Homeઉત્સવઓલ્ડ વુમન્સ આયલેન્ડ એટલે અત્યારનું કોલાબા બેન્ડ સ્ટેન્ડ અને કફ પરેડનો ભાગ

ઓલ્ડ વુમન્સ આયલેન્ડ એટલે અત્યારનું કોલાબા બેન્ડ સ્ટેન્ડ અને કફ પરેડનો ભાગ

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

માયાનગરી મુંબઇની તો એવી અદ્ભુત વાસ્તવિકતા છે કે તેની અનેક વાતો સ્મૃતિ અને વિસ્મૃતિના તડકા-છાયામાં સંતાકુકડી રમતી રહે છે. જ્યારે મુંબઇ શહેરના ટાઉન હોલની સ્થાપના થઇ નહોતી ત્યારે અહીં નજીકના દરિયાકિનારેથી અત્યારના હુતાત્મા ચોક સુધી ધૂળિયું અને હરિયાળું મેદાન હતું. એને અંગ્રેજો ‘બોમ્બે ગ્રીન’ તરીકે ઓળખતા હતા. આ બૉમ્બે ગ્રીનની આસપાસ રૂનાં ગોદામો હતાં. આ મેદાનમાં કંપની સરકારનું લશ્કર કવાયત કરતું હતું. બાળકો રમવા આવતાં અને ધાંધલ-ધમાલ મચાવતાં હતાં. રૂની ગાંસડી બાંધવાનાં યંત્રો એટલો તો અવાજ કરતાં કે નજીકમાં આવેલાં વિશાળ સેન્ટ થોમસ ચર્ચમાં શાંતિથી પ્રાર્થના કરવાનું મુશ્કેલ બની જતું. અંગ્રજોની સરકાર હતી અને આ સંબંધમાં ફરિયાદ કરવામાં આવી હતી છતાં સરકારે લોકહિતને માન આપ્યું હતું અને બાળકોને તથા કોટન જીનિંગ પ્રેસને અટકાવ્યાં નહોતાં.
કોલાબા અને ઓલ્ડ વીમેન્સ આયલેન્ડને મુંબઇ સાથે જોડાવામાં આવ્યો નહોતાં. અત્યારે જે ભાગ કોલાબા કોઝવે તરીકે ઓળખાય છે ત્યાંથી કોલાબા જવા માટે ત્યારે દરિયો ઓળંગીને જવું પડતું હતું અન એ ગોચરમાં ઢોરો ચરાવવા માટે વાર્ષિક રૂ. ૨૦૦ લેવામાં આવતા હતા, ઓલ્ડ વુમન્સ આયલેન્ડ એટલે અત્યારનું કોલાબા બેન્ડ સ્ટેન્ડ અને કફ પરેડનો ભાગ.
અત્યારે જયાં બોરીબંદર સ્ટેશન, જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સ છે ત્યાં ધોબી ઘાટ હતો તેની કલ્પનાયે આજે આવી શકે નહીં.
શહેરના લોકોનો મુખ્ય વાહનવ્યવહાર બળદગાડી અને પાલખી હતાં. મુંબઇના નાગરિકે ઘોડાગાડી વસાવવી હોય તો તે માટે મુંબઇના ગવર્નરની ખાસ પરવાનગી લેવી પડતી હતી. પાલખી બાંધવાનો વ્યવસાય મુખ્યત્વે પારસી સુથારોના હાથમાં હતો. આજે પણ પારસીઓ પાલખીવાલા અટક ધરાવે છે. ઘોડાગાડી ત્યારે ઇંગ્લેન્ડથી મંગાવવામાં આવતી હતી.
અઢારમી સદીમાં એક અંગ્રેજ રૂપસુંદરીએ અદ્ભુત સ્નેહ અને સાહસનો અનુભવ મુંબઇગરાઓને કરાવ્યો હતો. અંગ્રેજી સાહિત્યના જાણીતા લેખક સ્ટર્નની રૂપસુંદરી એવી પ્રિયતમા એલાયઝા ડ્રેપર તે વખતે મુંબઇ આવી હતી. તે પિયાનો અને ગિટાર બહુ સારી રીતે વગાડતી હતી અને પોતાના મધુર કંઠ અને પાણીદાર નયનોથી એલાયઝાએ મુંબઇને મોહિની લગાડી હતી. ત્યારે તે મઝગાંવ ભંડારવાડા કિલ્લાના એક ભવ્ય મકાનમાં રહેતી હતી. આ એલાયઝાને દરિયાઇ જહાજના કેપ્ટન સર જોન કલાર્ક સાથે પહેલી નજરે પ્રીતિ બંધાઇ. પ્રીતિ કદી છુપાયેલી છાની રાખી શકાતી નથી તેમ આ વાત જાહેર થતાં એલાયઝા પર ચોક્કસ પ્રતિબંધ મુકાયા. પણ… એલાયઝા માત્ર રૂપસુંદરી જ નહોતી, એક સાહસિક લલના પણ હતી. પ્રિયતમ કેપ્ટન સર જોન કલાર્કને કહ્યું કે મોડી રાતે ભંડારવાડા નજીક દરિયાકિનારે જહાજને લાંગરવું. ત્યારપછી સંકેત પ્રમાણે ભંડારવાડા ડુંગર પરના મકાનની બારીમાંથી એલાયઝાએ દોરડું જહાજ પર ફેંકયું અને એ દોરડાને પકડીને લટકીને ડુંગર પરથી દરિયામાં લાંગરેલા જહાજ પર ઊતરીને પ્રિયતમ પાસે પહોંચી ગઇ.
