ન્યૂડ, ન્યૂડિટી અને પ્રતિબંધિત આનંદ

ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ-રાજ ગોસ્વામી

તાજેતરમાં એક્ટર રણવીર સિંહે, ન્યુયોર્ક સ્થિત સામાયિક પેપર માટે કરાવેલું ન્યુડ ફોટોશૂટ ચર્ચામાં હતું. સોશ્યલ મીડિયાના જમાનામાં, કોઈ ભારતીય સેલિબ્રિટીએ કરાવેલું આ પહેલું ફોટોશૂટ હતું, એટલે એ જબ્બર વાઈરલ થયું હતું. જો કે, રણવીર આ બાબતમાં પહેલો નથી. ૮૦ના દાયકામાં, એક જમાનાની મશહુર મોડેલ અને ઓડિસી નૃત્યાંગના પ્રોતિમા બેદીએ, મુંબઈના જૂહુ દરિયા કિનારે કપડાં કાઢીને દોટ મુકતી હોય તેવું ફોટોશૂટ કરાવ્યું હતું, જે ફિલ્મી સામાયિક સિને બ્લિટ્ઝમાં છપાયું હતું.
બહુ વર્ષો પછી એનો ખુલાસો કરતાં બેદીએ કહેલું, મારી છાતી, મારા શરીર અને મારા સ્ત્રીપણાને પુરુષો જે રીતે ઘૂરતા રહેતા હતા એનાથી હું કંટાળી ગઇ હતી. મારી અંદરની સ્ત્રીની કોઇને કદર ન હતી. મને સ્ત્રી હોવાનો સતત અહેસાસ કરાવવામાં આવતો હતો. હું એક પુરુષની જેમ સિગારેટ પણ ન ખરીદી શકું. હું એ કશું ન કરી શકું જે એક સામાન્ય પુરુષ માટે આમ વાત હોય. મારામાં આ રોષ ભરાયો હતો, અને એક દિવસ નક્કી કર્યું કે દુનિયાને મારું શરીર બતાવી જ દઉં!
પ્રોતિમા (અને કબીર બેદી)ની જ દીકરી પૂજા બેદીએ, ૯૦ના દાયકામાં કામસૂત્ર કોન્ડોમની એક જાહેરખબર માટે ઉઘાડું ફોટોશૂટ કરાવ્યું હતું. તે વખતે સરકારી ચેનલ દૂરદર્શને તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બેદી સામે ફરિયાદ પણ થઇ હતી. જો કે, પૂજા બેદીને આજે તે જાહેરખબર માટે ગૌરવ છે. તે કહે છે કે મારી જાહેરખબર પછી ભારતીય સમાજમાં સેક્સ-ક્રાંતિ આવી હતી.
એવી રીતે, મોડેલ મિલિન્દ સોમણ અને મધુ સપ્રેએ, ટફ શૂઝની એક જાહેરખબરમાં શરીર પર કેવળ અજગર લટકાવીને ફોટોશૂટ કરાવ્યું હતું. ગયા વર્ષે, તેના ૫૫માં જન્મદિવસ પર, સોમણે ગોવાના બીચ પર કપડાં કાઢીને તેનું એથ્લેટિક શરીર બતાવ્યું હતું. તેની પત્ની અંકિતાએ જ એ ફોટા પાડ્યા હતા અને ગોવા પોલીસે તેની સામે ફરિયાદ નોંધી હતી.
એમ તો, આમિર ખાન, શેરલીન ચોપરા, જોહ્ન અબ્રાહમ અને રાહુલ ખન્નાએ પણ તેમની ફિલ્મોમાં ન્યૂડ પોઝ આપ્યા હતા. મોટાભાગનાં આવાં ફોટોશૂટ પાછળ આર્થિક કે વ્યવસાયિક કારણો હોય છે. પુરુષ સેલિબ્રિટીઓના ન્યૂડ ફોટોશૂટ પ્રમાણમાં નવું ચલણ છે, પણ એક જમાનામાં અમેરિકામાં પ્લેબોય અને ભારતમાં ડેબોનેર નામનું સામયિક ન્યૂડ ફોટો માટે સ્ત્રી-મોડેલોને ચિક્કાર પૈસા આપતું હતું.
