જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
ધર્મશાળામાં પણ રૂમે રૂમે ટી.વી. ફ્રીજ જેવાં ભૌતિક સાધનોની વ્યવસ્થા માગે છે કોણ?
તીર્થસ્થાનોમાં સ્થાનિક માંસાહારી બેંડવાળા, ઢોલવાળા, બગ્ગીવાળા, ઘોડાવાળાનું પાલન પોષણ કરે છે કોણ?
આ બધા સવાલોનો કોઈ જવાબ હોય તો એક માત્ર એ જ છે “યાત્રિક
શું જોઈને તીર્થસ્થળની પવિત્રતાને ખતમ કરવા આવા લોકો અહીં આવતા હશે? આવા લોકો ઘરે રહે તે જ સૌથી મોટી તીર્થની સુરક્ષા છે. યાત્રિકોને અનુકૂળ સુવિધાઓ કરી આપવા માટે તીર્થની ધર્મશાળાઓના ટ્રસ્ટીઓએ શું શું નથી કર્યું. પરમાત્માની આજ્ઞાને કોરાણે મૂકીને માત્રને માત્ર યાત્રિકોનાં મન ખુશ રાખવા વાતાવરણ ઊભું કર્યું છે. એથી કોણ અજાણ છે. ‘ઓ યાત્રિકો! પવિત્ર ભૂમિ પર જતા હો તો એટલું તો ધ્યાન
રાખજો કે તમારા નિમિત્તે તીર્થની પવિત્રતા ને ક્ષતિવન થાય.’
આ હિમાલય પણ હવે ધીરે ધીરે તીર્થભૂમિ તરીકે વિલીન થઈ રહ્યો છે. ૪૦૦૦ ફૂટ પર બેઠા છીએ પણ હજુ એક પણ પાણીથી ભરેલી નદી જોવા મળી નથી. થોડીક દૂર જઈને અદૃશ્ય થઈ જતા કૃશકાય ઝરણાઓ પણ છેલ્લા શ્ર્વાસ લઈ રહ્યા છે. શું માણસના પાપ એટલા વધી ગયા છે કે કુદરતે પોતાના અચલ સિદ્ધાંતોને પણ ફેરવવા મજબૂર બનવું પડે. ‘ઓ માનવ સાવધાન! વિનાશ તરફ આગળ વધી રહ્યો છે તું, અટકી જા, સમય છે સંભાળી લે… હજુ મોડું નથી થયું,
પાછો વળ.’
ઘડિયાળમાં સવા ચાર થયા હતા, સાંજે વિહારની તૈયારી થઈ ચુકી હતી. મહાત્માઓ ઓઘો બાંધીને સજ્જ થઈ ગયા, ત્યાં તો કાળા ડિબાંગ વાદળોની સાથે મેઘરાજાની સવારી ઊતરી આવી. આકાશમાં હજારો હાથીઓ એક સાથે તોફાને ચડ્યા હોય તેવું દૃશ્ય ઉભું થયું. એક તરફ પવનનું તોફાન એવું જામ્યું કે જે ઝપટમાં આવે તેને આકાશમાં ઊંચે ઉછાળી દે, હિમાલયનું આ તોફાનીરૂપ અમને વિહાર કરવાની જાણે ‘ના’ પાડતું હતું. સાંજનો વિહાર શક્ય હતો જ નહીં. જોત જોતામાં વરસાદ તૂટી પડ્યો. સામે દેખાતા ગિરિશૃંગો વરસાદી પરદામાં અદૃશ્ય થયા. હિમાલયના પહાડોમાં આ રીતે અચાનક વરસાદની પધરામણી સહજ છે. લગભગ ૨ કલાક સુધી એક સરખી વરસાદની ઝડી વરસી. વાતાવરણ ટાઢુંબોળ થઈ ગયું. વરસાદ બંધ થયા પછી સફેદ રૂની પૂણી જેવા વાદળ પગે ચાલીને ડુંગરના ઢોળાવો ચઢતા હતા. એ દૃશ્ય સુંદર હતું. ધવલીમા ધારણ કરનારી રજત રંજિત વાદળી ધોળા ધોળા ધખ રૂના પૂમડા વિખેરતી આભમાં ઊંચે ચઢવાનો પ્રયત્ન કરતી હતી. સાંજ પડી, હવે કંઈ વિહાર થાય નહીં. રાત્રિ વિશ્રામ અહીં જ થયો. વાતાવરણ ઠંડુંગાર થઈ ગયું હતું. પણ સહન થાય તેવું હતું.
