ભુજના હમીરસર તળાવ, માંડવીના ટોપણસર તળાવ બાદ રુદ્રામાતા ડેમમાં સંખ્યાબંધ માછલીઓનાં મોત

દેશ વિદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ખાવડા માર્ગ પર આવેલા ૪૦૦ વર્ષ જૂના રુદ્રા માતા મંદિર નજીક ૧૯૭૦મા બનેલા કચ્છના સૌથી મોટા રુદ્ર માતા ડેમમાં ભેદી રીતે અસંખ્ય માછલીઓ મોતને ભેટી રહી છે. પર્યટન સ્થળ બની ચૂકેલા રુદ્ર માતા ડેમનો રમણીય કિનારો અસંખ્ય નાની-મોટી માછલીઓના મૃતદેહથી દુર્ગંધમય બની ગયો છે. અપૂરતા અને અનિયમિત વરસાદને કારણે ખાલીખમ થયેલા ભુજની વૈશ્ર્વિક ઓળખ સમા હમીરસર તળાવમાં પણ અસંખ્ય માછલીઓના મોત થયા હતા.
આ ઉપરાંત એક સપ્તાહ પૂર્વે બંદરીય માંડવીના ઐતિહાસિક ટોપણસર તળાવમાં પણ માછલીઓના સામૂહિક મૃત્યુ થયાની ઘટના બાદ હવે ભુજથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલા રુદ્ર માતા ડેમમાં માછલીઓ મૃત્યુ પામી હોવા અંગે સિંચાઈ વિભાગના અધિકારી હર્ષદ રાઠોડે જણાવ્યું હતું કે, ડેમમાં જળરાશિનું સ્તર ઘટી જવાથી કે પાણીમાં ઓક્સિજનની માત્રામાં ઘટાડો થવાથી અથવા આસપાસની કોઈ કંપની દ્વારા કેમિકલનો સ્ત્રોત તો નથી છોડવામાં આવ્યો તે તમામ પાસાની તપાસ કરવામાં આવશે. હાલ ડેમના કિનારે મુલાકાત લેતા હજારો- લાખોની સંખ્યામાં માછલીઓ પાણીના કિનારે મૃત્યુ પામેલી જોવા મળી રહી છે અને વાતાવરણમાં દુર્ગંધ ફેલાઈ જતા ઊભા રહેવું પણ દુષ્કર બની જવા પામ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.