સિનેમાની સફર

ઉત્સવ

સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ

સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ

ખલનાયકના પ્રકાર
આપણી ફિલ્મોમાં નાયકોની જેમ જ અનેક પ્રકારના ખલનાયક મળી આવે છે. કેટલાક ખાસ પ્રકારના ખલનાયકોના પ્રકાર અંગે આપણે આગામી દિવસોમાં માહિતી મેળવશું.
——–
સિદ્ધાન્તવિહીન ખલનાયક
આમ તો કોઈ પણ ખલનાયકનો ક્યારેય કોઈ સિદ્ધાન્ત કે ચરિત્ર હોતું નથી, છતાં પહેલાંના ખલનાયકોની સરખામણીમાં અત્યારના ખલનાયકોના ચરિત્રનું ખાસ્સું પતન થયેલું જોવા મળે છે. આમ તો પડતી જીવનના ક્યા ક્ષેત્રમાં નથી આવી, પરંતુ ખલનાયક જે પહેલેથી જ પતીત હતો તેના ચરિત્રનું પતન થવું ચિંતાનો વિષય બની રહે છે.
પહેલાં ખલનાયકમાં ધીરજ હતી. તે પોતાના કાકાની મિલકત મેળવવા માટે તેમના મૃત્યુની રાહ જોઈ શકતો હતો. જ્યારે આજના ખલનાયકમાં જરાય ધીરજ જોવા મળતી નથી. તે પોતાના કાકાનું ગળું દાબી નાખે છે. પહેલાંના ખલનાયકોનાં ઘર-પરિવાર હતાં અને બાળ-બચ્ચાં પણ હતાં. તો તેમના સુધરવાના સંજોગો રહેતા હતા. તેઓ ક્યારેક સુધરી પણ જતા હતા, પરંતુ અત્યારના ખલનાયક કોણ જાણે ક્યાંથી આવે છે, કેમ આવે છે અને ક્યાં ચાલ્યા જાય છે? એકદમ આધારહીન, સિદ્ધાન્તહીન અને દિશાહીન. ખલનાયકભાઈ, વાસ્તવિકતાનું થોડું ભાન રાખો, પોતાના ભવિષ્ય માટે પણ વિચાર કરો.
———–
ખલનાયકની પીડા
કલાકાર તો કલાકાર જ હોય છે. તે નાયકનો રોલ કરે કે પછી ખલનાયકનો. જોકે વાત એવી નથી. ખલનાયક અમારી ઓડિયન્સની અજ્ઞાનતાનો હંમેશાં શિકાર બની રહે છે. તેને ક્યારેય નાયક જેવું સન્માન મળતું નથી. બાળકો તેમનાથી ડરીને દૂર ભાગે છે એટલું જ નહીં, તે પોતાનાં બાળકો સાથે બેસીને પોતાની જ ફિલ્મો જોઈ શકતો નથી. પડદા પર જ કેમ ન હોય, પરંતુ કોઈ વ્યક્તિ પોતાની પત્ની અને સંતાનોની સામે પોતાની પિટાઈ થતી કેવી રીતે જોઈ શકે?
તેની પાસે રૂપિયા-પૈસા હોય છે, પ્રતિષ્ઠા પણ હોય છે, પરંતુ અજ્ઞાની જનતા પાસેથી સન્માન મળતું નથી. મેં સાંભળ્યું છે કે કેટલાક ખલનાયકો વાસ્તવિક જિંદગીમાં નાયક કરતાં અનેક ગણા સારા હોય છે. દાન-પુણ્ય કરતા હોય છે. પડદા પર જીવેલી દુનિયા તેમને સારી વ્યક્તિ બનવા પર મજબૂર કરી દેતી હોય છે. બિચારા કરે શું? એકસાથે બંને જગ્યાએ દુષ્ટ કેવી રીતે બની શકે? ભાઈ ખલનાયક, તમારું કલ્યાણ થાઓ. તમારા આત્માને શાંતિ મળે. (શબ્દાંકન: વિપુલ વૈદ્ય)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.