આઝાદીના અમૃત મહોત્સવમાં સ્વતંત્ર અભિગમને અપનાવો

સ્પેશિયલ -જયેશ ચિતલિયા

તમને પોતાની સલાહોના ગુલામ બનાવી આકર્ષવા માટે અનેક લેભાગુ હસ્તીઓ-માધ્યમો સક્રિય રહે છે
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દેશભરમાં ચાલી રહી છે. હર ઘર તિરંગાનો ઉત્સાહ પણ જોરમાં છે. સારી વાત છે, અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુકત થયા તેને ૭૫ વરસ થયા, કિંતુ એ પછી આપણને પરોક્ષ ગુલામ બનાવવાની ચાલાકી ગ્લોબલ-મલ્ટિનેશનલ કંપનીઓ મારફત સતત ચાલુ રહી છે, જોકે આની સામે ભારત સરકાર મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ્સ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા સહિત વિવિધ પગલાં ભરી રહી છે, જેને સમજાય તેને સમજાય,બાકી બધાં આકર્ષાય અને ફસાય. અહીં આપણે ઈન્વેસ્ટમેન્ટ પ્રત્યેની ગુલામી અને આઝાદીની માનસિકતા સમજીને આપણા રોકાણ નિર્ણયો માટે આઝાદ બનીએ
બજારની ચાલની ગુલામી
પહેલી વાત તો શૅરબજારમાં રોકાણ કરવાની બાબતમાં આપણે બજારની ચાલના ગુલામ છીએ, કેમ કે આપણું માનસ જ હજી શેરમાં રોકાણ કરતી વખતે શંકાશીલ અને ચંચળ રહે છે. બજાર ઉપર જાય તો આપણે તેજીના ગુલામ અને બજાર નીચે જાય તો મંદીના ગુલામ. આપણી પાસે સ્થિર વિચારધારા શૅરબજારની બાબતમાં છે ખરી? કયારેક ચોમાસાના અભાવે બજાર ઘટાડાતરફી ટ્રેન્ડમાં આવી જાય, તો કયારેક વિશ્ર્વના બજારોમાં કડાકો આવતા આપણું બજાર પણ ખાસ્સું તૂટી જાય. બજારની ચાલ તો એક યા બીજા કારણસર બદલાતી રહેતી હોય છે, તેથી જ રોકાણકારે પોતાની ચાલને પકડી રાખવી જોઈએ. અમે એમ નથી કહેતા કે બજારની ચાલ અંગે ચિંતાની કોઈ જરૂર જ નથી, કિંતુ પેનિકમાં આવવાને બદલે બેલેન્સ થવાનું મહત્ત્વ હોય છે. હા, ટ્રેડિંગ કરતા હો તો સાચવો, મોટા ખેલાથી દૂર રહો અને લોંગ ટર્મ માટે રોકાણ કરતા હો તો હજી ઘટશે-હજી ઘટશેની માત્ર રાહ જોવાને બદલે લગડી શેરો ઘટેલા ભાવે થોડી-થોડી માત્રામાં ભેગા કરવાનું વિચારવું જોઈએ.
વિદેશી રોકાણકારોની ગુલામી
વિદેશી રોકાણકારોની બાબતમાં પણ હજી આપણા શૅરબજારો ગુલામીમાં ખરાં, કેમ કે બજારને ઉપર-નીચે લઈ જવામાં તેમની ભૂમિકા મોટી રહે છે, આપણા દેશનો પોતાનો ઈન્વેસ્ટર બેઝ હજી ખૂબ મર્યાદિત છે, પરિણામે બજાર પર એફઆઈઆઈનું વર્ચસ મોટું છે અને આ મામલે આપણી આઝાદી હજી ખૂબ દૂર છે. તેમાં વળી હેજ ફંડોનો હાઉ પણ કાયમ ઊભો હોય છે, જેનો ભરોસો તો વિશ્ર્વના બજારો પણ કરતા નથી. જોકે આ વિષયમાં પરિવર્તન શરૂ થયું છે, અલબત્ત, તેની અસરને હજી સમય લાગશે. રિટેલ-નાના રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ અગાઉ કરતા વધુ સક્ષમ અને સક્રિય બનતા જાય છે. સરકાર અને સેબી રોકાણકારોના શિક્ષણ અને જાગ્રતિ બાબતે સતત પ્રયાસશીલ રહે છે.
