કવર સ્ટોરી -વિજય વ્યાસ
પંજાબમાં ‘ખાલિસ્તાન’ના સમર્થકો ફરી માથું ઊંચકી રહ્યા છે. એક તરફ દવિન્દરપાલ સિંહ ભુલ્લર સહિતના ખાલિસ્તાનવાદી આતંકવાદીઓને છોડાવવા માટે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ‘વારિસ પંજાબ દે’ નામના સંગઠનના કર્તાહર્તા અમૃતપાલ સિંહે ઉપાડો લીધો છે.
અમૃતપાલ સતત ‘ખાલિસ્તાન’ની તરફેણ કરતી પોસ્ટ નાખ્યા કરે છે. તેની ટીકા કરનારા યુવકને અમૃતપાલના માણસોએ માર્યો ને પછી પોલીસે કાર્યવાહી કરી તો લુખ્ખી દાદાગીરી કરીને ટોળાશાહીના જોરે હુમલો કરનારાને છોડાવી
પણ ગયા.
અમૃતપાલ સિંહે માત્ર પોતાના સાથીને છોડાવ્યો હોત તો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ નિષ્ફળ ગઈ એમ માનીને મન મનાવી લેવાય, પણ અમૃતપાલે ‘ખાલિસ્તાન’ મુદ્દે જે વિચારો વ્યક્ત કર્યા એ ચોંકાવી દેનારા છે. અમૃતપાલને તો સીખો માટે અલગ ‘ખાલિસ્તાન’ની માગણી પોતાનો અધિકાર લાગે છે. લોકશાહી દેશમાં આ રીતે કોઈ માગણી કરવામાં કશું ખોટું નથી એવું અમૃતપાલ માને છે.
અમૃતપાલે તો ધમકી પણ આપી છે કે ‘ખાલિસ્તાન’ની માગણીનો વિરોધ કરશો તો તેનાં પરિણામો ભોગવવા પણ તૈયાર રહેજો. ઈન્દિરા ગાંધીનું ઉદાહરણ આપીને અમૃતપાલે આડકતરી રીતે અમિત શાહને પતાવી દેવાની ધમકી પણ આપી ને આ માગણી ન સ્વીકારાય તો આતંકવાદ ભડકશે એવું પણ કહી દીધું.
અમૃતપાલે સાફ શબ્દોમાં કહ્યું કે ‘ખાલિસ્તાન’ની માગણીનો વિરોધ કરવાનાં ફળ ભોગવવાની વાત કરું છું ત્યારે ઈન્દિરા ગાંધીની હત્યાની જ વાત નથી કરતો, પણ એક દાયકા સુધી પંજાબમાં ફેલાયેલા આતંકવાદ, તેમાં લોકોએ ગુમાવેલા જીવ, યુવાઓની ખરાબ હાલત વગેરેની વાત પણ કરું છું તેથી ‘ખાલિસ્તાન’ની ચળવળને કચડી નાખવાના બહુ અભરખા હોય તો આ પરિણામો માટે પણ તૈયાર રહેજો.
અલગ ‘ખાલિસ્તાન’ની માગણી દેશની એકતા અને અખંડિતતા સામે ખતરો છે ને તેનો અનુભવ આપણે પહેલાં જ કરી લીધો છે એ જોતાં અમૃતપાલની વાતોને હળવાશથી લેવાય તેમ નથી. અમૃતપાલ કહે છે એવાં માઠાં પરિણામો આવી જ શકે છે. ‘ખાલિસ્તાન’ની ચળવળનો ઈતિહાસ જોશો તો આ વાત સમજાશે.
અમૃતપાલ સિંહ સહિતના શીખ નેતાઓ જે ‘ખાલિસ્તાન’ની વાત કરે છે તેનો વિચાર દેશના શીખોના માનસમાં આઝાદી પહેલાં જ નાખી દેવાયેલો. ૧૯૪૦માં ડો. વીરસિંહ ભટ્ટી નામના શીખ નેતાએ પહેલી વાર ખાલિસ્તાનનો વિચાર વહેતો મૂકેલો. એ વખતે તેને બહુ પ્રતિસાદ નહોતો મળ્યો, પણ શીખોના ધનિક અને શક્તિશાળી વર્ગને એ વિચાર ગમી ગયેલો તેથી ધીરે ધીરે એ વિચાર મોટો થતો ગયો.
