વર્ષોના ઇંતજાર બાદ આખરે અમદાવાદીઓને મેટ્રો ટ્રેનની સુવિધા મળવા જઈ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી નવરાત્રીએ અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની શરૂઆત થઇ જશે. અમદાવાદ મેટ્રો ટ્રેન ફેઝ-1નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. ફેઝ-1 હેઠળ APMCથી મોટેરા સ્ટેડિયમ તથા થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે. મેટ્રો ટ્રેનમાં મુસાફરી માટે મહત્તમ ભાડું રૂ.25 હશે.
શહેરમાં લાંબા સમયથી વરસાદી માહોલ હોવાથી મેટ્રોના કામમાં મોડું થઇ રહ્યું છે. કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) ની ટીમ 20મી ઓગસ્ટના રોજ અમદાવાદ આવશે અને 40 કિ.મીના રૂટ પર નિરીક્ષણ કરશે. નિરીક્ષણ પૂર્ણ થયા બાદ ગુજરાત મેટ્રો રેલ સર્વિસ દ્વારા મેટ્રો સર્વિસ લોન્ચ કરવા માટેની ફાઈનલ મંજુરી માટે જરૂરી પેપરવર્ક પૂર્ણ કરવામાં આવશે. CMRS દ્વારા આ સર્વિસની માન્યતા આપવા માટે 15થી 20 દિવસનો સમય લાગશે. ત્યાર બાદ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સર્વિસ શરૂ થઈ જશે.
શરુ થનાર ફેઝ-1માં બે કોરીડોરનો સમાવેશ થાય છે કોરીડોર-1 APMCથી મોટેરા સ્ટેડીયમ અને કોરીડોર-2 થલતેજ થી વસ્ત્રાલ. કોરીડોર-1માં જીવરાજ પાર્ક, રાજીવનગર, શ્રેયશ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઇકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલવે સ્ટેશન, AEC, મોટેરા સ્ટેશનનો સમાવેશ થાય છે. જયારે કોરીડોર-2 માં થલતેજ ગામ, થલતેજ, દૂરદર્શન, ગુરુકુલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા,સરદાર પટેલ સ્ટેડિયમ, શાહપુર, ઘી કાંટા, કાલુપુર મેટ્રો સ્ટેશન, કાંકરિયા ઈસ્ટ, એપરલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ ગામ સ્ટેશનનો સમાવેશ થશે.અલગ અલગ સ્ટેશન પ્રમાણે ટિકિટ રૂ 5, 10, 15, 20 અને 25 હશે.

Google search engine