સુરતના બારડોલી ખાતે અમેરિકાથી આવેલો પરિવાર હાલમાં ખૂબ જ પરેશાન છે. ગુજરાતમાં વતનમાં ફરવા આવેલા પરિવારની યુવાન દિકરી બે દિવસથી ગાયબ છે અને તેના કોઈ સગડ મળતા નથી. ૨૧ વર્ષીય યુવતી અચાનક રવિવારે ગાયબ થઈ ગઈ હતી. પરિવારે શોધવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન મળતા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસ દરમિયાન એક વકીલ દ્વારા તેમની લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવતા પરિવારને શોક લાગ્યો હતો. આ અંગે પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર તે યુવક ૨૪ વર્ષીય હોવાનું અને વ્યવસાયે ડ્રાઈવર હોવાનું ખૂલ્યુ હતું. પોલીસે મેળવેલી પ્રાથિમક માહિતી અનુસાર યુવતી ભારતમાં જ જન્મી હતી, પરંતુ દસેક વર્ષથી અમેરિકા ખાતે રહેતી હતી. તેના પિતા અમેરિકામા પાંચ મોટેલ ધરાવે છે, જેમાંથી બે આ યુવતી સંભાળે છે. યુવતી ફેસબુકના માધ્યમથી આ યુવકના પરિચયમાં આવી હતી. જોકે બન્ને ક્યારેય મળ્યા ન હતા.
પંદર દિવસ પહેલા આ યુવતી પરિવાર સાથે બારડોલી પાસેના પોતાના ગામ આવી હતી. અચાનકથી તે રવિવારે ઘર છોડી ક્યાંક ગઈ હતી. પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા આ વિગતો બહાર આવી હતી. જોકે યુવતીએ હજુ પોલીસ કે પરિવારનો સંપર્ક કર્યો નથી, જેથી પરિવાર સ્વાભાવિક રીતે પરેશાન છે.