વિચારોમાં વળગેલા મનને ચપળ દૃષ્ટિએ ફરી પાછું હિમાલયની ગિરિશૃંખલાઓમાં પરોવ્યું. સંધ્યાકાલિન હિમાલયના નયનરમ્ય દૃશ્યને જોઈને જયંત પાઠકની એક કવિતા યાદ આવી.
ક્ષિતિજની સમથળ ભોંય ઉપર દિશાઓની મજબૂત દીવાલો,
ને પહાડોના અડીખમ ખભાં ઉપર ટેકવેલું-
સૂર્ય, ચંદ્ર, તારાઓના તગતગતા ઝુમ્મરોથી ઝળાહળ ગહન ઘુમ્મટવાળું આ સાતમાળી આકાશ, લો ઝંઝાની એકજ ઝાપટામાં ગંજીપાના મહેલની પેઠે તૂટી પડ્યું હેઠે!
સાચી જ વાત રાત પડી ગઈ છે. દૂર દૂર ૮.૧૦ પહાડી ગામડાઓ દેખાય છે. ગામડાના નાના નાના ટમટમિયા જાગી ગયા છે. અંધારાને ઉલેચવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા એ લાઈટના ગોળા જાણે આકાશ ધરતી પર આવી ગયું હોય એવો આભાસ ઊભો કરે છે.
નાગની
વૈ. વદ ૩, ગુરુવાર, તા. ૩.૦૫.૨૦૧૮
આજ તો આનંદનું ઝરણું ઉભરાયું છે. આજનું વિશ્રામ સ્થળ એક નાનકડા વહેણના કિનારે છે. અને તેય મંદિરમાં. સવારથી નીકળ્યા ત્યારથી આજ તો ઉતરાણ ચાલુ થઈ ગયું હતું. નીચે ઊંડી ખીણમાં એક ગિરિનદી પહાડી છોકરીની જેમ ઉછળતી કૂદતી દોડી જતી હતી. અમે વધુ ને વધુ નીચે ઊતરતા જતા હતા. ગઈ કાલે ચઢાવી ચઢાવીને શિખર સુધી લઈ ગયા. આજે પાછા નીચે, આ રીતે જ જો આવવું હતું તો ચઢાવ્યા કેમ? જો કે આ પ્રશ્ર્ન પૂછવો કોને? હજુ તો આ રીતે કેટલાય પહાડો ઓળંગવાના છે. ઉપર નીચે, નીચે ઉપર જેવી જિંદગીનું સમય વહેંણ ‘કભી ઉપર કભી નીચે; કભી આડા કભી ટેડા, કભી ધૂપ કભી છાંવ, બસ જિંદગી કી રાહ પર ઐસે હી ચલતે રહતે હૈં ઈન્સાન…’ આ હિમગિરીની વચ્ચે એ જ તો સ્થિતિ હતી. રસ્તામાં શંકુ આકારના ચીડના ઝાડનો પાર નથી. ઊંચા ઊંચા ૫૦-૬૦ ફૂટ ઊંચા આ વૃક્ષો આ પર્વતમાળાની શોભામાં હજાર ગણો વધારો કરે છે. ઝાડ તો છે પણ પાંદડાના નામે પતલી લાંબી દાંડીઓ. અને ફળનાં નામે નાના પાઈનેપલ આકારના ફળ, જાણે લાકડાને કોતરીને બનાવેલા હોય તેવા ફળ લાગેલા. વર્ષો પહેલા કેટલીક ઔષધીઓની જાણકારીમાં એક ‘નાગજાળ’ કરીને ઔષધીનો પરિચય થયેલો. જોકે બે વર્ષ પહેલા જ એ ઔષધી જોવા મળી. ચારે બાજુ નાગની સેંકડો ફણાનો એક પિંડ. કહેવાય છે કે આમાંથી ૧ ફણ સાથે રાખવાની સાપ શરીરનો સ્પર્શ ન કરી શકે. એટલે કે નાગજાળની એક ફણ પણ પાસે હોય તો નાગ બાજુમાં ન આવે, એવો એક નાગફણનો પિંડ પ્રાપ્ત થયેલ. એનો પ્રયોગ પણ સફળ થયો હતો.
