નવી સંસદનું ઉદ્ઘાટન: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નવા સંસદભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના નિર્ણય માટે કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. આસામ પહોંચેલા અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનું વલણ નકારાત્મક છે. પીએમ મોદી દેશને નવી સંસદ આપવાનું કામ કરી રહ્યા છે, તેમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષો રાજનીતિ કરી રહ્યા છે અને ફક્ત તેઓ રાષ્ટ્રપતિનું નામ લઈને બહાના કરી રહ્યા છે.
હું કોંગ્રેસ સાથે ચાલનારાઓને કહેવા માંગુ છું કે જો તમે તેમની સાથે ચાલશો તો તમે તેમના જેવા બની જશો. દેશની જનતાએ નરેન્દ્ર મોદીને બે તૃતિયાંશ બહુમતીથી વડા પ્રધાન તરીકે ચૂંટ્યા હતા. દેશ કોંગ્રેસ પર નિર્ભર રહેશે નહીં. પીએમ મોદી જ્યારે પણ કોઈ કાર્યક્રમ કરે છે ત્યારે આ લોકો બહિષ્કારનું કામ કરે છે. તમે શું કરો છો તે ભારતના લોકો જોઈ રહ્યા છે. આગામી વખતે પણ આટલી બેઠકો નહીં આવે. ત્યારે મોદીજી 300થી વધુ સીટ સાથે ત્રીજી વખત વડા પ્રધાન બનશે, એવું અમિત શાહે જણાવ્યું હતું.
આસામમાં હિમંતા બિસ્વા સરમાની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટી સરકારના બે વર્ષ પૂર્ણ થવાના અવસર પર ત્રણ કાર્યક્રમમાં હાજરી આપવા અમિત શાહ આસામની એક દિવસીય મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેમણે ગુવાહાટીમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો.
ગુવાહાટીમાં 44,703 યુવાનને નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે પીએમ મોદીએ આસામમાં વિકાસના નવા યુગની શરૂઆત કરી, જ્યાં મહિનાઓ સુધી કર્ફ્યુ અને ફાયરિંગ થતા હતા. એક લાખ યુવાનોને સરકારી નોકરી એ દર્શાવે છે કે આસામના લોકો આજે શાંતિ અને વિકાસ ઈચ્છે છે. આસામમાં ભત્રીજાવાદનો અંત આવ્યો છે, પીએમ નરેન્દ્ર મોદીની આ વ્યવસ્થામાં યોગ્યતાના આધારે બાબતો નક્કી કરવામાં આવશે.