કોલકત્તા: કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ભારતનો શ્રીલંકા સામે ચાર વિકેટે વિજય થયો હતો. શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે તેને ૩૯.૪ ઓવરમાં ૨૧૫ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ ૪૩.૨ ઓવરમાં છ વિકેટે ૨૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ વન-ડે મેચની સીરિઝમાં ૨-૦ની અજેય લીડ મેળવી હતી. હવે ત્રીજી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય ટીમની જીતનો હીરો કેએલ રાહુલ રહ્યો હતો જેણે અણનમ ૬૪ રન બનાવ્યા હતા. કેએલ રાહુલે પોતાની ઈનિંગ્સમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. ૮૬ રનમાં ચાર વિકેટ પડી ગયા બાદ કેએલ રાહુલે સ્થિતિ સંભાળી હતી. તેણે હાર્દિક પંડ્યા સાથે પાંચમી વિકેટ માટે ૭૫ રનની ભાગીદારી કરી હતી. હાર્દિક ૫૩ બોલમાં ૩૬ રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી રાહુલને અક્ષર પટેલનો સાથ મળ્યો હતો. તે બંનેએ છઠ્ઠી વિકેટ માટે ૩૦ રનની ભાગીદારી કરી હતી. કેએલ રાહુલ ૧૦૩ બોલમાં ૬૩ અને કુલદીપ યાદવે ૧૦ બોલમાં ૧૦ રન બનાવીને અણનમ રહ્યા હતા.
અગાઉ ભારતની શરૂઆત સારી રહી ન હતી. ૮૬ રન સુધીમાં તેના ચાર બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન રોહિત શર્મા ૧૭, શુભમન ગિલ ૨૧, વિરાટ કોહલી ચાર અને શ્રેયસ અય્યર ૨૮ રન બનાવીને આઉટ થયા હતા. શ્રીલંકા તરફથી લાહિરુ કુમારા અને કરુણારત્નેએ બે-બે વિકેટ ઝડપી હતી. તે સિવાય રજિથા અને ધનંજયને એક-એક વિકેટ મળી હતી.
અગાઉ શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાની ટીમ ૩૯.૪ ઓવરમાં ૨૧૫ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડો અને નુવાનીડુ ફર્નાન્ડો ઓપનિંગ કરવા આવ્યા હતા. અવિષ્કા અને નુવાનીડુ વચ્ચે સારી ભાગીદારી થઇ હતી. દરમિયાન મોહમ્મદ સિરાજે ખતરનાક બોલિંગ કરતા અવિષ્કાને પેવેલિયન મોકલી દીધો હતો. તે ૧૭ બોલમાં ૨૦ રન બનાવીને આઉટ થયો હતો. નુવાનીડુ અડધી સદીની ઇનિંગ બાદ આઉટ થયો હતો. વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસ ૩૪ બોલમાં ૩૪ રન બનાવીને આઉટ થયો હતો.
ધનંજય ડી સિલ્વા ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. અક્ષર પટેલે તેને પેવેલિયનમાં મોકલ્યો હતો. ચરિથ અસલંકા ૨૧ બોલમાં ૧૫ રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન દાસુન શનાકા પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો. તે માત્ર ૨ રન બનાવીને આઉટ થયો હતો. વાનિન્દુ હસરંગાએ ૧૭ બોલમાં ૨૧ રન બનાવ્યા હતા. ચમિકા કરુણારત્ને માત્ર ૧૭ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ડ્યુનિથ વેલાલાગે ૩૪ બોલમાં ૩૨ રન બનાવીને આઉટ થયો હતો. કસુન રાજિથા ૨૧ બોલમાં ૧૭ રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે ૩ ચોગ્ગા પણ ફટકાર્યા હતા.
ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવે ૩ વિકેટ ઝડપી હતી. તેણે ૧૦ ઓવરમાં ૫૧ રન આપ્યા હતા. મોહમ્મદ સિરાજે ૫.૪ ઓવરમાં ૩૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી. ઉમરાન મલિકે ૨ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલને પણ સફળતા મળી હતી. મોહમ્મદ શમીને એક પણ વિકેટ મળી ન હતી.