મુંબઇમાં ત્યારે ઝાઝી મોંઘવારી નહોતી. એક સામાન્ય કારકુન પણ દરરોજ એક મરઘી, માછલી, ઘી, દૂધ, માખણની જયાફત માણી શકતો હતો.
દરરોજ એક મરઘી પ્રમામે મહિનાના રૂ. ૯.૧૨ આના મહિનાની ૩૦ મરઘી અને માત્ર પોણા દસ રૂપિયા. અહીં આપેલો ખર્ચ આખા મહિનાનો છે. માછલાં અને ચોખા રૂ. ૫૪, લોટ અને મસાલો માત્ર આઠ આના, શાકભાજી બાર આના, બ્રેડના બે રૂપિયા ચાર આના, શરાબનો માસિક ખર્ચ રૂ. ૧૫, ઘી માત્ર બાર આના, તેલ અને મીણબત્તીના રૂ. ૪, ચૂલામાં બાળવાનાં લાકડાંના રૂ.૩, ચ્હા રૂ.૧.૮, ખાંડ રૂ.૨૮, દૂધના માત્ર ૧૨ આના, માખણ બે રૂપિયા, પાણી લાવનાર ભીસ્તીનો પગાર આઠ આના. આ રીતે માસિક ઘર ખર્ચ ૪૮ રૂપિયા આઠ આના આવતો હતો. આજે તો પરિસ્થિતિ એવી છે કે રૂ. ૪૮૫૦માં એક દિવસની બજાર લાવવાનું મુશ્કેલ બની જાય છે. ત્યારે કોઇ શ્રી. આર. જે. મહેતા કે ડૉ. દત્તા સામંત જેવા યુનિયન નેતા નહોતા, એટલે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કારકુનોનો આ પગાર વધારો માન્ય રાખ્યો નહોતો.
મુંબઇ માટે એક માન્યતા છે કે દોરી લોટો લઇને આવેલો માણસ પણ અહીં મુંબઇમાં એક સ્કોટીશ માણસ ડેવિડ સ્કોટે સિદ્ધ કરી દેખાડી હતી. ૧૭૬૩માં તે મુંબઇ આવ્યો અને નાના પાયે વેપાર શરૂ કર્યોં. થોડા વખતમાં એ રાજકારણમાં એવો પ્રભાવશાળી બની ગયો કે ૧૭૮૨માં જયારે અંગ્રેજોને મરાઠાઓ સાથે સાલબાઇની સંધિ થઇ તેમાં એણે ભાગ લીધો હતો અને ૧૭૮૬માં ઇંગ્લેન્ડ પાછા જઇને પોતે જ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો એક ડિરેક્ટર બની ગયો હતો.
આજે પણ મુંબઇમાં ફોબર્સ કંપની અસ્તિત્વ ધરાવે છે. તેના સ્થાપક માલિક શ્રી ફોબર્સ પણ સ્કોટીશ વેપારી હતા અને એટલા સમૃદ્ધ બન્યા હતા કે મુંબઇ સરકારના શાહુકાર બનીને કરોડોનું કરજ ધીરતા હતા. મુંબઇની અંગ્રેજ સરકારે મરાઠાઓ અને ટીપુ સુલતાન સાથે જે યુદ્ધો લડયાં હતાં. તે ફોર્બસે કરજે આપેલાં નાણાનાં જોર પર લડાયાં હતાં.
આજે આપણે ત્યાં પણ એક સમસ્યા છે કે પ્રથમ અભિવાદન ગવર્નરે કરવું કે મુખ્ય પ્રધાને કરવું તેવી સમસ્યા ૧૮મી સદીના પૂર્વાધમાં પણ ઉપસ્થિત ઇથ હતી. મરાઠાઓનું સૈન્ય અને નૌકાદળે અંગ્રેજોને હેરાન-પરેશાન કરી મૂક્યા હતા. આથી અંગ્રેજોએ વસાઇના સેનાપતિ સાથે મસલત કરી મરાઠાઓ ઉપર સંયુક્ત હુમલો કરવાનો વ્યૂહ ઘડ કાઢયો હતો. મરાઠા નૌકાદળના સર-સેનાપતિ કાન્હોજી આગ્રેેએ અંગ્રેજો પાસે વાર્ષિક રૂ. ૧૨ લાખની ખંડણી માગી હતી. આથી અંગ્રેજો ઉતાવળા બન્યા અને ઇંગ્લેન્ડથી કોમોડોર મેથ્યુઝને લડાયક જહાજોનો કાફલો આપી મુંબઇ મોકલ્યો. અહીં સમસ્યા એ ઉપસ્થિત થઇ કે પ્રથમ સલામ કોણે કરવી. મુંબઇના ગવર્નરે કે કોમોડોર મેથ્યુઝે. કોમોડોર મેથ્યુઝ કિનાર આવવા તૈયાર નહોતો. છેલ્લે માથે આવેલી આપત્તિ ઓળખીને મુંબઇના ગવર્નરે નમતું જોખ્યું અને પહેલી સલામ કરી એટલે કોમોડોર મેથ્યુઝે પોતાના જહાજી કાફલાને કિનારે લાંગરવાા હુકમ આપ્યો.
