સિનેમાની સફર

ઉત્સવ

સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ

સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ

પ્રેમીના પ્રકાર
ભારતીય ફિલ્મોમાં દેખાડવામાં આવતા પ્રેમીઓને તેમના સ્તરને આધારે નિમ્ન લિખિત વિભાગોમાં વહેંચી શકાય છે અથવા તો વહેંચી નાખવા જોઈએ…
——–
છેવટે સુધરી જનારો પ્રેમી
આ છેવટે સુધરી જનારો પ્રેમી પહેલાં બગડેલો હોય છે. કેટલાક આવારા અથવા તો અમાનુષ પ્રકારના હોય છે. તેના હૃદય પર કોઈ પ્રકારનો ઘા લાગેલો હોય છે અને તેથી તે આખી દુનિયાને પોતાની ઠોકર પર રાખતો હોય છે. દુનિયા માટે હંમેશાં કડવું અને ઝેરી બોલતો રહેતો હોય છે. બીજી તરફ દુનિયા પણ તેને ઠેંગો દેખાડે છે અને તેની વાતોની કોઈ પરવા કરતી નથી, પરંતુ નાયિકાની ભરપૂર સહાનુભૂતિ આવા નાયકને મળી રહેતી હોય છે. તે ક્યારેક રાતના સમયે શાલ ઓઢીને તેને સમજાવવા માટે પણ જતી હોય છે અને તેને પ્રેમી જેમની તેમ પાછી મોકલી દેતો હોય છે.
આવો પ્રેમી કાયમ દિલનો હીરા જેવો હોય છે, પરંતુ તેનાં કર્મો મવાલી જેવાં હોય છે. તે દારૂ અને મારપીટનો ભારે શોખીન હોય છે, પરંતુ આમ છતાં તે સો ટકા ઈમાનદાર અને ચરિત્રવાન હોય છે. કદાચ આને જ માટે ડિરેક્ટર તેની પાછળ એક સુંદર નાયિકા લગાવી દેતો હોય છે, જેથી તેને સુધારીને સામાજિક પ્રાણી બનાવી શકાય.
ફિલ્મમાં હવે એવી સ્થિતિ જોવા મળે છે કે એક તરફ ત્યાગની દેવી છે અને બીજી તરફ ગુનાહોનો દેવતા. પેલીએ આને સુધારવો છે અને આને સુધરી જવું છે. તે છેલ્લે સુધરી જાય છે, પરંતુ બદમાશ પોતાની જાતે નથી સુધરી શકતો, તેને નાયિકાની મદદની આવશ્યકતા પડે છે. જરા જુઓ તો આમનાં નખરાં!
———-
પત્નીને પ્રેમ કરનારો પ્રેમી
પારિવારિક ફિલ્મોનો નાયક પત્નીને પ્રેમ કરનારો પ્રેમી હોય છે. તેને નાયિકાને પટાવવા માટે કોઈ પાપડ શેકવાના હોતા નથી, તેને નાયિકા પહેલેથી જ મળી ચૂકી હોય છે. તે સાત ફેરા લઈ લે છે, સુહાગરાત પણ ઊજવી નાખે છે અને પોતાની પત્નીને ઘણો બધો પ્રેમ કરે છે. તે એક સાવ તુચ્છ પ્રકારનો પ્રેમી હોય છે. તે નાયકના નામ પર કલંક સમાન હોય છે, સાલો! પત્નીને પ્રેમ કરે છે. કઠપૂતળી કહીંનો. પ્રેમ કરવા માટે ફક્ત પત્ની જ બચી હતી? પત્ની સાથે પ્રેમ કરવાનું આમેય દર્શકોને ગળે ઊતરતું નથી.
પછી જેમ પારિવારિક ફિલ્મોમાં થતું હોય છે તેમ દહેજને લઈને કે પછી સાસુ-વહુને કારણે ઘરમાં ઝઘડા થાય છે અથવા તો કોઈ પ્રકારની ગેરસમજ થઈ જાય છે અને વહુ પોતાને પિયર જતી રહે છે. ત્યારે ફરી એક વખત આ તુચ્છ પ્રેમી પોતાની તુચ્છતા પર ઊતરી આવે છે. તે નાચ-ગાન જોવા માટે કોઠા પર જતો રહે છે. ભાઈ આ તો કોઈ નાયકનાં લક્ષણો નથી. આખી ફિલ્મમાં તમે મર્દાનગી દેખાડવાના નામ પર ફક્ત પત્નીને એક તમાચો માર્યો અને પછી વેશ્યાખાના પર જઈને બાપની મિલકત લુટાવી.
પૈસા ખતમ થઈ ગયા બાદ આવા પ્રેમીને વેશ્યા પણ ધક્કા મારીને પોતાને ત્યાંથી હાંકી કાઢે છે. ત્યાંથી બુધ્ધુ પાછો ઘરે ફરે છે. તેની પત્ની પણ પાછી ફરે છે અને બધું મળીને ફિલ્મનો એક હેપ્પી એન્ડ આવે છે. આ હેપ્પી એન્ડમાં નાયકનું કોઈ યોગદાન હોતું નથી. આવી વ્યક્તિને નાયક કહેવો જોઈએ કે ગોબર ગણેશ?
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.