પ્રાસંગિક -નિધિ ભટ્ટ

ક્યારેય વિચાર્યું છે કે તમારા હૃદયનો ટુકડો તમને કહ્યા વગર બે-ત્રણ કલાક ક્યાંક ચાલ્યો જાય તો… હૃદય કંપી જાય છેને… આપણા દેશમાં રોજ હજારોની સંખ્યામાં નિર્દોષ બાળકો ગુમ થાય છે. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસની એએસઆઈ સુનીતા અંતિલ કોઈ મસીહાથી કમ નથી.
સમયપુર બાદલી થાણામાં ફરજ બજાવતી સહાયક પોલીસ નિરીક્ષક સુનીતા પોતાની દિવસ-રાતની બેજોડ મહેનતથી કોઈ એક-બે નહીં, પણ ૭૫ જેટલાં બાળકોનું તેમનાં માતા-પિતા સાથે પુનર્મિલન કરાવ્યું છે. આમાં આઠથી ૧૬ વર્ષનાં સગીર બાળકો સામેલ છે.
કામ પરત્વેની તેની લગન અને અન્ય અધિકારી-કર્મચારીઓને પણ પ્રેરણા મળે તે માટે સુનીતાને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવામાં આવ્યું છે. તે હજુ પોતાના કર્તવ્યપથ પર ચાલી રહી છે. વાતચીત કરતાં સુનીતાએ કહ્યું કે ‘મારું લક્ષ્ય માત્ર એટલું જ છે કે હું મારું કામ પૂરા સમર્પણથી કરું.’
‘પોલીસની નોકરી દિવસ-રાતની હોય છે, પરંતુ ઘણી રાતો એવી હોય છે કે અમને બિલકુલ સૂવા મળતું નથી,’ એમ જણાવીને સુનીતા આગળ કહે છે, ‘ગુમ થયેલાં બાળકોમાં એક છોકરી એવી પણ હતી જે પોતાનું ઘર ત્રીજી વાર છોડી ભાગી આવી હતી. તે માનસિક રીતે નબળી હતી. બળાત્કારનો મામલો પણ હતો. તેને અમે રાત્રે બે વાગ્યે ટ્રેસ કરી હતી.’
સુનીતાના કહેવા અનુસાર ‘છોકરાઓની વાત કરીએ તો તેઓ માતા-પિતાના ગુસ્સાથી કંટાળી ઘર છોડી ભાગી જાય છે, જ્યારે છોકરીઓ કોઈની વાતોમાં આવીને ભાગી જતી હોય છે. આવા કેસમાં સૌથી મોટી લીડ માતા-પિતા તરફથી મળતી હોય છે. તેમણે જે લોકો પર શક જતાવ્યો હતો, તેમના મોબાઈલ સર્વેલન્સ પર રાખી, તેમની એક્ટિવિટી ટ્રેસ કરી અમે બાળકો સુધી પહોંચ્યાં હતાં.’
સુનીતા કહે છે કે ‘બાળકોના ગુમ થવાથી માતા-પિતા ઘણાં પરેશાન થતાં હોય છે. આવામાં તેમને શોધી તેમના પરિવારને સોંપતાં જે આનંદનો અનુભવ થાય છે તેને શબ્દોમાં વ્યક્ત કરવો શક્ય નથી.’
એએસઆઈ સુનીતા અંતિલ, સીમા ઢાકાને પોતાનો આદર્શ માને છે. તે જણાવે છે કે પોતે સીમા ઢાકા સાથે મળીને ઘણા કેસ ઉકેલ્યા છે. સીમાને પણ ઘણાં ગુમ થયેલાં બાળકો શોધી લાવવા માટે આઉટ ઓફ ટર્ન પ્રમોશન મળ્યું હતું. આ દરમિયાન તેમની શાહબાદ ડેરી થાણામાં બદલી થઈ ગઈ. જોકે હજુ બન્ને આ પ્રકારના કેસમાં સાથે રહે છે. સુનીતાએ જણાવ્યું કે તેણે દરેક કેસને ખૂબ જ ગંભીરતાથી લીધો. તે માત્ર સીસીટીવી ફૂટેજના સહારે બેઠી નહોતી.
