એ ભાઈ, આ ઈન્ટરવલ આખરે હોય છે શા માટે?

મેટિની

ઈન્ટરવલથી રસભંગ થાય કે પછી પોપકોર્ન બ્રેક તો હોવો જ જોઈએ?

શોશરાબા -દિવ્યકાંત પંડ્યા

તમને ખબર છે ફિલ્મમાં ઈન્ટરવલ શા માટે આપવામાં આવે છે? પોપકોર્ન, સમોસા ને કોલ્ડ ડ્રિન્ક માટે? કે પછી જાહેરાતો અને બીજી ફિલ્મ્સનાં ટ્રેલર જોવા માટે? કે પછી વોશરૂમમાં જવાના બ્રેક માટે, રાઈટ? રોન્ગ! ઓહ હા, ફિલ્મની વચ્ચે ફર્સ્ટ હાફની ચર્ચા કરવા માટે સમય મળી રહે એ માટે? ના, હવે શું તમે પણ! એ સાચું કે થિયેટરમાં ફિલ્મ જોતી વખતે દર્શકો ઈન્ટરવલમાં આ બધા જ ફાયદાઓ ઉઠાવતા હોય છે, પણ ફિલ્મમાં ઈન્ટરવલની શરૂઆત પાછળ આમાંનાં કોઈ કારણો જવાબદાર નથી. તેની શરૂઆત તો થઈ હતી રીલ્સના કારણે. ના, ‘હે ગાય્ઝ, જુઓ હું થિયેટરમાં ફિલ્મ જોવા આવ્યો છું’ એવી ઈન્સ્ટા રીલ્સ બનાવવા માટે નહીં વળી. તમે તો યાર જબરા જવાબો આપો છો!
તો એમાં હતું એવું કે પહેલાંના સમયમાં ફિલ્મો રીલ્સ પર બનતી હતી અને થિયેટરમાં પ્રોજેક્ટર રૂમમાં એ રીલ્સ લગાવીને જ પડદા પર બતાવવામાં આવતી હતી. એક રીલ પૂરી થાય ત્યારે તેને બદલાવીને બીજી લગાવવામાં આવતી. આ રીલ્સ કંઈ તરત ન બદલાઈ જતી, તેમાં સમય લાગતો. ફિલ્મની વચ્ચેનો એ સમયગાળો એટલે જ આપણો ઈન્ટરવલ. ફક્ત ભારત જ નહીં, પણ બાકીના દેશોમાં પણ આ જ વ્યવસ્થા હતી. પછી વખત જતાં ડિજિટલ યુગ આવ્યો અને રીલ્સની જરૂરત પૂરી થઈ. એ સાથે જ અમેરિકા સહિતના દેશોમાં તો ઈન્ટરવલની વ્યવસ્થા નીકળી ગઈ, પણ ભારતમાં એ એમની એમ જ રહી ગઈ અને તેની સાથે સંકળાઈ ગઈ પહેલા ફકરામાં કહી એ બધી વસ્તુઓ પણ.
આજે સમય એવો છે કે ભારતીય ફિલ્મ્સની કલ્પના ઈન્ટરવલ વગર કરી શકાતી નથી, પણ દિગ્દર્શક કિરણ રાવની આમિર ખાન અભિનીત ફિલ્મ ‘ધોબી ઘાટ’ (૨૦૧૧) પહેલી એવી ભારતીય ફિલ્મ હતી જેમાં ઈન્ટરવલ નહોતો આપવામાં આવ્યો. એ ફિલ્મ હતી ફક્ત ૯૫ મિનિટ્સની. આમિર ખાન અને કિરણ રાવને લાગ્યું હતું કે ઈન્ટરવલથી ફિલ્મની મજા બગડી જશે. આમિર ખાને મલ્ટિપ્લેક્સના માલિકોને મળીને તેમને ઈન્ટરવલ વગરના સ્ક્રીનિંગ્સનું આ અસંભવ કામ કરવા સમજાવ્યા હતા. ‘ધોબી ઘાટ’ પછી ‘દિલ્હી બેલી’ (૨૦૧૧), ‘ટ્રેપ્ડ’ (૨૦૧૬) જેવી ફિલ્મ્સ પણ ઈન્ટરવલ વગર જ રિલીઝ થઈ હતી.
