જીવનની ઢળતી સંધ્યાએ બે વૃદ્ધાએ કરી નવી ઇનિંગ્સની શરૂઆત

લાડકી

ફોકસ-પ્રથમેશ મહેતા

જીવનની ઢળતી સાંજે આંખોમાં ઝાંખપ આવે, પણ સપનામાં ઝાંખપ ન આવવી જોઈએ. ચામડી પર કરચલીઓ પડે, પણ આપણા ઉત્સાહ પર કરચલીઓ ન પડવી જોઈએ. જોેકે એ તો જ સંભવ બને જો પરિવાર તમારો આધાર બનીને તમારી સાથે ઊભો હોય. સાથે સાથે શરીર ભલે વૃદ્ધ થાય, પણ મન જો વૃદ્ધ ન થાય તો તમે ગમે તે ઉંમરે પણ પ્રવૃત્તિમય રહી શકો છો. જાણીએ એવી બે મહિલાઓ વિષે જે વયોવૃદ્ધ છે, પણ પ્રવૃત્તિથી સમૃદ્ધ છે. તમિળનાડુમાં એક સુંદર ફાર્મ છે જેને ચલાવે છે બે મહિલા લક્ષ્મી અમ્મલ અને કસ્તુરી સિવારામન. મહિલાઓ ઓન્ટ્રપ્રનર હોય એમાં કોઈ નવાઈની વાત નથી, પણ અહીં નવાઈની વાત એ છે કે આ બંને મહિલા સિનિયર સિટિઝન છે. લક્ષ્મી અમ્મલની ઉંમર છે ૮૯ વર્ષ! હા, આંખો ચોળીને ફરી વાંચી લો અને કસ્તુરી સિવારામનની ઉંમર છે ૭૧ વર્ષ. બીજી ખાસ વાત એટલે, આ બંને મહિલા મા-દીકરી છે. જે ઉંમરે લોકો પ્રવૃત્ત જીવનમાંથી રાજીનામું આપી દે, તે ઉંમરે પ્રવૃત્તિની બીજી ઇનિંગ્સની શરૂઆત કરીને આ વૃદ્ધ મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે કે ઉંમર એક સંખ્યાથી વધુ કંઈ નથી.
લક્ષ્મી અને કસ્તુરી એક રૂઢિચુસ્ત અને પરંપરામાં માનનારા પરિવારમાં ઊછર્યાં હોવાથી જીવનનાં મહત્ત્વનાં વર્ષો તેમણે એ જ કર્યું જે પરિવારે તેમને કરવા કહ્યું. લક્ષ્મી માત્ર ત્રીજા ધોરણ સુધી અને કસ્તુરી સાતમા ધોરણ સુધી જ ભણ્યાં છે. લગ્ન પછી પણ પતિની ‘આજ્ઞા’માં રહેવાની પરંપરા નિભાવનારી આ મહિલાઓમાં તેને પરિણામે પોતાના નિર્ણયો પોતે લેવાનો આત્મવિશ્ર્વાસ રહ્યો નહોતો. પણ જે કામ તેમનાં માતા-પિતા કે પતિ તેમના માટે ન કરી શક્યાં, તે કામ કસ્તુરીના દીકરાએ તેમને માટે કરી બતાવ્યું. કસ્તુરીના દીકરાએ તેમને પોતાનું ફાર્મ સ્ટે શરૂ કરવાનો વિચાર આપ્યો.