‘ખાલિસ્તાન’ નામ ખાલસા શબ્દ પરથી આવ્યું છે. ગુરુ ગોવિંદસિંહજીએ ધર્મની રક્ષા અને નિર્બળનું શોષણ અટકાવવા શીખોમાંથી લડવૈયા તૈયાર કર્યા એ ખાલસા શીખ કહેવાયા. તેના પરથી પ્રેરણા લઈને શીખો માટે અલગ રાષ્ટ્રને ‘ખાલિસ્તાન’ નામ
અપાયું છે.
‘ખાલિસ્તાન’નો વિચાર મુસ્લિમોએ અલગ પાકિસ્તાનનો ઉપાડો લીધો તેના કારણે આવ્યો. ભારતમાં શીખો અને હિંદુઓ વચ્ચે અભૂતપૂર્વ ભાઈચારો છે. બલકે બંને ધર્મ અલગ છે એવો અહેસાસ કદી ન થાય એ રીતે હિંદુ અને શીખો રહે છે. આઝાદી પહેલાં પણ આ જ માહોલ હતો, પણ મુસ્લિમ લીગે મુસ્લિમોને ધર્મના આધારે અલગ રાષ્ટ્રની વાત માંડી તેના કારણે ‘ખાલિસ્તાન’નો વિચાર આવ્યો. મુસ્લિમ લીગે ૧૯૩૭માં પાકિસ્તાનની માગ બુલંદ કરી. તેનાં ત્રણ વરસ પછી ૧૯૪૦માં ‘ખાલિસ્તાન’નો વિચાર વહેતો મૂકી દેવાયો.
દેશના ભાગલા થયા ત્યારે હિંદુ અને શીખો એક હતા તેથી ‘ખાલિસ્તાન’ની માગ ભુલાઈ ગયેલી, પણ જેવા ભાગલાના ઘા રુઝાવા માંડ્યા કે તરત ફરી ‘ખાલિસ્તાન’ની માગ શરૂ થઈ. જવાહરલાલ નેહરુએ શીખોને ઠંડા પાડવા શીખોના સ્વાયત્ત રાજ્યનું વચન આપી દીધું કે જ્યાં શીખ ધર્મના નિયમ પ્રમાણે શસાન ચાલે. શીખો દેશપ્રેમી પ્રજા છે તેથી ભારતમાં જ સ્વાયત્ત રાજ્ય મળે તો શીખોને વાંધો નહોતો તેથી ‘ખાલિસ્તાન’ની માગ ઠંડી પડી ગઈ.
કમનસીબે નેહરુએ એ વચન ન પાળ્યું તેથી ૧૯૬૦ના દાયકામાં ફરી આ માગ બુલંદ બની. ૧૯૬૫ના યુદ્ધ વખતે વાત ભુલાઈ ગયેલી, પણ લાલ બહાદુર શાસ્ત્રી ગુજરી જતાં ઈન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યા પછી ફરી ‘ખાલિસ્તાન’નો ઝંડો ઊઠ્યો. ઈન્દિરા ત્યારે લોકપ્રિય થવાય એવાં પગલાં ધડાધડ લેતાં હતાં તેથી ૧૯૬૬માં પંજાબના ત્રણ ભાગ કરીને શીખો માટે અલગ પંજાબ બનાવી દીધું. પંજાબમાં આવેલા હિન્દુઓના પ્રદેશોને અલગ કરીને હરિયાણાની રચના કરી અને કેટલાક પ્રદેશોને હિમાચલ પ્રદેશમાં ભેળવી દીધા.