જો કે, આપણો વિષય જરા જુદો છે. રણવીરના ફોટા બહુ વાઈરલ થયા ત્યારે એક મિત્રએ પૂછ્યું હતું, “ન્યૂડ ફોટોશૂટ રણવીરે કરાવ્યું અને સોશ્યલ સાઇટ્સ પર લોકો એને મુકવા માંડ્યા. આ બિહેવિયર પાછળ શું મનોવિજ્ઞાન હશે?”
આ પ્રશ્ર્ન વાજબી છે. નગ્ન ફોટા પડાવીને તો સેલિબ્રિટીઓનું તો ખેર બેંક બેલેન્સ તગડું થાય છે, પણ તેને જોવાવાળો વર્ગ હશે ત્યારે સામયિકો કે ફિલ્મ નિર્દેશકો કે પ્રોડક્ટ વેચવાવાળાઓ પૈસા ઢીલા કરતા હશે ને! લોકોને સેલિબ્રિટીઓનાં નગ્ન શરીર જોવામાં રસ ન પડે, તો કોણ આવું સાહસ કરે?
લોકોને કેમ ન્યૂડ ફોટો જોવામાં રસ પડે છે, તેની પાછળ કોઈ રોકેટ સાયન્સ નથી; તેનાથી આનંદ આવે છે એટલે. ન્યૂડ આર્ટ પોર્નોગ્રાફી આવી તે પહેલાંથી અસ્તિત્વમાં છે. દુનિયાભરની આર્ટ સ્કૂલોમાં ન્યૂડ ચિત્રો દોરવાનું શીખવાડવામાં આવે છે. ભારત સહિત અને અનેક દેશોમાં નગ્ન શિલ્પો બનાવવાની કળા વિકસી હતી. પ્રાચીન ગ્રીક સભ્યતામાં આ શિલ્પ-કળા પૂરજોશમાં ખીલી હતી.
ન્યૂડ શરીર અને શરીરની ન્યૂડિટીમાં ફરક છે. ૧૯૫૬માં પ્રગટ થયેલા પુસ્તક ધ ન્યૂડ: અ સ્ટડી ઇન આઈડીયલ ફોર્મમાં, લેખક લોર્ડ કેનેથ કલાર્કે કહ્યું હતું કે નેકેડ હોવું એટલે કપડાં ન હોવાં તે, જયારે ન્યૂડ એટલે શરીરની ખૂબસુરતી. નગ્ન શરીરની શરમ આવે ત્યારે તે નેકેડ કહેવાય અને તેમાં આર્ટ દેખાય ત્યારે તે ન્યૂડ કહેવાય. બીજી રીતે સમજવું હોય તો, દીપિકા પાદૂકોણ તેના બંગલામાં વસ્ત્રહીન રણવીર સિંહનો ફોટો પાડે તેને ન્યૂડ કહેવાય, પણ અચાનક ફોટોગ્રાફરો વંઢી ઠેકીને બંગલામાં ઘૂસી આવે તો રણવીરને જે શરમ આવે તેને ન્યૂડિટી કહેવાય.
લોકો બે કારણોથી ન્યૂડ ફોટાને પસંદ કરે છે.
૨૦૧૧માં, અમેરિકાનાPLOS (પબ્લિક લાયબ્રેરી ઑફ સાયન્સ) નામના વિજ્ઞાન જર્નલમાં એક અભ્યાસ પ્રગટ થયો હતો. સંશોધકોને જાણવું હતું કે નગ્નતા કેવી રીતે મગજને ઉત્તેજિત કરે છે. તેમણે એક પ્રયોગમાં, ૩૨ લોકોને અલગ-અલગ અવસ્થામાં સ્ત્રી-પુરુષોના ફોટા બતાવ્યા હતા: સંપૂર્ણપણે વસ્ત્રો પહેરેલાં, અર્ધ નગ્નવસ્થામાં અને સંપૂર્ણપણે નગ્ન. સંશોધકોએ તે ફોટા જોઈને તેમનાં મગજમાં થતી પ્રતિક્રિયાને MRIટૅકનીક મારફતે નોંધી હતી. તેમણે એ જોયું કે અર્ધ નગ્ન શરીરની સરખામણીમાં, નગ્ન શરીરને મગજ ઝડપથી પ્રોસેસ કરતું હતું. તારણ એ હતું કે કપડાં જેટલાં વધુ પહેરેલાં હોય, મગજ તે ઇન્ફોર્મેશનને એટલી ધીમે પ્રોસેસ કરતું હતું, અને શરીર નગ્ન હોય, તો મગજ ૦.૨ સેકંડથી પણ ઓછા સમયમાં રીએકટ કરતું હતું.