ઈન્વેસ્ટર નિર્ણય લેવામાં આઝાદ બને
આ બધા મોટા પરિબળો વચ્ચે સામાન્ય રોકાણકારોની ટોળાને અનુસરવાની, ટીપ્સ કલ્ચરમાં ફસાઈ જવાની, ઝટપટ પૈસા કમાવાની માનસિક ગુલામી તો છે જ. આ ગુલામીમાંથી ઈન્વેસ્ટરોને તેમના પોતાના સિવાય કોઈ આઝાદ કરી શકે નહીં. આ આઝાદી જ તેમને સંપત્તિના સર્જન તરફ લઈ જઈ શકે છે. રોકાણકાર પોતાના અભ્યાસ સાથે આઝાદી રાખશે તો એ પરિપક્વ રોકાણકાર બની શકશે. આ માટે શરૂમાં ક્યાંક તેને નુકસાની પણ થઈ શકે, પરંતુ આ કામ ટોળાને અનુસરવા કરતા ઓછું નુકસાન કરાવશે અને ઈન્વેસ્ટર નાની-નાની રકમના ઈન્વેસ્ટમેન્ટથી પોતાની આ આઝાદી માણી શકે છે. આ અનુભવ તેમને ખરાં અર્થમાં સ્માર્ટ ઈન્વેસ્ટર બનાવશે.
સાઇકોલોજીની ગુલામીથી મુક્ત બનો
શૅરબજારમાં શેરોની સાથે રમત કે ગોલમાલ થાય જ છે, પરંતુ સૌથી વધુ રમત રોકાણકારોની સાઈકોલોજી સાથે થાય છે. આ સાઈકોલોજીનો ઉપયોગ કરી અનેક ઓપરેટરો કે સટોડિયાઓ કે સ્થાપિત હિતો પોતાનું કામ આસાનીથી પાર પાડી લે છે. કેટલીકવાર આ મૂર્ખ બનાવનારાઓ પોતે રોકાણકારોના ઘરે આવીને અથવા તેમને ફોન કરીને કે જાહેરખબર અને મીડિયા સમાચાર મારફત યા એડવાઈઝરી-ઈન્વેસ્ટમેન્ટ એપ મારફત પ્રોફેશનલ ઢબે મૂર્ખ બનાવે છે તો વળી કયારેક મૂર્ખાઓનાં ટોળાં તેમની પાસે સામે ચાલીને જાય છે. આમાં કયાંક અપવાદ હોઈ શકે , પરંતુ મહદઅંશે તો લોકો કોઈ ચોકકસ વર્ગના શિકાર જ બનતા હોય છે.
એસએમએસ-વોટ્સએપ પર સલાહોનો વરસાદ
આજકાલ રોકાણકારોને એસએમએસ,વોટસએપ,વગેરે જેવા સોશ્યલ મીડિયા મારફત ટીપ્સ અને સલાહ આપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં કયા શેરો લેવા, કયા વેચવા, શું સ્ટોપ લોસ રાખવો, વગેરેથી માંડી ડબલ મની સ્કીમ, અવનવી ગેરેન્ટીઓ સાથેની ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ , ઈનામી યોજનાઓ, ડિસ્કાઉન્ટ સ્કીમ, એકસચેંજ સ્કીમ જેવા પ્રયોગો ચાલતા રહે છે. બજારનો ટ્રેન્ડ સતત જણાવીને રોકાણકાર વર્ગને અપડેટ રાખવામાં આવે છે, બચ્ચુ આજે નહીં તો કાલે જાળમાં આવશે એવા ઈરાદા સાથે રોકાણકારો પર આ સલાહોનો વરસાદ ચાલુ રાખવામાં આવે છે.
ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝ એપ્સ અને વેબસાઈટ
ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ હોવાથી હવે લોકો સુધી પહોંચવા માટે વેબસાઈટ અને ઈમેઈલનું માધ્યમ સૌથી અસરકારક પુરવાર થયું છે. રોકાણકારોને સલાહ-સૂચન આપતી એપ્સ અને વેબસાઈટસ હોલસેલમાં ખુલતી જાય છે, જેમાં મોટે ભાગે રોકાણકારોને મફત સલાહ-સેવાના નામે આકર્ષાય છે, આવી મોટાભાગની વેબસાઈટ -એપ્સ પર શેરોની લે-વેચ, સટ્ટાકીય પ્રવૃત્તિ, ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેકટ, ડે ટ્રેડિંગ કે ઈન્ટ્રા ડે કામકાજ વગેરે વિષે સલાહ અને ટિપ્સ આપવામાં આવે છે. જેમાં મૂળ તો ઝટપટ પૈસા કમાવાના કીમિયા અપાય છે, ત્રણ થી છ મહિનામાં શેરોના ભાવો કયાંથી કયાં પહોંચશે એવા સંકેતો અપાય છે. કહેવાય છે કે આ બધાને કોઈ આધાર કે સત્તાવાર સમર્થન હોતું નથી. બલકે ઓપરેટરોની આ ગોઠવાયેલી બાજી કે જાળ હોય છે, જેમાં જે પ્રવેશ્યા તે ફસાયા. આવી વેબસાઈટ પર એવા આંકડા અપાય છે, જેમાં શેરોના ભાવો વધ્યા હોવાના કિસ્સા જોવા મળે છે, આ આંકડા જોઈને ભલભલા રોકાણકારો લલચાઈ જાય એવું બની શકે છે.
ટી.વી. ચેનલોના ચકરાવાથી સાવચેત રહેજો
શૅરબજારમાં સૌથી વધુ જેમની અસરો પડે
તેમાં ટી.વી. ચેનલો મોખરે છે. બજાર શરૂ થાય એ પૂર્વે, ચાલુ હોય ત્યારે અને બજાર બંધ થાય એ પછી પણ સતત રોકાણકાર-ટ્રેડર્સ વર્ગ માટે બજારની તેમ જ શેરના ભાવોની વધઘટની આગાહી કરતી રહેતી ટીવી ચેનલો તેમ જ કહેવાતા નિષ્ણાતો વિશાળ રોકાણકાર વર્ગને ગેરમાર્ગે દોરવામાં સૌથી કુશળ બની રહે છે, તેમ છતાં આ જ ચેનલો ફરી ફરીને જોવાતી રહે છે. કહેવાય છે કે ટીવી ચેનલોના માધ્યમનો ઉપયોગ ખુદ કંપનીઓ તેમ જ તેના પ્રમોટરો પણ કરતા હોવાનું કહેવાય છે. કિંતુ આ કામ એટલી સોફેસ્ટિકેટેડ રીતથી થાય છે કે ભલભલા ઈન્વેસ્ટરો તેમની જાળમાં આવી જાય છે. યાદ રહે, આવા તમામ માધ્યમોનાં સર્જકો કે સંચાલકો એક યા બીજી રીતે બજારમાં પોતાનું હિત ધરાવતા હોય છે, જેથી રોકાણકારોનું હિત તેમની પ્રાયોરિટીમાં પાછળથી આવે તો આવે. હા, ખબરો ઊભી કરવામાં અને રજૂ કરવામાં તે માહેર હોવાથી પોતાની ઈમેજ સારી રીતે બનાવી લે છે. જોકે સ્માર્ટ રોકાણકારો આવી ચેનલોને ઓળખી ગયા હોવાથી ચેનલની વાતોને કેટલી સાચી માનવી એ સમજી ગયા છે, પરંતુ નાના અને સામાન્ય રોકાણકારો માટે આ સમજવું કઠિન હોવાથી તેઓ એક યા બીજી રીતે તેમની જાળમાં આવતા રહે છે. ઈન શોર્ટ, આ તમામ માધ્યમોમાં સલાહ અને માર્ગદર્શન મફત અપાતા હોવાથી સૌને તેના પર ધ્યાન આપવાનું મન થાય છે. આ કામ એટલી આધુનિકતાપૂર્વક થાય છે કે તે લોકોને આંજી નાંખવામાં સફળ થઈ જાય છે. અમુક શેરમાં કે ઓવરઓલ બજારમાં તેજી કે મંદી ફેલાવવામાં પણ ચેનલો પરોક્ષ ભૂમિકા ભજવતી હોય છે. જાગો ઈન્વેસ્ટરો જાગો, તમારા નિર્ણયમાં આઝાદ બનો.

Google search engine