૧૯૩૧માં બોલપટની શરૂઆત થયા પછી ૧૯૪૦ના દાયકામાં પ્રભુ પ્રીતિ ઓછી અને પારિવારિક પ્રેમમાં વધારો થતો જોવા મળ્યો. ૮૦ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મોમાંથી ૨૫ ટકા ગુજરાતી દિગ્દર્શકોએ બનાવી હતી
હેન્રી શાસ્ત્રી
૧૯૩૧માં પહેલું બોલપટ ‘આલમ આરા’ રિલીઝ થયું એ પહેલા ૧૯૨૦ – ૩૦ના દાયકામાં જે મૂંગી ફિલ્મો બનતી હતી એમાં ધાર્મિક ચિત્રપટ તરીકે ઓળખાતી માઈથોલોજિકલ (પૌરાણિક), ડિવોશનલ (ભક્તિભાવ) અને રિલિજિયસ (ધાર્મિક આસ્થા)ની ભરમાર રહેતી. એ સમયમાં ૫૦ ટકાથી વધુ ધાર્મિક ફિલ્મો બની હોય એની નવાઈ નહોતી લાગતી. બ્રિટિશ શાસન હેઠળ ગુલામી અનુભવતા નાગરિકોમાં કદાચ એવી માન્યતા બંધાઈ હશે કે ‘ઈશ્ર્વરીય ચમત્કાર’ તેમને બંધનમાંથી મુક્ત કરશે અને એટલે શ્રદ્ધાથી ધાર્મિક ચિત્રપટ જોવા દોડતા હશે. ૧૯૩૧ – ૪૦ દરમિયાન પણ ધાર્મિક ચિત્રો બનતાં રહ્યાં પણ તેમની સંખ્યા ઘટવા લાગી અને ૧૯૩૫ પછી સામાજિક પિક્ચર તરીકે ઓળખાતી સોશિયલ ફિલ્મોનું ચલણ વધવા લાગ્યું. ૧૯૪૨ – ૪૩માં રિલીઝ થયેલા ધાર્મિક ચિત્રપટની સંખ્યા ૨૦થી પણ ઓછી હતી જ્યારે સામાજિક ચિત્રપટનો આંકડો છલાંગ મારી ૧૨૫થી ઉપર પહોંચી ગયો હતો. પ્રભુ પ્રીતિમાં ઓટ આવી અને પરિવાર માટેના પ્રેમમાં ભરતી જોવા મળી. આજથી ૮૦ વર્ષ પહેલા એટલે કે ૧૯૪૩માં બનેલી ફિલ્મોનું જાણવા જેવું સરવૈયું વૈવિધ્યપૂર્ણ વાચનસામગ્રીને આવકારતા અને માણતા ‘મુંબઈ સમાચાર’ના સજાગ વાચકો માટે ખાસ રજૂ કર્યું છે.
+ મૂંગી ફિલ્મના દોરથી જ ફિલ્મ મેકિંગ સાથે ગુજરાતીઓનો ‘વજનદાર’ નાતો રહ્યો છે. ૧૯૨૦ના દાયકાના પ્રથમ પાંચ વર્ષમાં કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શિત ત્રીસેક ફિલ્મ રિલીઝ થઈ હોવાની નોંધ છે. ૧૯૪૩ની વાત કરીએ તો રિલીઝ થયેલી ફિલ્મોમાંથી ૨૫ ટકા ચિત્રપટના દિગ્દર્શક ગુજરાતી હતા. આ ગૌરવપૂર્ણ યાદીમાં જયંત દેસાઈ ૪ ફિલ્મ સાથે પ્રથમ સ્થાને છે. રણજીત સ્ટુડિયો સાથે સંકળાયેલા જયંત દેસાઈ માટે કહેવાતું કે ચંદુલાલ શાહ ફિલ્મ ડિરેક્ટ કરવા ઉત્સુક ન હોય તેનું દિગ્દર્શન કરવાની જવાબદારી જયંત દેસાઈને સોંપવામાં આવતી હતી. ૮૦ વર્ષ પહેલા તેમણે ડિરેક્ટ કરેલી ચારમાંથી બે ફિલ્મ ‘તાનસેન’ અને ‘બંસરી’ ચંદુલાલ શાહ – રણજીત મૂવિટોનના નિર્માણ હેઠળ બની હતી. એ જ વર્ષે રણજીતમાંથી રાજીનામું આપી શ્રી દેસાઈએ ‘જયંત દેસાઈ પ્રોડક્શન્સ’ હેઠળ નિર્માણ શરૂ કર્યું અને પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી ‘ભક્તરાજ’ અને બીજી હતી ‘ઝબાન’. ૧૯૪૩ની બોક્સ ઓફિસ પર સફળ થયેલી ફિલ્મોની યાદીમાં ‘તાનસેન’ બીજા નંબરે હતી.