ઈન્દિરાએ પંજાબને સ્વાયત્તતા નહોતી આપી, પણ શીખોનું પોતાનું રાજ્ય આપેલું તેથી પંજાબની ૧૯૭૨ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી ગઈ. હારેલા શિરોમણિ અકાલી દળે રાજકીય અસ્તિત્વ ટકાવવા ‘ખાલિસ્તાન’નો મુદ્દો ભડકાવ્યો. અકાલી દળના ઈશારે ૧૯૭૩માં શીખોના પવિત્ર સ્થાન આનંદપુર સાહિબ ખાતે પંજાબને વધારે સ્વાયત્તતાનો ઠરાવ શીખ સંગઠનોએ કર્યો. આનંદપુર સાહિબ ખાતે જ શીખ ધર્મને હિંદુ ધર્મથી અલગ ગણીને અલગ ધર્મની માન્યતા આપવાનો પણ ઠરાવ કરાયો.
શિરોમણિ અકાલી દળે રાજકીય ફાયદા માટે આ મુદ્દાને સળગાવ્યો તો ઈન્દિરાએ જરનૈલસિંહ ભિંડરાનવાલેને ઊભો કરી દીધો. ભિંડરાનવાલે શરૂઆતમાં ઈન્દિરાને પડખે હતો પણ પછી અકાલી દળની પંગતમાં બેસી ગયો. ભિંડરાનવાલેએ શીખોને હથિયારો પકડાવીને આતંકવાદને રસ્તે પણ વાળ્યા.
ભિંડરાનવાલેએ સુવર્ણ મંદિર પર કબજો કરીને ધામા નાખ્યા. સુવર્ણ મંદિર જેવા પવિત્ર સ્થાનેથી આતંકવાદનો દોરીસંચાર થતો તેથી ઈન્દિરાએ ૧૯૮૨માં સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલ્યું. ભિંડરાનવાલે લશ્કરને જોઈને ભાગી ગયો પણ લશ્કરની વિદાય પછી ફરી સુવર્ણ મંદિર પર કબજો કર્યો. એ પછી ભિંડરાનવાલેના ઈશારે બેફામ આતંકવાદ શરૂ થયો. છેવટે ઈન્દિરાએ જૂન, ૧૯૮૪માં ફરી સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલીને ભિંડરાનવાલેને પતાવી દીધો.
ઓપરેશન બ્લુ સ્ટારમાં ભિંડરાનવાલે મરાયો પણ સુવર્ણ મંદિરમાં લશ્કરને મોકલાયું હતું તેથી ભડકેલા શીખ યુવકોએ આતંકવાદને ભડકાવ્યો. તેના કારણે ઈન્દિરાની હત્યા પણ થઈ. સતવંત સિંહ અને બિયંત સિંહ નામના બે શીખ અંગરક્ષકે જ ઈન્દિરા ગંધીની હત્યા કરી નાખી હતી.
લગભગ એક દાયકા સુધી પંજાબમાં આતંકવાદીઓએ કાળો કેર વર્તાવી મૂકેલો. કોંગ્રેસના બિયંત સિંહ મુખ્ય પ્રધાન બન્યા પછી તેમણે કડક હાથે કામ લઈને આતંકવાદીઓનો સફાયો કરવા માંડ્યો ત્યારે છેક ૧૯૯૫માં પંજાબમાંથી આતંકવાદ સાફ થયો. બિયંત સિંહે ભલે આતંકવાદનો સફાયો કર્યો પણ તેમની હત્યા પણ ‘ખાલિસ્તાન’ના સમર્થક આતંકવાદીઓએ જ કરેલી.
પંજાબમાં એ પછી અઢી દાયકાથી શાંતિ રહી છે પણ અમૃતપાલ સહિતના નેતાઓએ ફરી ‘ખાલિસ્તાન’નો ઝંડો ઊંચકતાં આ શાંતિમાં ભંગ પડવાનાં એંધાણ છે. હજુ ‘ખાલિસ્તાન’ની માગ ૧૯૮૦ના દાયકા જેટલી બુલંદ નથી ને શીખ યુવકો આતંકવાદ તરફ વળ્યા નથી એ સારું છે પણ ખાલિસ્તાનવાદીઓના ઈરાદા યુવકોને ભડકાવવાના છે જ. શીખ ધર્મના અપમાનના નામે એ લોકો શીખોને ઉશ્કેરી જ રહ્યા છે. આ ઉશ્કેરાટ ક્યારે હિંસામાં પરિવર્તિત થઈ જાય એ નક્કી નહીં તેથી અત્યારે જ તેનો ઈલાજ કરવો જરૂરી છે.