આજે એવી નાગજાળ અહીં રસ્તાની બંને બાજુ કેટલી બધી પડી હતી. સાથે કલ્પ હતો ૨ જાળ લઈ લીધી. વધારે શું કરવી! જો આ જાળ અહીં છે તો આનાં વૃક્ષો પણ અહીં જ હશે. કેવા હશે આના વૃક્ષ? શું સાવ જમીન પર જ ઊગતા હશે કે મોટા ઝાડ પર હશે. બધા કામે લાગ્યા સંશોધનમાં, છેવટે એ વૃક્ષ મળી ગયું. બીજું કોઈ નહીં ‘ચીડ’ જ હતું. જેનું આખું જંગલ અડાબીડ ભર્યું હતું. તેમાં જ નાગજાળ ફળ રૂપે હતી. પછી તો વૃક્ષ ઉપર જ્યાં જોઈએ ત્યાં આવાં ફળો જોવા મળ્યા. આજુ-બાજુ ક્ષેત્રવાસીઓને આ ફળના ઉપયોગ અંગે પૂછ્યું પણ એમને વિશેષ કાંઈ ખબર ન હતી. અમે અમારા વસતિ સ્થાને પહોંચ્યા. લાભુભાઈ મલકાતા ઊભા જ હતા. એનો અર્થ એ કે બધું બરાબર ગોઠવાઈ ગયું છે. અમે ભરતમંદિર પહોંચ્યા. મંદિરના પૂજારી વિધિપ્રસાદ શર્માએ અમારું અભિવાદન કર્યું. નાનકડો હૉલ તૈયાર જ હતો. અમે ત્યાં રહ્યા. હૉલના મુખ્ય દ્વારથી જ નાનકડો ૨૦-૨૫ ફૂટનો પુલ હતો. નીચેથી નમણું નાજુક વાંકડીયું વહેણ વહી જતું હતું. સામે એક ઝરણું લગભગ ૧૦-૧૨ ફૂટ ઉપરથી ધમધમ પડ્યું હતું. વાતાવરણ આહ્લાદક હતું. અમે તો ડેરો જમાવ્યો વહેણની વચ્ચોવચ્ચ એક વિશાળ શિલાપુત્ર ઉપર. ત્યાં જ જાપ કર્યા, ધ્યાન કર્યું, લગભગ ૨ કલાક સુધી. મજા આવી ગઈ. ડૂબી જવાયું. આજુ બાજુ ઊંચા ઊંચા ગિરિશિખરો અને વચ્ચે આ નિર્મળ કાંચ જળ. આખોય દિવસ ઝરણાનો ધોધ અને વહેણનો કલકલ નાદ
વાતાવરણને સેંકડો મનોરમ સુરાવલીઓથી ભરતું હતું. અને વળી પેલી નાનકડી સોનેરી માછલીઓએ તો તોફાન કરી મૂક્યું. હું જે શિલા પર બેઠો હતો ત્યાં ધીરે ધીરે આવે, જાણે કે અમને કોઈ જોતું નથી અને થોડુંક એની સામું જોઉં તો ઝટ ભાગી જાય. બિલકુલ નાનકડાં બાળકો જેવી. સ્કૂલમાં રહ્યા હોઈએ અને કુતૂહલ વશ બારીમાં ભેગા થયેલ ભૂલકાઓ આપણને ટગર ટગર જોયા કરે અને આપણે તેની સામે જોઈએ તો એકદમ બારીમાંથી અદૃશ્ય જાય એવું જ ચિત્ર આ સ્વર્ણમીન બાલીકાઓએ કરી મુક્યું. હજારો માછલીઓ છે અહીં. અહીંના પૂજારી કોઈને માછલી પકડવા નથી દેતા. સવાર સાંજ કંઈક ને કંઈક ખવડાવે. વળી આવતા જતા ગ્રામ્યજનો પણ માછલીઓ માટે કંઈક નાખતા જાય. રામના અનન્ય અને અગ્રગણ્ય ભક્તોમાં જેમનું નામ આવે તેમાં એક રાજકુમાર ભરત પણ છે. આ ક્ષેત્રમાં ભરતનાં મંદિરો ઘણાં જોવા મળે. ભારતીય સંસ્કૃતિમાં અતિ ઉત્કૃષ્ટ પ્રભુ ભક્તિમાં નામ તરીકે હનુમાનજી, ભરત, લક્ષ્મણ, મીરા, નરસિંહ મહેતા, સંત જ્ઞાનદેવ જેવા અસંખ્ય નામો છે. જૈન ધર્મમાં પણ અનંતલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામી, ભાવી તીર્થંકર શ્રી શ્રેણિક મહારાજા, સુલસા શ્રાવિકા, રેવતી, મયણા આદિનો દુનિયામાં જોટો જોડે તેમ નથી.