+ અન્ય જે ગુજરાતી દિગ્દર્શકોની ફિલ્મ ૧૯૪૩માં આવી હતી એમાં રમણલાલ દેસાઈ, બટુક ભટ્ટ (નાનાભાઈ ભટ્ટ), ચતુર્ભુજ દોશી, નાનુભાઈ વકીલ, વિજય ભટ્ટ, રવીન્દ્ર દવે સહિત પચીસેક ગુજરાતી ડિરેક્ટરના નામ છે. આમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગુજરાતીઓને પહેલેથી જ પ્રિય રહી છે. ‘ખ્વાબ કી દુનિયા’ (૧૯૩૭)થી ફિલ્મ જગત સાથે સંકળાયેલા વિજય ભટ્ટની એકમાત્ર ફિલ્મ ‘રામરાજ્ય’ ૧૯૪૩માં રિલીઝ થઈ હતી. ગાંધીજીએ જોયેલા ચિત્રપટ તરીકે જેનો અગણિત વાર ઉલ્લેખ થયો છે એવી આ ફિલ્મને વ્યાવસાયિક સફળતા મળી હતી અને કમાણીની દ્રષ્ટિએ ૧૯૪૩માં ત્રીજા નંબરે રહી હતી. ૧૯૪૩માં પદાર્પણ કર્યા પછી હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં શાનદાર સફળતા મેળવનાર રવિન્દ્ર દવેની પહેલી અને એકમાત્ર ફિલ્મ ‘પૂંજી’ પણ ૧૯૪૩માં જ રિલીઝ થઈ હતી. એ સમયના ખૂબ જ જાણીતા અને સાહસિક ફિલ્મમેકર દલસુખ પંચોળીએ આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું અને દિગ્દર્શક તરીકે રવીન્દ્ર દવે ઉપરાંત શ્રી પંચોળીના ભત્રીજા વિષ્ણુ આર. પંચોળીનું પણ નામ છે. પિતાને પુનર્લગ્ન કરતા અટકાવવા મથતી ત્રણ બહેનો ફરતે કથા આકાર લે છે. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી.
+ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ૧૯૪૩નું વર્ષ એક કારણસર સીમાચિહ્ન ગણાય છે. ફોર્મ્યુલા ફિલ્મના દોરને વેગ આપવા માટે જાણીતા જ્ઞાન મુખરજી દિગ્દર્શિત અને અશોક કુમારના ડબલ રોલવાળી ‘કિસ્મત’ એક કરોડનો વકરો કરનારી પહેલી હિન્દી ફિલ્મ સાબિત થઈ. કેટલાક અભ્યાસુઓના અભિપ્રાય અનુસાર ‘કિસ્મત’ની સફળતા પછી ‘ખોવાઈ ગયો – મળી ગયો’ (લોસ્ટ એન્ડ ફાઉન્ડ) શૈલીની ફિલ્મોમાં ઉછાળો આવ્યો. અશોક કુમાર એ સમયના નંબર વન સ્ટાર હતા, પણ આ ફિલ્મમાં તેમણે એન્ટી હીરોનો રોલ કર્યો હતો. ફિલ્મનું કવિ પ્રદીપ લિખિત ‘દૂર હટો અય દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ’ દેશ આખાના હોઠ પર રમતું થઈ ગયું હતું. એક આડવાત. ગુરુ દત્તએ શરૂઆતમાં તાલીમ જ્ઞાન મુખરજી પાસે જ લીધી હતી.