‘ખાલિસ્તાન’ની ચળવળ વિશે બીજી એક વાત પણ જાણવી જરૂરી છે. ‘ખાલિસ્તાન’ બનાવવામાં ભારતના શીખોને બહુ રસ નથી પણ વિદેશમાં રહેતા શીખોને રસ છે. કેનેડા, બ્રિટન અને અમેરિકામાં રહેતા શીખોનો એક વર્ગ ‘ખાલિસ્તાન’નો સમર્થક છે. કેનેડામાં તો વારંવાર ખાલિસ્તાનનાં પોસ્ટર ને નારા લાગે છે. કેનેડાની સરકારે સત્તાવાર રીતે કહ્યું છે કે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદ ફરી માથું ઊંચકી રહ્યો છે. હરદીપ સિંહ નિજ્જર નામનો ખાલિસ્તાનવાદી આતંકી તો કેનેડાના બ્રિટિશ કોલમ્બિયામાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇની મદદથી આતંકી કેમ્પો ચલાવતો હતો.
કેનેડા ઉપરાંત બ્રિટન અને અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકો મોટી સંખ્યામાં છે. કેનેડા, બ્રિટન અને અમેરિકામાં રહેતા શીખો ધનિક હોવાથી ખાલિસ્તાનવાદીઓને પોષી શકે છે. શીખો માટે નવો દેશ બને તો પોતાનો પ્રભાવ વધે એ કારણે એ લોકો ‘ખાલિસ્તાન’ના વિચારને પોષે છે. પાકિસ્તાનમાં તો આજે પણ બબ્બર ખાલસા સહિતનાં સંગઠનોના ભારતમાંથી ભાગેલા ખાલિસ્તાની આતંકવાદી પાકિસ્તાનમાં જ છે.
આ બધાને ‘ખાલિસ્તાન’ના વિચારને હવા આપીને ભારતમાં અરાજકતા ઊભી કરવાની તક આપ્યા વિના કેન્દ્ર સરકારે તૂટી પડવું જોઈએ. પંજાબમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર છે ને ભગવંત માન મુખ્ય પ્રધાન છે. માનને ખાલિસ્તાનવાદીઓ તરફ સોફ્ટ કોર્નર હોય એવું લાગે છે. સોફ્ટ કોર્નર ન હોય પણ મતબેંકના કારણે ભગવંત માન ખાલિસ્તાનવાદીઓ પર તૂટી પડતાં ખચકાય છે.
પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કેજરીવાલના એક સમયના સાથી કુમાર વિશ્ર્વાસે ધડાકો કરેલો કે કેજરીવાલ દેશના ભાગલા કરીને અલગ ‘ખાલિસ્તાન’ના વડા પ્રધાન બનવાનું સપનું જોતા હતા. કુમારનો દાવો હતો કે કેજરીવાલે પોતાને એક વાર કહેલું કે પોતે કાં પંજાબના મુખ્ય પ્રધાન બનશે કાં ખાલિસ્તાનના પહેલા વડા પ્રધાન બનશે.
આ વાતમાં કેટલો દમ છે તે ખબર નથી પણ આપ ખાલિસ્તાનવાદીઓ પર પૂરી તાકાતથી તૂટી નથી પડી એ સ્પષ્ટ છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે પંજાબ સરકારના ભરોસે બેસી રહેવાના બદલે અમૃતપાલ સિંહ સહિતના ‘ખાલિસ્તાન’ના સમર્થક નેતાઓને ઉઠાવી ઉઠાવીને જેલમા નાખવા જોઈએ.
ઈન્દિરાએ ભિંડરાનવાલેને છૂટો રાખવાની મોટી ભૂલ કરેલી. છૂટા ફરતા ભિંડરાનવાલેએ શીખ યુવકોના હાથોમાં હથિયાર પકડાવીને આતંકવાદને રસ્તે ચડાવી દીધેલા. ઈન્દિરા ભિંડરાનવાલે મોટો બને એ પહેલાં તેને રોકી ન શક્યાં એ મોટી ભૂલ હતી.
મોદી આ ભૂલ ન કરે એ દેશના હિતમાં છે.