વસઈમાં ભેખડ ધસી પડતાં પિતા-પુત્રીનાં મોત: માતા-પુત્રને બચાવી લેવાયાં

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાયંદર: વસઈ પૂર્વના રાજીવલી ખાતે એક ઘર પર ભેખડ ધસી પડતાં કાટમાળ નીચે દટાઈ ગયેલાં પિતા-પુત્રીનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે માતા-પુત્રને સ્થાનિકોએ બચાવી લીધાં હતાં.
ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારીના જણાવ્યા મુજબ ઘટના બુધવારની સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ રાજીવલીના વાઘરલપાડા ખાતે બની હતી. મુશળધાર વરસાદને કારણે અનિલ સિંહ (૪૫)ના ઘર પર ભેખડ ધસી પડી હતી.
છેલ્લા એકાદ અઠવાડિયાથી ધોધમાર વરસતા વરસાદે પાલઘર જિલ્લાને ધમરોળી નાખ્યું છે. પાલઘરના નાલાસોપારા, વિરાર આસપાસના પરિસરોમાં ઠેકઠેકાણે પાણી ભરાયેલાં છે. બુધવારે સવારે ભેખડ ધસી પડવાની ઘટના બનતાં સ્થાનિક રહેવાસીઓ મદદ માટે દોડી આવ્યા હતા. કાટમાળ હેઠળથી અનિલની પત્ની વંદના ઠાકુર (૩૩) અને પુત્ર ઓમ (૧૦)ને બહાર કાઢવામાં આવ્યાં હતાં. સારવાર માટે તેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
બનાવની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નૅશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની એક ટીમને પણ મોકલવામાં આવી હતી. સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યાની આસપાસ એનડીઆરએફની ટીમે અનિલ અને પુત્રી રોશની (૧૬)ને કાટમાળ હેઠળથી બહાર કાઢ્યાં હતાં. બેભાન અવસ્થામાં બન્નેને હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં. કાટમાળ હેઠળ હજુ કોઈ દટાયેલું તો નથીને તેની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.