ઓબીસીનો વીંછીનો દાબડો

ઉત્સવ

*માથે ચૂંટણી હોય ત્યારે ગુજરાતમાં જોખમી ટેસ્ટકેસ

*ઓબીસી સમાજો અને વિપક્ષોની ભીંસમાં સરકાર

*રોહિણી પંચને ૧૩મા મુદતવધારાથી અજંપો વધ્યો

કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને પહેલા ઓબીસી વડા પ્રધાન ગણાવ્યા ત્યારથી દેશમાં ઓબીસીનું રાજકારણ વધુ સક્રિય બન્યું. જોકે પૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવેગૌડાએ પોતે પહેલા ઓબીસી વડા પ્રધાન હોવાનું જણાવ્યું હતું. દેશમાં ઓબીસી-ઓબીસીનું રાજકારણ અત્યારે સોળે કળાએ ખીલેલું છે. ઓબીસી અંગેના રાષ્ટ્રીય કમિશનને શોભાના ગાંઠિયાની જેમ બંધારણીય હોદ્દો મળ્યો તો ખરો; પણ એનું કામકાજ લગભગ બંધ પડ્યું છે. દિલ્હી હાઈ કોર્ટનાં નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ રોહિણીની અધ્યક્ષતામાં પાંચ વર્ષ પહેલાં નિયુક્ત કરાયેલા ઓબીસી પેટા-વર્ગીકરણ આયોગને હજુ આ સપ્તાહે જ છ મહિનાનો ૧૩મો મુદતવધારો અપાયો. એનો અહેવાલ નહીં આવે અને એનો નિર્ણય નહીં થાય ત્યાં લગી કેન્દ્રના ઓબીસી કમિશનમાં રાજ્યોમાં ઓબીસી યાદીમાં સમાવાયેલાઓને કેન્દ્રીય યાદીમાં સ્થાન નહીં અપાય, એવું ગુજરાતના ઓબીસી આગેવાન હરિભાઈ ચૌધરી કહી રહ્યા છે. હવે રાજ્યો અને કેન્દ્રની ઓબીસી યાદી એક જ બનવાની છે, પણ ક્યારે એ તો સત્તાધીશો જાણે. વર્ષ ૨૦૧૦ના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ઓબીસી અંગે કમિશન નિયુક્ત કરવાનું ગુજરાતમાં સરકાર ભૂલી ગઈ કે જાણી જોઈને એ કામ ટાળ્યું એટલે હજારો પંચાયતોની ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠકો સામાન્ય બેઠકોમાં ફેરવવાના રાજ્ય ચૂંટણી પંચના નિર્ણયની જાહેરાત સાથે જ રાજ્ય સરકાર માટે મોટી મૂંઝવણ સર્જાઈ. વિપક્ષ સક્રિય થતાં સરકારે તત્કાળ ગુજરાત હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કલ્પેશ ઝવેરીની અધ્યક્ષતામાં આ માટે કમિશન નિયુક્ત કરવું પડ્યું છે. ઓબીસી તો અમારા ડીએનએમાં છે એવો દાવો કરનારા પક્ષને આટલી મોટી ચૂક ડિસેમ્બર, ૨૦૨૨ની ચૂંટણીમાં ભારે પડે તેમ છે. ગુજરાતમાં ૫૪% મતદારો ઓબીસીના છે. એમને અનામતલાભ આપવામાં કે બજેટ ફાળવવામાં તેમ જ સરકારમાં મહત્ત્વનાં મંત્રીપદ આપવામાં અન્યાય થતો હોવાની ભાવના ગમે ત્યારે ભડાકા કરી શકે છે.
મધ્ય પ્રદેશ-મહારાષ્ટ્ર સક્રિય
આપણે ત્યાં કહેવત છે કે જાગતાંની પાડી અને ઊંઘતાંનો પાડો. નવાઈ તો એ વાતની છે કે હજુ મહિના કરતાં પણ વધુ સમય પહેલાં ગુજરાત સરકારના જ અમદાવાદ ખાતેના જૂના સર્કિટ હાઉસમાં આ લખનારની અધ્યક્ષતામાં જ ઓબીસી એકતા પરિષદના વેરસી ગઢવી અને હરિભાઈ ચૌધરીએ યોજેલી ઓબીસી માટેના બજેટની ચર્ચા યોજી હતી. એ માટે આવેલા પુણેનિવાસી અને આયોજન પંચના સલાહકાર રહેલા પ્રા. ડો. હરિ નરકેએ ચેતવણી આપી હતી કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી અનામત ગુમાવવાનો વારો આવશે. તેમણે વર્ષ ૨૦૧૦ના સુપ્રીમ કોર્ટના ચુકાદા અને મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશ અંગેના પણ સુપ્રીમના આ અંગેના ચુકાદાઓની છણાવટ કરી હતી છતાં રાજ્ય સરકાર જાગી નહોતી. આની સામે મધ્ય પ્રદેશના ભાજપી મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોતે ઓબીસી હોવાના કારણે અને ચૂંટણી ભણી નજર રાખીને સ્થાનિક સ્વરાજની ઓબીસી બેઠકો સામાન્યમાં ફેરવાઈ જતી લાગી કે તત્કાળ સંબંધિત ઓબીસી પંચની નિમણૂક કરી અને સુપ્રીમે જઈને ઓબીસી અનામત બચાવી લીધી. મહારાષ્ટ્રમાં ભાજપના બ્રાહ્મણ નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે હોદ્દો ગ્રહણ કરતાંની સાથે જ સૌથી પહેલી બેઠક બોલાવીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત જળવાઈ રહે એ માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાનું પસંદ કર્યું. ગુજરાત સરકાર આ બાબતમાં થોડી ઊણી ઊતરી અથવા પ્રા. નરકેના શબ્દોમાં કહીએ તો ઓબીસી અનામત દૂર કરવા માટેના ટેસ્ટકેસ કરવા કામે વળી હતી. કાં સરકારને અધિકારીઓએ ગેરમાર્ગે દોરી હોય. જોકે ઓબીસી સમાજોમાં જે ઊહાપોહ મચ્યો એ જોતાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તત્કાળ સંબંધિત ઓબીસી આયોગ નિયુક્ત કરવાનું પગલું ભર્યું છે. હવે આગળ ઉપર શી કાર્યવાહી કરે છે એ જોવાનું છે.
ઓબીસીના નામે રાજકારણ
બંધારણ સભાએ અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિઓ (એસટી) માટે અનામતની જોગવાઈ કરવાની સાથે જ અન્ય પછાતો (અધર બેકવર્ડ એટલે કે ઓબીસી કે પછી સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાતો) માટે પણ આવી વિશેષ જોગવાઈ કરવાનું પસંદ કર્યું હતું. જોકે નેહરુ યુગમાં પ્રથમ ઓબીસી કમિશન સવાઈ ગુજરાતી સાંસદ કાકાસાહેબ કાલેલકરના વડપણ હેઠળ રચાયું. એનો અહેવાલ અભેરાઈએ ચડ્યો. બીજું, ઓબીસી કમિશન બી. પી. મંડળના અધ્યક્ષપદે મોરારજી દેસાઈની સરકારે નિયુક્ત કર્યું, ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં એનો અહેવાલ આવ્યો. એમણે એને અભેરાઈએ ચડાવ્યો. જોકે વી. પી. સિંહના શાસનકાળમાં ભાજપ થકી કમંડળનું રાજકારણ શરૂ થયું ત્યારે સિંહે મંડળના અહેવાલ પરથી ધૂળ ખંખેરીને ૨૭ % અનામત અન્ય પછાત વર્ગોને આપવાની ઘોષણા કરી. મંડળ પંચના અહેવાલમાં આ ઉપરાંત પણ ઘણી ભલામણો હતી. મામલો રાષ્ટ્રીય સ્તરે રમખાણો અને સુપ્રીમમાં વિવાદનો બન્યો. છેવટે ૧૬ નવેમ્બર, ૧૯૯૨ના રોજ સુપ્રીમે ઇન્દિરા સાહની કેસમાં ચુકાદો આપ્યો. વર્ષ ૧૯૩૧માં જાતિ આધારિત વસ્તીગણતરીના આંકડા મુજબ દેશની ૫૨% ઓબીસી વસ્તીને ૨૭ % અનામત મંજૂર તો કરાઈ, પણ એને અનેક શરતોએ બાંધી. ક્રીમી લેયરનો ખ્યાલ એમાં ખાબક્યો. એક તો ઓબીસીને અનામત દાયકાઓના વિલંબ બાદ મળી અને એમાંય પાછું એક લાખ રૂપિયા કરતાં જે ઓબીસી પરિવારોની આવક ઓછી હોય તેમને જ આ અનામતનો લાભ મળે એવું ઠરાવાયું. મોદી સરકારે ક્રીમી લેયરની આવક મર્યાદા એટલી બધી વધારી કે સામાન્ય ઓબીસી પરિવારનો વારો ક્યારે આવે એ પ્રશ્ર્ન થાય છે. વર્ષે ૮ લાખ કે મહિને ૬૬,૦૦૦ રૂપિયા જેની આવક હોય એનેય એનો લાભ મળે.