તેણે માતા-પિતા સાથે વાત કરી. બાળકો સાથે જોડાયેલા લોકોના ફોનકોલ્સની માહિતી મગાવી. લોકેશન ટ્રેસ કરવા માટે મોબાઈલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો. પોતાના ખબરી નેટવર્કને મેઈન્ટેઈન કરીને રાખ્યું. નાનામાં નાની લીડ પર પણ ધ્યાન આપ્યું. તે કહે છે કે અમને પરિણામો જલદી પણ જોઈતાં હતાં અને યોગ્ય પણ, કારણ કે વિષય બાળકોનો હતો. સમય નીકળી જાય તો નુકસાન થતું હતું. એટલે જ તે આટલાં બધાં બાળકોને ટ્રેસ કરી શકી.
સુનીતાએ જણાવ્યું હતું કે તે હંમેશાં ટીમને લઈને કામ પર નીકળતી હતી. આ ઉપરાંત જ્યારે મોડી રાત થઈ જતી તો તેના ફાર્મસિસ્ટ પતિ પણ તેની સાથે જતા, આથી કોઈ દિવસ જાનનું જોખમ ઊભું થયું નથી. ઘર સંભાળવામાં પણ તે પોતાની સાસુ અને પતિના સાથસહકારનો ઉલ્લેખ કરે છે. ૧૨ ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ હરિયાણાના ઝઝર જિલ્લા સ્થિત દુલ્હેગડા ગામમાં જન્મેલી ૩૮ વર્ષની સુનીતા જણાવે છે કે તે બાળપણથી જ પોલીસ ખાતામાં જવા માગતી હતી. તેણે ‘ફૂલ ઔર અંગારે’ ફિલ્મ જોઈ હતી અને તે બાદ તેનામાં પોલીસમાં ભરતી થવાનું જોશ વધારે આવ્યું હતું.
સુનીતા ઈચ્છે છે કે તેનાં સંતાનો પણ પોલીસ ખાતાના અધિકારી બને, પણ સારી રેંક પર. તેના માટે બાળકોનો સારો ઉછેર પણ મહત્ત્વનો છે, જેથી તે તેમના જીવનમાં સાચી દિશામાં આગળ વધી શકે. જ્યારે પણ સમય મળે ત્યારે તે પોતાના પરિવાર સાથે વિતાવવા માગે છે.
સુનીતા અંતિલે જણાવ્યું કે તેના પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા. તે સમયે તે ફક્ત આઠ વર્ષની હતી. તેનો કોઈ ભાઈ નહોતો, તે ચાર બહેન હતી. તેમની માટે જીવનનો પ્રવાસ આસાન રહ્યો નથી. તે બહેનો પહેલાં ભણવા જતી, આવીને ખેતરમાં કામ કરતી. ઘરની રખેવાળી કરવાનું કામ એક બહેન કરતી. ખેતર પણ પોતાનાં નહોતાં, બીજાનાં ખેતરો ભાડે લઈ ખેતી કરતાં. તેમની માતાએ તેમને હંમેશાં આત્મસન્માન સાથે જીવવાનું અને બીજાની મદદ કરવાનું શીખવ્યું હતું. આ ભાવના આજે પણ તેમના હૃદયમાં વસેલી છે.
સુનીતા જણાવે છે કે તેણે ગામડામાં જ રહીને બારમું પાસ કર્યું. તે બાદ ગ્રેજ્યુએશન માટે તે બહાદુરગઢ ગઈ. ત્યાંથી બી.કોમ.ની ડિગ્રી લઈ તેણે પોલીસમાં ભરતી થવાની તૈયારી શરૂ કરી દીધી. ખેતરમાં કામ કર્યું હોવાથી ફિઝિકલ ટેસ્ટ પાસ કરવામાં કોઈ તકલીફ ન પડી.
આ રીતે આજથી ૧૬ વર્ષ પહેલાં વર્ષ ૨૦૦૬માં તે દિલ્હી પોલીસમાં ભરતી થઈ ગઈ. ૨૦૧૪માં તેને હેડ કોન્સ્ટેબલ બનાવવામાં આવી. સુનીતા કહે છે કે તેનાં લગ્ન હરિયાણા રાજ્યના સોનીપતમાં થયાં. હવે તેના પર પોતાનાં બે સંતાનની જવાબદારી પણ છે, તેમ છતાં તેણે પોતાના કર્તવ્ય સાથે કોઈ સમાધાન કર્યું નથી. તે ડ્યુટી ફર્સ્ટના સિદ્ધાંત પર ભરોસો કરે છે. તે કહે છે કે વધારેમાં વધારે છોકરીઓ પોલીસમાં ભરતી થાય તો સારું છે. આના લીધે પોલીસની વર્તણૂક પણ માનવીય અને સંવેદનશીલ બની રહે છે.

Google search engine