છેલ્લાં અમુક વર્ષોથી અમેરિકન ફિલ્મ્સની લોકપ્રિયતાનું પ્રમાણ ભારતમાં ખાસ્સું વધ્યું છે. એ ફિલ્મ્સ પણ લંબાઈમાં ભારતીય ફિલ્મ્સની સરખામણીએ ઓછી જ હોય છે એટલે તેમાં ઈન્ટરવલ ન હોવાનું આ એક કારણ પણ ખરું જ, પણ દર્શકો અને થિયેટરના માલિકોને ઈન્ટરવલની વ્યવસ્થા એવી તો કોઠે પડી ગઈ છે કે અમેરિકન ફિલ્મ્સમાં ઈન્ટરવલ ન હોય તો પણ મનફાવે ત્યાં અધૂરા દૃશ્યે કિસ્સામાં અધૂરા ડાયલોગ પર ફિલ્મ અટકાવી દેવામાં આવે છે અને દર્શકો પણ કોઈ જ ફરિયાદ વગર મોંઘા ભાવનાં પોપકોર્ન અને સમોસા લેવા માટે પડાપડી કરવા બહાર નીકળી જાય છે. અમુક લોકો તો વળી ટિકિટ કરતાં પણ વધુ ભાવના આ પોપકોર્ન ફક્ત ઓર્ડર આપીને આવતા રહે ને ઈન્ટરવલ પછી એ લઈને સ્ટાફની વ્યક્તિ આવે ત્યારે અડધા થિયેટરને જાણે બીજી વખત ઈન્ટરવલ પડ્યો હોય તેવી ખલેલ પડે. કલા અને મનોરંજન સાથે જોડાયેલા સિનેમેટિક અનુભવનું આ બિઝનેસ મોડેલમાં જરા પણ ધ્યાન રખાતું નથી.
જોકે ફક્ત બિઝનેસ જ નહીં, ભારતીય ફિલ્મ્સમાં ઈન્ટરવલ વ્યવસ્થાએ સ્ટોરીટેલિંગને પણ ખૂબ પ્રભાવિત કરી છે. ઈંગ્લિશ ભાષાની ફિલ્મ્સમાં ભારતમાં ઈન્ટરવલ આપવામાં આવે તો એ ઓચિંતો લાગે, પણ ભારતીય ફિલ્મ્સમાં એ વાર્તાની જરૂરત પ્રમાણે થતું ટ્રાન્ઝિશન લાગે. ભારતીય ફિલ્મ્સ બે ભાગમાં વહેંચાયેલી હોય છે, જ્યારે અમેરિકન ફિલ્મ્સમાં મુખ્યત્વે થ્રી એક્ટ સ્ટ્રક્ચર (તેની વાત કોઈ અલાયદા લેખમાં) હોય છે. તેમાં ફિલ્મ અડધે પહોંચે ત્યારે કોઈ મિડ પોઇન્ટ રાખવામાં આવતો નથી. એટલે જ જ્યારે ૨૦૧૯માં ‘એવેન્જર્સ: એન્ડગેમ’ની રિલીઝ પહેલાં તેની લંબાઈ ત્રણ કલાક હોવાની જાહેરાત થઈ ત્યારે દર્શકોમાં યુરિન રોકવાથી માંડીને એકધારું આટલું બેસી રહેવા મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી, પણ ભારતીયોએ તો મનોરંજન દેવના આશીર્વાદથી મોજથી કહેલું કે ‘અમારે ત્યાં તો એયને મજાનો ૧૫-૨૦ મિનિટ્સનો ઈન્ટરવલ પડે છે.’
સ્ક્રિપ્ટ રાઈટર વરુણ ગ્રોવરનું કહેવું છે કે ‘અનુરાગ કશ્યપની ‘રમણ રાઘવ ૨.૦’ (૨૦૧૬) અને ‘અગ્લી’ (૨૦૧૩) જેવી ફિલ્મ્સને ઈન્ટરવલની જરૂરત નહોતી. ઈન્ટરવલ ફિલ્મ્સને નુકસાન પહોંચાડે એ વાત સાચી છે.’ સ્ક્રિપ્ટ રાઈટર અપૂર્વ અસરાનીએ પણ એક વાર કહ્યું હતું કે ‘મેં મારી ફિલ્મ્સ ‘શાહિદ’ (૨૦૧૨) અને ‘અલીગઢ’ (૨૦૧૫) જ્યારે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જોઈ ત્યારે મને ખ્યાલ આવ્યો હતો કે દર્શકો પર ફિલ્મની અસર ઈન્ટરવલ ન હોય તો વધુ પડે છે. ફિલ્મની વાર્તા ઈન્ટરવલ વગર વધુ ગાઢી થતી જાય, તેની એક સફર બનતી જાય, પણ એમાં જો વચ્ચે ૨૦ મિનિટનો મોટો બ્રેક આવી જાય ફિલ્મની વાતો કરવા માટે તો એ ચોક્કસ હાનિકારક નીવડે.’
