મસ્જિદ નજીક ઓએચઈ પર પડી સૂતળી, ટ્રેનસેવા ખોટકાઈ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મધ્ય રેલવેમાં ટ્રેનસેવા ખોટકાવાનો સિલસિલો યથાવત

મુંબઈ: મધ્ય રેલવેમાં મસ્જિદ અને સીએસએમટી વચ્ચે ઓવરહેડ ઈલેક્ટ્રિક વાયર (ઓએચઈ) પર સૂતળી પડવાને કારણે લોકલની ટ્રેનસેવા ખોટકાવવાનો વિચિત્ર કિસ્સો નોંધાયો હતો. બુધવારે સવારના ૭.૧૧ વાગ્યાના સુમારે મસ્જિદ અને સીએસએમટી વચ્ચે ઓએચઈ પર એકાએક સૂતળી પડવાનો કિસ્સો બન્યો હતો, પરિણામે લોકલ ટ્રેનના મોટરમેનનું ધ્યાન ગયા પછી ટ્રેનને ઈમર્જન્સી બ્રેક મારીને ટ્રેનને રોકી લીધી હતી. સવારના ૭.૨૫ વાગ્યાના સુમારે સૂતળી હટાવવામાં આવ્યા પછી ટ્રેનસેવા ચાલુ કરવામાં આવી હતી, પરંતુ તેને કારણે સવારના હાર્બર લાઈનની ટ્રેનસેવા પર અસર પડી હતી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
મસ્જિદ રેલવે સ્ટેશન નજીક પાટાના સમાંતર એક બિલ્ડિંગમાં બાંધકામ સંબંધિત કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક સૂતળી વાયર પર પડી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીજ વ્યવહાર બંધ કરવામાં આવ્યા પછી રેલવેના કર્મચારીઓની મદદથી તાત્કાલિક સૂતળી ઉતારવામાં આવી હતી. ત્યાર બાદ ટ્રેનસેવા ચાલુ કરી હતી, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.
દરમિયાન મુલુંડ યાર્ડમાં પણ ગૂડસ ટ્રેનનું ડિરેલમેન્ટ થયું હતું, પરંતુ તેને કારણે સબર્બનની ટ્રેનસેવા પર અસર કોઈ પડી નહોતી. બુધવારે સાંજના પાંચ વાગ્યાના સુમારે મુલુંડ યાર્ડમાં ગૂડસ ટ્રેનનું એક વેગન પાટા પરથી ખડી પડ્યું હતું. યાર્ડમાં ડિરેલમેન્ટ થયું હોવાને કારણે સબર્બન તથા લાંબા અંતરની મેલ-એક્સપ્રેસની ટ્રેનસેવા પર કોઈ અસર થઈ નહોતી, એમ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી.
સોમવારથી મધ્ય રેલવેમાં વિવિધ ટેક્નિકલ ફેઈલ્યોરને કારણે ટ્રેનસેવા પર વિશેષ અસર થઈ રહી છે, પરિણામે અપ એન્ડ ડાઉન લાઈનમાં ટ્રેનો પંદરથી ૩૦ મિનિટ મોડી દોડી રહી હોવાથી પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવાનું મુશ્કેલી પડી રહી છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.