ફાર્મ સ્ટેની શરૂઆત
તમિળનાડુના રેટ્ટાનઈ ગામમાં ૧૮૫ વર્ષ જૂના ઓર્ગેનિક ફાર્મ પર તેમના ફાર્મ સ્ટેની શરૂઆત થઈ હતી, પણ ત્યારે તે માત્ર સંબંધીઓ અને મિત્રો માટે જ ખુલ્લું હતું. હવે તે બધા માટે ખુલ્લું છે. પોતાના આ કામથી બંને મહિલાઓ ખૂબ ખુશ છે. અફસોસ એ વાતનો છે કે આ કામ પહેલાં કેમ શરૂ ન કર્યું? કસ્તુરી કહે છે કે તેને હંમેશાં લાગતું હતું કે જ્યાં બે મહિલા સંચાલકો માત્ર તમિળમાં જ વાત કરી શકતી હોય એવા ફાર્મ સ્ટેમાં આવવાનું કોણ પસંદ કરશે? તે ઉમેરે છે કે ‘મારી માતાને અજાણ્યા લોકો સાથે વાત કરતાં ડર લાગતો હતો, પણ અમે અમારા ડર પર કાબૂ મેળવીને લોકોની પરોણાગત કરવાની શરૂઆત કરી.’ કસ્તુરી કહે છે કે આ તેમના જીવનનો સૌથી સારો નિર્ણય છે. આ ફાર્મ સ્ટે એક મોટા ફાર્મની વચ્ચે આવેલું છે. ફાર્મ સ્ટે ચલાવવું શારીરિક રીતે થકવી નાખનારું કામ છે, ખાસ કરીને વયસ્ક લોકો માટે. આ મહિલાઓ પાસે કોઈ સુપર પાવર નહોતો કે તેઓ ન થાકે. તેઓ પણ થાકતાં હતાં, પણ એવા દિવસો પણ હતા જ્યારે કામ ઓછું હોય, ત્યારે તેઓ આરામ કરવાની તક ઝડપી લેતાં હતાં. તેમના ફાર્મ સ્ટેમાં અત્યાર સુધીમાં બસો મહેમાનો આવી ચૂક્યા છે. અર્થાત્ દર મહિને લગભગ દસના હિસાબે.
યુ-ટ્યુબર્સે કર્યા પ્રખ્યાત
શરૂઆતનાં અમુક અઠવાડિયાં લક્ષ્મી અને કસ્તુરી માટે ઘણાં મુશ્કેલ હતાં. લોકડાઉનને કારણે પણ છ મહિના સુધી તેમના ફાર્મમાં એક પણ મહેમાન ન આવ્યા. થોડો સમય પછી કેટલાક યુ-ટ્યુબર્સ અહીં આવ્યા. તેમણે ફાર્મ સ્ટેનો વીડિયો બનાવ્યો અને ઓનલાઇન બહુ સારા રિવ્યુ પણ આપ્યા. કસ્તુરી કહે છે, ‘તેને કારણે અમારી લોકપ્રિયતા વધી.’ હવે ૭૧ વર્ષની ઉંમરે કસ્તુરી ઈન્ટરનેટ શીખી રહ્યાં છે, જેથી પોતે ઓનલાઇન રિવ્યુ વાંચી શકે!
વેરાન જમીન પર બનાવ્યું ફાર્મ સ્ટે
તેર એકરમાં ફેલાયેલું ફાર્મ તેમના બાપદાદાનું ખેતર છે. પેઢીઓથી તેના પર ખેતી થતી હતી. ૩૭ વર્ષ પહેલાં લક્ષ્મીના પતિનું નિધન થયા બાદ તેના દીકરાએ ખેતી સંભાળી અને જ્યારે કસ્તુરીના દીકરા કિરુબાનો વારો આવ્યો ત્યારે તેણે ખેતી કરવાને બદલે ડિજિટલ માર્કેટિંગમાં પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. તેને કારણે વર્ષો સુધી આ ખેતર વણખેડાયેલું પડ્યું રહ્યું. ૨૦૧૧માં પરિવારે નક્કી કર્યું કે ફાર્મ સ્ટે બનાવીને, સાથે થોડો પાક ઉગાડીને હરિયાળી પાછી લાવીએ. લક્ષ્મી કહે છે કે ‘આ કામમાં આખો પરિવાર જોડાયો. મારી પ્રપૌત્રી સહિત આખા પરિવારે વૃક્ષારોપણમાં મહેનત કરી. અમારું ફાર્મ તૈયાર થયા બાદ
અમારા ઘણા સંબંધીઓ એમાં રહેવા આવવા લાગ્યા. શહેરની ભાગદોડથી દૂર, શાંતિ માટે તેમને આ જગ્યા યોગ્ય લગતી હતી.’
