત્રણ ટકા સુધીની તેજી જોવા મળી હતી જ્યારે ટાટા મોટર્સના શેર ૨ ટકા ગગડ્યા હતા.આજે ટેલીકોમ શેરોમાં ભારે તેજી જોવા મળી હતી.
બીએસઈમાં મેટલ, એનર્જી અને ફાઈનાન્શિયલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે ટેલીકોમ, પાવર, રિયલ્ટી, એફએમસીજી, આઈટી અને ટેકનો શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૩૬ ટકા અને ૦.૨૭ ટકા વધીને બંધ રહ્યા હતા.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ભારતી એરટેલના શેરોમાં સૌથી વધુ ૨.૫૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ઓટો, આઈટીસી,અદાણી એન્ટરપ્રાઈઝિસ અને ડિવિસ લેબનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ ટાટા મોટર્સના શેરમાં ૧.૬૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં વિપ્રો, એચડીએફસી, યૂપીએલ અને હિન્દુસ્તાન યૂનિલિવરનો સમાવેશ થાય છે.
સેન્સેક્સમાં ભારતી એરટેલ ૨.૭૫ ટકા, આઈટીસી ૧.૭૬ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૧.૧૭ ટકા, લાર્સન એન્ડ ટૂબ્રો ૦.૯૯ ટકા અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૦.૭૪ ટકા વધ્યા હતા, જ્યારે વિપ્રો ૧.૩૫ ટકા, ટાટા મોટર્સ ૧.૦૬ ટકા, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પ. ૦.૭૯ ટકા, સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ ૦.૭૯ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૭૦ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૧૦ કંપનીઓમાંથી ૫ાંચ કંપનીઓને ઉપલી અને ૫ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી. આ સત્રમાં એફઆઇઆઇએ રૂ. ૫૮૯.૧૦ કરોડની લેવાલી નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -