સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
(ભાગ-૨)
પરિસ્થિતિમાં રહેલું અંતર ગીતો વગર ભારતીય ફિલ્મોની કલ્પના પણ કરી શકાતી નથી. ફિલ્મમાં વાર્તા હોય કે ન હોય તો પણ એક વખત કામ ચાલી જશે, પરંતુ ગીતો વગરની ફિલ્મ એક ડગલું પણ ભરી શકતી નથી. અત્યાર સુધીમાં અજમાવવામાં આવેલી ગીતો માટેની અલગ અલગ પરિસ્થિતિઓ નીચે મુજબ છે.
———–
યુગલ ગીત
યુગલ ગીતો ભારતીય ફિલ્મોનું એક અનિવાર્ય અંગ છે. ફિલ્મમાં વાર્તા હોય કે ન હોય, યુગલ ગીત ચોક્કસ હોય છે. જેને નાયક અને નાયિકા, ક્યારેક દોડતા-ભાગતા, ક્યારેક ઊભા-ઊભા, તો ક્યારેક કુસ્તી લડતાં, કોઈ બગીચામાં, ક્યાંક વેરાન જગ્યાએ અથવા તો છત પર ઊભા રહીને ગાતા હોય છે. નાયક-નાયિકા જો વિદ્યાર્થી દર્શાવવામાં આવ્યાં હશે તો પછી કોલેજનું કમ્પાઉન્ડ તેમના યુગલ ગીત માટેની શ્રેષ્ઠ જગ્યા છે. હવે એ દિવસો દૂર નથી જ્યારે નાયક-નાયિકા ક્લાસ રૂમમાં શિક્ષકની હાજરીમાં યુગલ ગીતો ગાશે.
જ્યારે નાયક અને નાયિકા કોલેજમાં યુગલ ગીત ગાતાં હશે તો કોલેજના બાકીનાં છોકરા-છોકરીઓ તેમને ભરપૂર સાથ આપતા હોય છે. ‘અરે બેવકૂફ, તમે કેમ બેગાની શાદીમેં અબ્દુલ્લા દીવાના બની રહ્યાં છો! તમે તો ક્લાસમાં જઈને બેસો, થોડું ભણતર-ગણતર કરો. તમારા બાપના ફીના પૈસા બેકાર જઈ રહ્યા છે.’
જ્યારે કોઈ બગીચામાં યુગલ ગીત ગવાતું હોય ત્યારે બગીચામાં નાયક-નાયિકા સિવાય કોઈ હોતું નથી. બધા પાસેથી બગીચો ખાલી કરાવી લેવામાં આવતો હોય છે, કેેમ જાણ બગીચો એમના બાપનો ન હોય!
આવાં યુગલ ગીતોનો મુખ્ય સૂર કે વિષય હોય છે ‘સાથ જિએંગે-સાથ મરેંગે’ અરે ભાઈ, સાથે જીવવાની વાત તો સમજમાં આવે છે, પરંતુ સાથે મરવાની વાત થોડી જામી નહીં. તારે મરવું જ હોય તો મર, એને સાથે લઈને કેમ મરવું છે? તું એનો પ્રેમી છે કે પછી દુશ્મન.
————-
સોલો ગીત
સોલો ગીત એટલે એવું ગીત જે નાયક અથવા નાયિકામાંથી કોઈપણ એક વ્યક્તિ દ્વારા કે પછી અન્ય કોઈ દ્વારા એકલું ગાવામાં આવ્યું હોય. જ્યાં સુધી અન્ય કોઈની વાત છે તો જ્યાં સુધી ફિલ્મમાં નાયક અને નાયિકા હાજર છે ત્યાં સુધી સોલો ગીત ગાવા માટે બીજા કોઈનો વારો આવી શકતો નથી. જો કોઈ અન્ય વ્યક્તિ સોલો ગીત ગાવાની હોય તો નાયક-નાયિકાને શું જખ મારવા માટે ફિલ્મમાં રાખવામાં આવ્યાં છે?
સોલો ગીત ગાવું એ ઘણા ગૌરવ અને સન્માનની વાત માનવામાં આવે છે. એક વ્યક્તિ ગાઈ રહ્યો છે, આખી દુનિયા સાંભળી રહી છે. નાયકને નાયક બનાવવામાં તેમ જ નાયિકાને નાયિકા બનાવવામાં સોલો ગીતનું ઘણું યોગદાન હોય છે. હજી હમણાં તો એકે બીજાને જોયા, એકે બીજાને પસંદ પણ કરી નાખ્યું અને બીજી જ ક્ષણે ગીતના બોલ તૈયાર. ગીતો સાંભળીને ભલો-ભોળો દર્શક ગીત ગાનારા કે પછી ગાનારી પર ન્યોછાવર થઈ જાય છે. તેની પ્રતિભાથી અભિભૂત થઈ જાય છે.
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)ઉ