+ ફિલ્મ ‘તકદીર’નો પણ ઉલ્લેખ કરવો જોઈએ. છ વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે ‘તલાશ -એ – હક’ (૧૯૩૫)માં કામ કરનાર અલાયદી અભિનેત્રી નરગીસ ‘તમન્ના’ (૧૯૪૨)માં હતાં પણ એની હિરોઈન લીલા દેસાઈ હતાં. ‘તકદીર’ નરગિસની હિરોઈન તરીકે પ્રથમ ફિલ્મ ગણાય છે. વ્યાવસાયિક સફળતા મેળવનાર આ ફિલ્મમાં ૧૪ વર્ષની નરગિસ સામે હીરો હતા ૩૩ વર્ષના મોતીલાલ. ‘તકદીર’ના દિગ્દર્શક હતા મેહબૂબ ખાન જેમની ‘મધર ઈન્ડિયા’માં રાધાની અવિસ્મરણીય ભૂમિકા નરગિસજીએ નિભાવી હતી.
————-
રાજા ભરથરી: નામ એક છ ફિલ્મ
સત્યવાન – સાવિત્રીની જેમ રાજા ભર્તૃહરિ – ભરથરી પણ ફિલ્મમેકરોને ગમતું પાત્ર રહ્યું છે. ઉત્તર ભારતના રાજા ભરથરીને રાણી પિંગળા માટે અનહદ પ્રેમ હોય છે. પિંગળાના પ્રેમમાં ગળાડૂબ રાજાને કોઈ ઘટનાથી સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે છે અને ભર્તૃહરિ ભગવાન શંકરની સાધનામાં લાગી જાય છે. આ કથાવસ્તુને કેન્દ્રમાં રાખી એક મૂંગી , એક ગુજરાતી અને ચાર હિન્દી ફિલ્મ બની છે. ૧૯૨૨માં બનેલી મૂંગી ‘ભર્તૃહરિ’નું દિગ્દર્શન પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો એ પહેલી ભારતીય ફિલ્મ ‘ભક્ત વિદુર’ના નિર્માતા દ્વારકાદાસ સંપત સાથે ફિલ્મ કંપની બનાવનાર સદાશિવ નારાયણ પાટણકરે કર્યું હતું. એકમાત્ર ગુજરાતી ફિલ્મ ‘રાજા ભરથરી’ ૧૯૭૩માં બની હતી જેનું દિગ્દર્શન ખૂબ જ સફળતા – લોકપ્રિયતા મેળવનાર રવિન્દ્ર દવેએ કર્યું હતું. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી અને સ્નેહલતા એના મુખ્ય કલાકાર હતા. હિન્દીમાં ચાર વખત ’રાજા ભરથરી’ (૧૯૩૨), ‘ભર્તૃહરિ’ (૧૯૪૪), ‘રાજયોગી ભર્તૃહરિ’ (૧૯૫૪) અને ‘પિંગળા ભરથરી’ (૧૯૯૦) નામથી ફિલ્મ બની છે. ૧૯૪૪ની ફિલ્મનું દિગ્દર્શન ચતુર્ભુજ દોશીએ કર્યું હતું અને સુરેન્દ્ર – મુમતાઝ શાંતિ (‘કિસ્મત’ની હિરોઈન) મુખ્ય ભૂમિકામાં હતા.