ફાર્મમાં વિવિધતા
ફાર્મને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક ભાગમાં મહોગની, ચંદન, આંબો વગેરે ઉગાડ્યાં છે.
બીજા ભાગમાં અનાજની ખેતી થાય છે. પરિવાર ‘મંડલા’ કોન્સેપ્ટ પણ લાવ્યો છે. અહીં ઓર્ગેનિક રીતે ટામેટાં, રીંગણાં, ફ્લાવર, બીન્સ, કોબી વગેરે શાકભાજીઓ ઉગાડાય છે. વરસાદના પાણીના સંગ્રહ માટે પાંચ તળાવ બનાવ્યાં છે. વધારાના પાણીનો ઉપયોગ મત્સ્યપાલન માટે થાય છે. ખેતરની દેખભાળ માટે માણસો રાખ્યા છે, પણ લક્ષ્મી અને કસ્તુરીને ઝાડ-છોડની માવજત કરવામાં મજા આવે છે.
કઈ કઈ સુવિધાઓ છે?
આમ તો લક્ષ્મી અને કસ્તુરીને કોઈ અનુભવ નહોતો, પણ ફાર્મ સ્ટે કેવું દેખાવું જોઈએ તે બાબત બંને ખૂબ ઉત્સાહિત હતાં. તેમણે મહેમાનોની બધી સુવિધાઓનું ધ્યાન રાખ્યું છે. અહીં એસી, વોશિંગ મશીન, ટેલિવિઝન, ઈન્ટરનેટ અને અન્ય આધુનિક સુવિધાઓ મોજૂદ છે. કસ્તુરી કહે છે, ‘અમે અહીં આવનારા મહેમાનોને સ્થાનિક અનુભવ કરાવવા માગતાં હતાં, અમારાં પરંપરાગત વ્યંજનો ચખાડવા ઈચ્છતાં હતાં. ફાર્મ સ્ટે તો સેંકડો હશે, પણ અમે કંઈક અલગ કરવા માગતાં હતાં. સ્ટે માટેનાં ઘરોની શરૂઆત મોટી બારીઓથી કરી જેથી તેમાં કુદરતી પ્રકાશ અને હવા મળતાં રહે. લાકડાની ફર્શ, બે મિની-લાઇબ્રેરી અને ઘણા બધા ઇન્ડોર પ્લાન્ટ્સ, જે હવાને શુદ્ધ રાખે.’
લક્ષ્મી કહે છે, ‘ખેતરમાં રહેવાનો અનુભવ બધાને હોવો જોઈએ. પ્રમાણમાં મોટી બારીઓમાંથી મહેમાનો ખેતરનાં ફળ અને શાકભાજીઓ જોઈ શકે. આસપાસ કોઈ રસ્તો, વાહન કે માણસો નથી. તેને કારણે અહીં આવનારા મહેમાનો પ્રકૃતિ સાથે નિકટતા માણી શકે છે. તેમનું એકાંત જળવાય તેની પણ કાળજી રખાય છે.’
મેનુમાં શું છે ખાસ?
મેનુ તૈયાર કરવમાં લક્ષ્મી અને કસ્તુરી ખાસ ધ્યાન આપે છે. ખેતરમાં જ ઉગાડેલાં શાકભાજીઓ અને ફળોનો ઉપયોગ કરીને વિવિધ વ્યંજનો બનાવાય છે. મહેમાનોને અહીં ‘સેંબરતી’ અથવા ‘હિબિસ્કસનો જ્યુસ ખૂબ પસંદ આવે છે. કસ્તુરી કહે છે કે સ્થાનિક પેદાશથી બનાવેલા ભોજનનો સ્વાદ એવો અનન્ય હોય છે કે લોકો પોતાની બીમારીઓ ભૂલીને પણ બધું જ ખાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.