ભોગવાદના કાંટા

ધર્મતેજ

ગીતા-મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં આપણે જોયું કે ભગવાન પોતાની અંતર્યામી શક્તિથી સર્વત્ર વ્યાપક છે. હવે આગળ લૌકિક કર્મની ગતિ અને પ્રાપ્ત આંશિક ફળની વાત સમજીએ.
ગીતા કહે છે- ટજ્ઞ ક્ષૂઞ્રપ્ર અળલળ્રૂ્ર લૂફજ્ઞધ્ત્બળજ્ઞઇંપ્ર અહાધ્ટ રુડવ્રળણ્ર રુડરુમ ડજ્ઞમધળજ્ઞઉંણ્ર ॥૯/૨૦॥
આશય છે કે લૌકિક કર્મો કરીને મેળવેલું પુણ્ય પણ અંતે તો સ્વર્ગના ભોગ ભોગવવામાં ખર્ચ થાય છે.
ગીતા માણસની ભોગવૃત્તિને અનાવૃત કરે છે. ભોગવાદ તૃષ્ણાનું જ પરિણામ છે. રામાયણ નોંધે છે કે વિયોગી ભરત, રામ ભગવાનને મળવા ભારદ્વાજ ઋષિના આશ્રમ તરફ પ્રયાણ કરે છે. સમગ્ર સેનાને અને પ્રજાને પણ ભગવાનનાં દર્શનની ઉત્કંઠ ઇચ્છા હતી. તેથી તેઓ પણ ચાલ્યા. આ બાજુ માર્ગમાં ભરતની સેનાનો સત્કાર કરવા ભારદ્વાજમુનિ વિશ્ર્વકર્મા, ઇન્દ્ર સહિત યમ, વરુણ, કુબેર, નદી, ગંધર્વ, તથા ઇન્દ્રની સેવામાં રહેતી અપ્સરાઓનું આહ્વાન કરે છે. બ્રહ્માની સેવામાં રહેતી દેવાંગનાઓ પણ આ સેનાનું સ્વાગત કરવા પહોંચી ગઈ. બધા જ સરભરામાં લાગી ગયા. પૃથ્વીને સમથળ કરી તેના પણ ગ્રીન લોન પાથરી દેવાઈ. ફળ, ફૂલ, દાસ-દાસી, સેવિકા, રમત, આનંદ પ્રમોદનાં સાધનો, રત્નો, ખજાનો, વૈભવી ભવનો વગેરે સુવિધાઓ ઊભી કરાઈ. રહેવા માટે ખાસ શાળાઓનું નિર્માણ થયેલું. જ્યારે સેનાએ આ કૃત્રિમ ભોગનું નગર જોયું, તો આખી સેના પ્રમત્ત થઈ. આનંદમગ્ન થઈને ભોગમાં તલ્લીન થઈ. અપ્સરાઓના સહવાસમાં બધાને લાગ્યું, આ સ્થાન જ સ્વર્ગ છે. હવે આપણે અયોધ્યા નથી જવું, દંડકારણ્યમાં પણ નથી જવું. જેમને લીધે આપણે પૃથ્વી પર આવું સુખ મળ્યું તે ભરત કુશળ રહે. જેમનાં દર્શન માટે આપણે સૌ નીકળેલા તે શ્રીરામ પણ સુખી રહે. આમ કેવલ શ્રી રામનાં દર્શન માટે જ આખી અયોધ્યાનો, સુખનો ત્યાગ કરનાર અયોધ્યાની પ્રજાને ઉત્તમ પંચ વિષયનો યોગ થતાં ભગવાન રામમાંથી વૃત્તિ ગૌણ થઈ. આ છે ઉત્તમ ભોગમાં માણસની રુચિ. તે સમય, સંજોગો અને પોતાની સ્થિતિ પણ ભૂલાવી દે છે. અહીં પણ એવું જ થયું. પછી તો બીજા દિવસે પરાણે ભરત બધાને લઈ રામ પાસે જવા નીકળ્યા.