યુદ્ધની વ્યૂહરચના કરવા ગોવાના વાઇસરોય અને વસાઇના સેનાપતિ પણ મુંબઇ બંદરે પોતપોતાના જહાજમાં આવ્યા. પોર્તુગીઝ વાઇસરોઇની આંતરિક ઇચ્છા તો એ હતી કે આપણી પાસેથી મુંબઇ પડાવી લેનાર અંગ્રેજ ભલે મરાઠાઓના હાથે ખતમ થઇ જાય. એટલે મદદ કરવાનું આ નાટક ઊભું કર્યું હતું. લડાઇ શરૂ કરવાની સાચી ઘડીએ ગોવાના ગવર્નક બીમાર હોવાનું બહાનું કાઢી દરિયામાં પોતાના જહાજમાં જઇને બેસી ગયા. આથી કોમોડોર મેથ્યુઝ એટલો ભડકી ગયો કે ગોવાના ગવર્નરના જહાજમાં ચઢી જઇને તેના મોઢામાં પોતાની હાથમાંની લાકડી ઘુસાડી દીધી હતી.
કોમોડોર મેથ્યુઝની દાળ સર સેનાપતિ કાન્હોજી અંગ્રેજ સામે ચડી નહી એટલે નાવિકોએ મુંબઇ શહેરમાં ઊતરીને તોફાન ધાંધલ-ધમાલ મચાવી મૂકયાંં. ગમે તેની સાથે યુદ્ધમાં ઊતરી પડતાં. મનફાવે તેમ ફરતા અને વર્તતા હતા. મુંબઇગરાઓ આથી ત્રાસી ગયા હતા. જ્યારે કોમોડોર મેથ્યુઝ પોતાનો કાફલો લઇને પાછો ફરી ગયો ત્યારે જ મુંબઇએ નિરાંતનો શ્ર્વાસ લીધો હતો. પાણીપતના યુદ્ધમાં મરાઠાઓનો ઘોર પરાજય થયો અને અંગ્રેજોના માથેથી મરાઠાઓની બીક ઓછી થઇ ત્યારે મુંબઇનો ઝડપથી વિકાસ થવા માંડયો. આજે પણ જાહેર બાંધકામમાં પૈસા ચવાઇ જાય છે તેમ તે વખતે પણ કોટ બાંધવામાં મબલખ પૈસા ખવાઇ ગયા હતા.
સત્તરમી સદીમાં તો મુંબઇ મોતનું મથક મનાતું હતું. ગંદકીનો પાર નહોતો અને એના કારણે અનેક બીમારી ફેલાતી હતી. રેવરન્ડ જોન ઓવિંગ્ટન ૧૬૮૯માં ૧૪ ગોરાઓ સાથે મુંબઇ ઊતર્યા અને આ ૨૪માંથી ૨૦ ગોરાઓ પહેલા જ ચોમાસામાં વળગેગી બીમારીમાંથી મરણ પામ્યા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સરકારે ત્યાર પછી ઇંગ્લેન્ડથી એક ડૉક્ટરને દવા સાથે મુંબઇ મોકલ્યો હતો અને ડૉક્ટરનો માસિક પગાર ૪૫ શિલિંગ એટલે કે અઢાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. ૧૬૮૬થી ૧૬૯૬ દરમિયાન પ્લેગનો ઉપદ્રવ એવો તો જોરમાં ફેલાયો તો કે મુંબઇમાં ૮૦૦ અંગ્રજોમાંથી માત્ર ૮૦ અંગ્રેજો રહી ગયા હતા.
મુંબઇમાં પહેલી પોસ્ટ ઓફિસ ૧૭૮૭માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ પોસ્ટ માસ્તરને પગાર જ આપવામાં આવતો નહોતો. પત્ર મોકલવા માટે જે ફી મળતી હતી તેના ઉપર તેને આધાર રાખવો પડતો હતો. સરકારે ફી ઠરાવી આપી હતી. જનરલ પોસ્ટ ઓફિસની સ્થાપના ૧૭૯૪માં થતાં ટપાલનું કામ વ્યવસ્થિત રીતે શરૂ થઇ શક્યું હતું. ૧૭૯૮માં દર મહિને લંડન પત્રો મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી અને તે ઇરાનના અખાત, સુએઝ નેહરના માર્ગે થઇને ત્રણ મહિને લંડન પહોંચતા હતા. એક તોલા વજનના પત્ર માટેની ફી રૂ. વીસ રાખવામાં આવી હતી. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular