ભુવનેશ્વરઃ ઓડિશાના આરોગ્ય પ્રધાન નાબા કિશોર દાસનું નિધન થયું છે. આજે બપોરના એક વાગ્યાના સુમારે ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર ગાંધી ચૌક ખાતે એક પોલીસે તેમના પર ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ તેમને વધુ સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાતના હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોગ્ય પ્રધાનને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
રવિવારે એક કાર્યક્રમમાં જવા જઈ રહ્યા હતા ત્યારે એક પોલીસ કર્મચારીએ તેમના પર બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. તેમની છાતીમાં મારવામાં આવેલી બંદૂકની ગોળીથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવ અંગે હાજર રહેનારા લોકોએ કહ્યું હતું કે ઘાયલ અવસ્થામાં તેમને એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન નવીન પટનાયક હોસ્પિટલમાં જઈને પણ તેમની ખબર કાઢી હતી. બપોરે તેમના આરોગ્ય અંગે પણ હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું.
ડો. દેબાશીષ નાયકના નેતૃત્વમાં ડોક્ટરની એક ટીમે તાત્કાલિક તેમની સારવાર કરી હતી. ઓપરેશન વખતે તેમના શરીરમાંથી એક ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું હતું, જે તેમના હૃદય અને ડાબા ફેફસામાં વાગી હતી, તેનાથી સૌથી વધારે લોહી વહી ગયું હતું.
આરોગ્ય પ્રધાનના નિધન અંગે મુખ્ય પ્રધાન નવીન પટનાયકે શોક વ્યક્ત કર્યો હતો. ઓડિશાના આરોગ્ય ખાતાના પ્રધાન નબકિશોર દાસ પર ફાયરિંગના કેસમાં વધુ તપાસ માટે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. સાત પોલીસ અધિકારીની આગેવાની હેઠળ તપાસ કરવામાં આવશે, જ્યારે આ ટીમનું નેતૃત્વ ડીએસપી રમેશ ડોરા કરી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પ્રધાનને ગોળી મારનારા એએસઆઈ ગોપાલ દાસની પત્ની જયંતી દાસે કહ્યું હતું કે તેઓ માનસિક રીતે અસ્થિર હતા તથા તેમની સારવાર ચાલુ હતી.