મુંબઈઃ ભલે બજેટ 2023ના દિવસે સ્ટોકમાર્કેટમાં તેજી જોવા મળી હોય, પરંતુ સામે પક્ષે અદાણી ગ્રૂપના સ્ટોકમાં જોરદાર ધોવાણ મળ્યું હતું. એફપીઓ (Follow-on public offering-FPO) ક્લોઝ થયા પછી આજે અદાણી એન્ટરપ્રાઈઝીઝના શેરમાં સૌથી વધારે ઘટાડો થયો હતો, જ્યારે માર્કેટ કેપિટલાઈઝેશન 96,000 કરોડ રુપિયાનું ધોવાણ થયું હતું. આ ઉપરાંત, અદાણી પોર્ટના શેરમાં 20 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રૂપની નવ લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ 1.84 લાખ કરોડ રુપિયા સાફ થઈ ગયા હતા અને તેનું શું કારણ હતું ચાલો એ જણાવી દઈએ. અદાણી ગ્રૂપની નવ કંપની પૈકી અદાણી એન્ટરપ્રાઈસીસના શેરમાં બુધવારે 28.45 ટકાના ઘટાડો થયો છે, જેમાં 846.30 રુપિયાના નુકાસનની સાથે 2,128.70 રુપિયાએ બંધ રહ્યો હતો, પરિણામે એક દિવસમાં કંપનીનું માર્કેટ કેપ 96,478 કરોડે રહ્યું છે. અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડના શેરમાં 20 ટકા ઘટાડો થયો હતો અને 492 રુપિયાએ બંધ રહ્યો હતો, જેથી કંપનીનું માર્કેટ કેપ એક દિવસમાં 26,062 કરોડ રુપિયાનો ઘટાડો થયો છે. અદાણી પાવરના શેરમાં પાંચ ટકા એટલે 11.15 રુપિયાનો ઘટાડો થયો છે, જ્યારે શેર 212.75 રુપિયાએ બંધ રહ્યો હતો, જેથી કંપનીનું માર્કેટ કેપ 4,300 રુપિયા ઘટ્યું હતું. અદાણી પાવર સિવાય અદાણી ટ્રાન્સમિશનના શેરમાં પણ 2.46 ટકા અથવા 43.70 રુપિયાનો ઘટાડો થયો હતો.
અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસના ભાવમાં અનુક્રમે 70.70 રુપિયા અને 211 રુપિયાનો ઘટાડો થયો હતો. ઉપરાંત, અદાણી વિલ્મરમાં પાંચ ટકાની લોઅર સર્કિટ લાગી હતી, જ્યારે અદાણી સિમેન્ટના એસીસીના શેરમાં 125 રુપિયાનો ઘટાડો થયો હતો. અદાણી સિમેન્ટની અન્ય બીજી કંપની અંબુજા સિમેન્ટના શેરના ભાવમાં પણ 16.56 ટકા અથવા 66.40 રુપિયાનો ઘટાડો થયો હતો, જેથી બંને કંપનીનું માર્કેટ કેપ અનુક્રમે ઘટીને 34,635 કરોડ અને 66,439 કરોડની સપાટીએ રહ્યું છે.