સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
(ભાગ-૨)
ફિલ્મો બનાવવાની કેટલીક ફોર્મ્યુલા
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મોના નિર્માણને ૧૦૦ વર્ષ થઈ ગયા છે. આ સો વર્ષોમાં સેંકડો લોકોએ પોતાની ફિલ્મોને સફળ બનાવવા માટેના કેટલાક ફોર્મ્યુલા બનાવ્યા છે અને તેને અજમાવ્યા પણ છે. કેટલાક ફોર્મ્યુલા એકાદ ફિલ્મ સુધી જ ચાલ્યો હતો, પરંતુ કેટલાક ફોર્મ્યુલા એકાદ ડઝન ફિલ્મો સુધી ચાલ્યા હતા. કેટલાક ફોર્મ્યુલા થોડા-થોડા વર્ષો બાદ આજે પણ અપનાવવામાં આવી રહ્યા છે. આમ તો કોઈ એક સફળ ફોર્મ્યુલા આજ સુધી બની શક્યો નથી, આમ છતાં કેટલાક લોકપ્રિય ફોર્મ્યુલા નીચે મુજબ છે-
———–
બદલા (રિવેન્જ)ની ફોર્મ્યુલા
અત્યાર સુધીમાં ફિલ્મ ઉદ્યોગમાં જેટલા ફોર્મ્યુલા લઈને નિર્માતાઓ ચાલ્યા છે તેમાં સૌથી રામ-બાણ ફોર્મ્યુલા સિદ્ધ થયો છે બદલાનો ફોર્મ્યુલા. આ બધા ફોર્મ્યુલાનો બાપ નીકળ્યો છે. જે ફિલ્મમાં જુઓ તેમાં દરેક વ્યક્તિ કોઈ-ને-કોઈની સાથે બદલો લેતો જોવા મળે છે. લોકો ક્ષમા અને અહિંસાની વાતોને ભૂલી ગયા છે. મૂક્કા અને ગોળીઓની ભરમાર વાળી ફિલ્મો પર દર્શકો તૂટી પડ્યા. ગૌતમ અને ગાંધીનો દેશ ફિલ્મોની સૃષ્ટિમાં સંપૂર્ણ રીતે હિંસક બની ગયો.
આજે એકાદ ફિલ્મને છોડી દેવામાં આવે તો ૯૯.૯ ટકા ફિલ્મો બદલાના ફોર્મ્યુલા પર તૈયાર થઈ રહી છે. આ ફિલ્મોની શરૂઆત કઈ ફિલ્મથી થઈ તેની ચોક્કસ માહિતી તો નથી મળતી, પરંતુ ‘જંજીર’ ફિલ્મ બદલાના ફોર્મ્યુલાની ગંગોત્રી માનવામાં આવે છે. તેમ જ અમિતાભ બચ્ચન આવી ફિલ્મોના ભગીરથ માનવામાં આવે છે.
————
મિક્સ ભાજી ફોર્મ્યુલા
એક નિર્માતા જેનો કોઈ ફોર્મ્યુલા નથી હતો તેનો એક જ ફોર્મ્યુલા હોય છે, મિક્સ ભાજી ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા પણ છે અને નથી પણ. ન અહીં, ન ત્યાં. એકદમ મધ્યમમાર્ગી, ભારતીય દર્શનની જેમ જ બધી વસ્તુનું મિક્સચર. જેવી રીતે મિક્સ ભાજીમાં બધાં જ શાકભાજી પડે છે, તેવી જ રીતે મિક્સ ભાજી ફિલ્મમાં બધા જ ફિલ્મી સત્ત્વ નાખવામાં આવતા હોય છે. રોમાન્સ, માર-ધાડ, નૃત્ય, સંગીત, કોમેડી વગેરે વગેરે..
આવી ફિલ્મો હિટ પણ થતી નથી, પરંતુ ડૂબતી પણ નથી. એક નિર્માતાને બેઠા-બેઠા એવી ધુનકી ઉપડે કે ચાલો ફિલ્મ બનાવીએ તો એક મિક્સ ભાજી ફિલ્મ બનાવી નાખવામાં આવે છે. આવી ફિલ્મોના દર્શકો પણ આવા જ હોય છે. શનિવારની સાંજે અચાનક એક પરિવારને ધુન ચડે કે ચાલે એક ફિલ્મ જોઈ આવીએ અને પછી તેઓ આવી જ એકાદ મિક્સ ભાજી ફિલ્મ જોઈ લેતા હોય છે.
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)