બીજું રસપ્રદ તારણ એ હતું કે પુરુષોનું મગજ સ્ત્રીના નગ્ન શરીરને જોઈને પ્રબળ રીતે રીએકટ કરતું હતું, પરંતુ સ્ત્રીઓનું મગજ સ્ત્રી-પુરુષ બંનેનાં ન્યૂડ જોઈને એક સરખી રીતે રીએકટ કરતું હતું. સંશોધકો માને છે કે આ બંને તારણ પાછળ પ્રજનનની ઉત્ક્રાંતિક વૃતિ કામ કરતી હોય છે. ન્યૂડ શરીર મગજના એ હિસ્સાને પ્રભાવિત કરે છે, જે ‘આનંદનું કેમિકલ’ મનાતા ડોપેમાઇનને રિલીઝ કરે છે. ડોપેમાઇન આપણને આનંદનો અહેસાસ કરાવે છે એટલું જ નહીં, તે એ ફીલિંગને વધુને વધુ ઈચ્છે છે. પ્રજનનની પ્રક્રિયા આ રીતે દોહરાતી રહે છે. ઉ
જીવશાસ્ત્રમાં ‘બાયોલોજીકલ ઓર્નામેન્ટ્સ’ નામનો શબ્દ છે. ધારણા એવી છે કે પ્રાણીઓ શારીરિક સજાવટ જોઈને એકબીજા પ્રત્યે આકર્ષાય છે. જેમ કે રંગ, કેશવાળી, પૂંછડીઓ, પીંછાં વગેરે. સુંદરતા એક પ્રાકૃતિક સંકેત છે કે આ ઓર્નામેન્ટ્સ પેદા કરનાર વિજાતિય જીવનું શરીર તંદુરસ્ત છે, અને જીન્સને બીજી પેઢીમાં સફળતાપૂર્વક લઇ જવા સક્ષમ છે. માણસમાં જેમ કે સ્ત્રીની એટ્રેકટિવનેસ તેના સ્તન, હિપ્સમાં છે, જ્યારે પુરુષની એટ્રેકટિવનેસ તેના અવાજ, ઊંચાઈ અને ત્વચાના રંગમાં. આપણે ફેશન પણ એટલા માટે જ કરીએ છીએ. સમગ્ર પ્રાણી જગતમાં સેક્સુઅલ સિલેકશન અથવા મેટ સિલેકશન બાયોલોજીકલ ઓર્નામેન્ટ્સના આધારે થાય છે. જીવોમાં શારીરિક સુંદરતા પેદા થવાનું આ એકમાત્ર ઉત્ક્રાંતિક કારણ છે.
એટલે, ન્યુડિટીને લઈને આપણી નૈતિક ભાવના ગમે તે હોય, જ્યાં સુધી મગજનો સવાલ છે ત્યાં સુધી, આપણને “આપણા જેવું કોઈ દેખાતું હોય તેને જોવાનું મન થાય (આપણે ન સ્વીકારીએ તેનાં બીજાં કારણો છે). તે આપણને આપણી આદિમ વૃતિ સાથે પનારો પાડે છે.
બીજું, શરમ સામાજિક ભાવ છે. આપણે બીજા લોકોના વ્યવહાર પ્રમાણે શરમ અનુભવીએ છીએ (અથવા નથી અનુભવતા). દુનિયામાં અનેક ઠેકાણે ન્યુડિસ્ટ કોલોનીઓ અથવા કલબ છે. લોકો ત્યાં એકબીજાને જોઈને જ શરમ તોડે છે. એટલે રણવીર સિંહ જેવી સેલિબ્રિટી જ્યારે ન્યૂડ ફોટોશૂટ કરાવે, ત્યારે તેનાથી આપણી અંદર શરમની ભાવના તનીક ઓછી થાય છે અને એટલે આપણે પણ તેને પોસ્ટ કરવા લાગીએ છીએ. બેઝિકલી, એક સામાજિક પરિવેશમાં ન્યુડિટી અસ્વસ્થ કરે તેવી અવસ્થા છે, પરંતુ એક ‘ફેમસ’ વ્યક્તિ જ્યારે નગ્ન થાય, ત્યારે આપણી અસ્વસ્થતા થોડી ઓછી થાય છે, કારણ કે તેણે સામાજિક શરમ તોડી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.