જનગણના વિના વર્ગીકરણ
ભાજપની માતૃસંસ્થા આરએસએસ ઓબીસી વસ્તીગણતરીનો વિરોધ કરે છે. એના વિરોધ છતાં વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી માટે ઓબીસીની વસ્તીગણતરી કરવા સંદર્ભે તત્કાલીન વડા પ્રધાન કોંગ્રેસના ડો. મનમોહન સિંહના વડપણ હેઠળની સરકારની દરખાસ્તને ભાજપે ટેકો આપ્યો હતો. જોકે એ વેળાની વસ્તીગણતરીમાંના ઓબીસીના આંકડા આ જ દિવસ સુધી સત્તાવાર રીતે જાહેર કરાયા નથી. હવે કેન્દ્રમાં ભાજપના નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર હોવાથી એણે વર્ષ ૨૦૨૨ની વસ્તીગણતરીમાં ઓબીસી જનગણના નકારી કાઢી છે. બિહારમાં ભાજપ મિત્રપક્ષ જેડી (યુ) સાથે સત્તામાં છે. મુખ્ય મંત્રી નીતીશકુમાર ઓબીસી જનગણના કરાવવાના આગ્રહી રહ્યા છે. નવાઈ એ વાતની છે કે બિહારનું જે સર્વપક્ષી પ્રતિનિધિમંડળ વડા પ્રધાન મોદીને ઓબીસી માટેની વસ્તીગણતરી કરવાની માગણી કરવા મળ્યું હતું એમાં ભાજપનો પણ સમાવેશ હતો. ઘણી વાર ભાજપ જે પાણીએ મગ ચડે એ માટે તૈયાર હોય છે. હવે જસ્ટિસ રોહિણી કમિશન પાસે ઓબીસીના આંકડા છે એવું જ્યારે પ્રા. હરિ નરકે કહે છે ત્યારે ભાજપના નેતાઓ અને સરકાર એને નકારે છે. જો એ ન હોય તો કયા આધારે એમ કહેવાય છે કે ઓબીસીમાંના ૫,૦૦૦ -૬,૦૦૦ વર્ગો કે જાતિઓમાંથી માત્ર ૪૦ જ કેન્દ્રીય શિક્ષણ અને રોજગારમાં ૫૦ % જેટલો હિસ્સો ધરાવે છે? હકીકતમાં આ કમિશનમાં જસ્ટિસ રોહિણી ઉપરાંત સંઘનિસ્ટ ડો. જે. કે. બજાજ સાથે એન્થ્રોપોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયામક અને વસ્તીગણતરીના રજિસ્ટ્રાર જનરલ અને કમિશનર પણ છે. વસ્તીગણતરી (સેન્સસ)ના કમિશનર પાસે ઓબીસી અંગેના તમામ આંકડા છે. માત્ર પ્રજાને જ એ જણાવાતા નથી. કારણ બહુ સ્પષ્ટ છે: ઓબીસીની ૫૪ % જેટલી વસ્તી છે એટલે એ વસ્તીના પ્રમાણમાં અનામત માગે એ સ્વાભાવિક છે. સુપ્રીમ કોર્ટમાં ઇન્દિરા સાહની કેસ ચાલતો હતો ત્યારે અનામતની ટોચમર્યાદા ૫૦ %ને વટાવે નહીં એ અભિપ્રેત હતું. હવે તો વડા પ્રધાન મોદીની સરકારે બંધારણીય સુધારો કરીને આ મર્યાદા તોડી જ નાખી છે ત્યારે ઓબીસીને માત્ર ૨૭ %માં સીમિત રાખવાના પ્રયાસો સામે વિરોધ સર્જાય એ સ્વાભાવિક છે. મોટા ભાગનાં રાજ્યોમાં અનામતની ટકાવારી ૮૦ %ને ઓળંગી ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં દાયકાઓથી આની સામેના ખટલા વિચારાધીન પડ્યા છે. અનામત અનામતનો આ રાજકીય ખેલ માત્ર વીંછીનો જ નહીં, કોબ્રાનો દાબડો ખોલીને દેશને ફરીને અજંપાભરી સ્થિતિમાં લાવી મૂકે એવી આશંકા જાગ્યા વિના રહેતી નથી.
*********************
તિખારો
જઠરાગ્નિ
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા!
રચો, રચો ચંદનવાટિકાઓ,
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા રચો ભલે!
અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે!
– ઉમાશંકર જોશી (વીસાપુર જેલ: ૧૯૩૨)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.