નવી દિલ્હી: ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને ઑસ્કર ૨૦૨૩માં સત્તાવાર ઍન્ટ્રી મળી હોવાની ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયા (એફએફઆઈ)એ મંગળવારે જાહેરાત કરી હતી.
એફએફઆઈના સેક્રેટરી જનરલ સુપ્રાણ સેને સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘છેલ્લો શો’ ફિલ્મને ઑસ્કર ૨૦૨૩માં સત્તાવાર ઍન્ટ્રી મળી છે.
પાન નલિન નિર્દેશિત અને અંગ્રેજીમાં ‘લાસ્ટ ફિલ્મ શૉ’ શીર્ષક ધરાવતી આ ફિલ્મ ૧૪મી ઑક્ટોબરે દેશભરમાં રિલીઝ કરવામાં આવશે.
રોય કપૂરના બેનર હેઠળની રોય કપૂર ફિલ્મ્સ, જુગ્ગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મસ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડ્યૂઅલ્સ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગયા વર્ષના જૂન મહિનામાં યોજાયેલા ટ્રીબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું વર્લ્ડ પ્રિમીયર યોજાયું હતું. આ ફિલ્મના કલાકારોમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રિચા મીના, દીપેન રાવલ અને પરેશ મહેતા વગેરેનો સમાવેશ થાય છે.
ગ્રામીણ ગુજરાતમાં બાળક તરીકે ફિલ્મના પ્રેમમાં પડેલા નલિનની વાર્તાથી આ ફિલ્મ પ્રેરિત છે.
સ્પેનમાં યોજાયેલા ૬૬મા વાલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલમાં મેળવેલા ગૉલ્ડન સ્પાઈક સહિત આ ફિલ્મે જુદા જુદા અનેક અવૉર્ડ મેળવ્યા છે.
સ્પેનમાં આ ફિલ્મને કમર્શિયલ રીતે પણ સફળતા મળી છે. (એજન્સી)

Google search engine