હા, ભોગવાદ આસક્તિનું પરિણામ છે. રૂપની આસક્તિથી પતંગિયું દીવાનો પ્રકાશ જોઈ આકર્ષાય છે અને તેમાં બળીને ભસ્મ થઈ જાય છે. ભમરો ગંધમાં આસક્ત થાય છે. સંધ્યા સમયે પણ કમળની સુગંધના મોહમાં કમળને છોડતો નથી. પરંતુ રાત્રે કમળ બીડાઈ ગયું. સવારે હાથી આવીને કમળને તોડીને પગ નીચે કચડી નાખે પરિણામે ભમરો મૃત્યુ પામે છે. હરણને સુંદર સંગીતથી આકર્ષીને શિકારી એના પ્રાણ હરી લે છે. માછલી રસમાં આસક્ત થાય છે, તેમાંથી તેનું મૃત્યુ થાય છે. આમ એક વિષયને વળગવાથી પણ મૃત્યુ થાય તો પાંચેય વિષયમાં આસક્ત વ્યક્તિની શી ગતિ થાય?
પ્રમુખસ્વામી મહારાજ કહેતા જે એકબીજાને મારી નાખે એવા ખારીલા પાંચ પાડાઓને એક ઘરમાં પૂરી વચ્ચે પથારી કરીને સૂતો માણસ કાંઈ ક્ષેમકુશળ રહેવાનો છે? તેમ જે પંચ વિષયનો જોગ રાખશે તેનું ઠેકાણું નહીં રહે, તે નિર્વિવાદ છે.
હેવી વેઇટ ચેમ્પિયન મોહમ્મદ અલી આપવીતી કહે છે. મેં સુરા સુંદરી અને મોજ મજાનું એકેય પાસું બાકી રાખ્યું નથી, અત્યારે અફસોસ થાય છે જો આનાથી પર રહ્યો હોત તો મેં પ્રાપ્ત કરેલી સિદ્ધિ કરતાં અનેક ગણી સિદ્ધિ પ્રાપ્ત કરી હોત. હું ઈચ્છું છું કે આમાંથી પાછો વળું. આમ ભોગવાદનો અંત નિરાશા અને હતાશા જ છે.
૨૦૦ વર્ષ પહેલાંની વાત છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મંદિરની વાડીએ પધાર્યા. ત્યાં સભા ભરાઈને બેઠી હતી. તેવામાં થોડા હરિભક્તો આવ્યા. સ્વામીને દંડવત કરવા લાગ્યા. ત્યાં બેઠેલા એક ભક્તે કહ્યું, ‘સ્વામી, આ ભક્તો રસ્તામાં દંડવત કરે છે તો ના કહો, કાંટા વાગશે.’
સ્વામીએ કહ્યું, ‘આ કાંટા કદાચ વાગશે તો તે સોય અથવા નેરણીથી કાઢી નાખશું. ઊંડો ગયો હશે તો કેરીનું અથાણું બાંધીને પકવીને કાઢી નાખશું, પણ ઓલ્યા પંચ વિષયના કાંટા બહુ ભૂંડા છે. તે રૂપનો કાંટો આંખમાં, સ્પર્શનો કાંટો ત્વચામાં, ગંધનો કાંટો નાસિકામાં, સ્વાદનો જીભમાં, સંકલ્પ વિકલ્પના કાંટા મનમાં એમ અનેક પ્રકારના કાંટા છે તે કાઢ્યા નિસરે નહીં. એમને એમ ખટક્યા કરે. જો બહુ ઝેરી કાંટા હોય તો માણસ મરી પણ જાય. એવા આ આસક્તિ અને ભોગવાદના કાંટા છે. માટે એ કાંટા જાળવવા.’ આ મર્મ વચનો સાંભળી બધાના આંતરચક્ષુ ખૂલી ગયાં.
સ્વામીશ્રીનાં આ સૂચક વચનો પ્રમાણે આપણે પણ આ ભોગવાદના કાંટાઓથી બચીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.