ફિલ્મ ક્રિટિક્સ પણ ઈન્ટરવલના કારણે જ ફિલ્મના રિવ્યુ વખતે ફિલ્મને બે હાફમાં ગણીને તેની ચર્ચા કરતા હોય છે કે પહેલો હાફ આવો રહ્યો ને બીજો હાફ આવો. જોકે કમાલ આર ખાન જેવા જાતે બની બેઠેલા ક્રિટિક્સ અને અમુક દર્શકો તો ફિલ્મ પૂરી થયા પહેલાં જ ઈન્ટરવલમાં ટ્વિટ કરીને ફિલ્મ વિશે લખી નાખતા હોય છે. ભારતીય ફિલ્મ્સમાં એ બંને હાફ વચ્ચે દર્શકોનો રસ જળવાઈ રહે એ માટે ઈન્ટરવલ પોઈન્ટ પર કશુંક ખાસ આપવાનું દબાણ રહે છે. ‘મર્દ કો દર્દ નહીં હોતા’ (૨૦૧૮)ના ડિરેક્ટર વસન બાલાનું કહેવું છે કે ‘તમારી પાસે કોઈ ડ્રામેટિક ટ્વિસ્ટ હોય તો તેને છેલ્લે રખાય, ઈન્ટરવલ પર પરાણે તેને ઘુસાડવાની શું જરૂર.’ જ્યારે અમુક સ્ક્રિપ્ટ રાઈટર્સ એમ કહેતા હોય છે કે ‘ઈન્ટરવલ એટલે મિની ક્લાઈમેક્સ, ત્યાં એક ક્લિફહેન્ગર આપવું જરૂરી બની જાય છે જેથી દર્શકો પાછા સીટ પર ગોઠવાય ત્યારે તેમને હવે શું થશે એ જાણવાની ઉત્સુકતા રહે.’ લેખકોએ તો અમુક વખતે ત્યાં સુધી ધ્યાન રાખવું પડે છે કે ઈન્ટરવલ પછી તરત કોઈ મોટી મહત્ત્વની ઘટના વાર્તામાં ન બને, કેમ કે હજુ લોકો થોડા મોડા કે માંડ બેઠા જ હોય છે. તમે જોયું હશે કે ઘણી ફિલ્મ્સમાં ઈન્ટરવલની તરત પછી એકાદ ગીત ગોઠવી દેવામાં આવતું હોય છે. જોકે ‘બાર બાર દેખો’ (૨૦૧૬)ના દિગ્દર્શક નિત્યા મહેરાનું માનવું છે કે ‘દર્શકોનું આટલું બધું ધ્યાન ન રાખવું જોઈએ કે તેમણે ખાધું કે નહીં, તેઓ બેઠા કે નહીં. દર્શકોએ અમુક વસ્તુઓ ફિલ્મમેકર્સ પર છોડવી જોઈએ.’
જોકે એમ તો બહારની ખાણી-પીણીની ચીજોની મંજૂરી હોવા છતાં હજુ પણ ક્યાં એ થિયેટર્સમાં લઈ જવા મળે છે. તો દર્શકો બિચારા એ માટે નથી લડતા ત્યાં તેઓ ઈન્ટરવલ હોવો જોઈએ કે નહીં અને તેનાથી રસભંગ થાય કે નહીં એ વિચારતા ફરે કે પછી ઈન્ટરવલમાં પોતાના અકડાઈ ગયેલા પગ છૂટા કરવા પર ધ્યાન આપે વળી?
———————-
લાસ્ટ શોટ
રાજ કપૂરની ૩ કલાક ૫૮ મિનિટ્સની ‘સંગમ’ (૧૯૬૪) અને ૪ કલાક ૧૫ મિનિટ્સની ‘મેરા નામ જોકર’ (૧૯૭૦)માં બે ઈન્ટરવલ્સ હતા!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.