હવે ટૂથબ્રશ કરશે તમારું સીટી સ્કેન: ગંધ પારખીને જણાવશે કેન્સર છે કે નહીં

વીક એન્ડ

સાંપ્રત -અનંત મામતોરા

જો કોઈ તમને કહે કે તમારા મોઢાની ગંધથી તમારો રોગ પારખી બતાવીએ તો તમે હસીને કહેશો, ‘ભાઈ, ગંધ પારખીને તો અમારો ટ્રાફિક પોલીસ અમે હોશમાં છીએ કે મદહોશ એ કહી જ દે છે!’ પણ મજાક લાગતી વાત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી સાચી થાય તેમ છે. એઆઇના વપરાશથી એવી ટેક્નિક વિકસાવાઈ રહી છે કે ગંધ પારખીને રોગને તેના શરૂઆતના તબક્કામાં જ ઓળખી લેવાય, જેથી આપણે સ્વસ્થ રહીએ અને લાંબું જીવીએ. અત્તરથી લઈને બીમારીઓ સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ રીતે દુનિયા બદલી શકે છે તે જાણવું રસપ્રદ છે. આપણા માટે નાવીન્ય સભર સુગંધો વિકસાવવા માટે કંપનીઓ એઆઇની મદદ લે છે. ફ્રાન્સનું ટેક્નોલોજી સ્ટાર્ટઅપ ‘અરિબાલ’ વિવિધ ગંધનું વિશ્ર્લેષણ કરે છે. આ વિશ્ર્લેષણમાં એ સમજવાના પ્રયત્ન થાય છે કે કઈ રીતે કોઈ ગંધ આપણા જીવનને અસર કરે છે અને આપણા આરોગ્ય વિષે આપણને કઈ જાણકારી આપી શકે છે. ગંધ પારખવી મુશ્કેલ છે. પ્રકાશ અને ધ્વનિને તેના તરંગો હોય છે, પણ ગંધ માપવા કે આંકવાની કોઈ રીત નથી. આ માટે અરિબાલ સિલિકોન ચિપ્સ પર લાગેલા પ્રોટીનના ટુકડાનો ઉપયોગ અણુઓને સૂંઘવા કરે છે. તેમાં ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન મોનોક્સાઈડ જેવી ગંધની ઉપેક્ષા કરવામાં આવે છે, કેમ કે આપણું નાક તેને સૂંઘી શકતું નથી.
કંપનીના સીઈઓ સેમ ગિલોમ કહે છે, ‘આપણે ગંધનું વૈજ્ઞાનિક રીતે વિશ્ર્લેેષણ નથી કરી શકતા એટલે આપણને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જરૂર છે. તેના માટે આપણે એક જ કામ કરવાનું છે કે મશીનને શીખવવાનું છે કે આ પનીર છે, આ સ્ટ્રોબેરી છે અને આ રાસબેરી છે. આપણને વર્ષોથી ખબર છે કે ગંધ દ્વારા ઘણી બીમારીની જાણકારી મેળવી શકાય છે. ગયે વર્ષે ફિનલેન્ડની રાજધાની હેલસિંકીના એરપોર્ટ પર કોરોના સંક્રમિતોની ઓળખાણ કરવા શ્ર્વાનની મદદ લેવામાં આવી હતી. શ્ર્વાન સૂંઘીને કહી શકતા હતા કે કોણ સંક્રમિત છે અને કોણ નહીં. તેના પરથી આપણે એવા ંઉત્પાદનો વિકસિત કરી શકીએ છીએ જે રોગનાં શરૂઆતનાં લક્ષણો ઓળખીને આપણા આરોગ્ય પર નજર રાખી શકે. ગિલોમ કહે છે, ‘એક દિવસ એવો આવશે જ્યારે મારા બ્રશમાં સૂંઘવાવાળું સેન્સર હશે જે મારા આરોગ્યની ચકાસણી કરી શકે. સેન્સર કહી શકશે કે મને મધુપ્રમેહ છે કે કેન્સર.’ ગંભીર બીમારીઓની પ્રાથમિક ચરણમાં જાણકારી મળે તો ઉપચારની સંભાવનાઓ ઘણી વધી જાય. ગિલોમના કહેવા મુજબ, ‘એઆઇ સંચાલિત સ્માર્ટ ઉપકરણ જેવા કે ડાયગ્નોસ્ટિક ટૂથબ્રશ બસ આવવામાં જ છે. હવે સવાલ ‘જો’નો નહીં, ‘ક્યારે આવશે’ તે છે.’
એઆઇ સેન્સરથી ગર્દીવળી જગ્યા પર નજર રાખી શકાય છે જેથી ત્યાં ખુશનુમા વાતાવરણ પેદા થઈ શકે. નવી સુગંધોના વિકાસ માટે પણ એઆઇનો ઉપયોગ થઇ રહ્યો છે. મારિયા નૂરિસ્લામોવા કહે છે, ‘હું ચાર વર્ષની ઉંમરથી પરફ્યુમની દીવાની છું. હું મારી માતાનાં પરફ્યુમ ચોરી લેતી હતી અને તેને ખબર પડી જતી હતી.’ તેના પરફ્યુમ પ્રેમે તેને અમેરિકાના ‘સેન્ટબર્ડ’ નામના સ્ટાર્ટઅપની સહસ્થાપના કરવા પ્રેરિત કરી. આ સ્ટાર્ટઅપ દર મહિને પોતાના ગ્રાહકોને બહેતરીન ગુણવત્તાવાળાં પરફ્યુમ મોકલે છે. તે આગળ કહે છે, ‘પરંતુ ટેક્નોલોજી મારું બીજું ઝનૂન છે.’
કંપનીએ જ્યારે સ્ત્રીઓ અને પુરુષોનાં પરફ્યુમ લોન્ચ કરવાનું નક્કી કર્યું ત્યારે પોતાના ત્રણ લાખ ગ્રાહકોના રિવ્યુઝનું વિશ્ર્લેષણ કરવા એઆઇનો ઉપયોગ કર્યો. તેમણે જણાવ્યું કે ‘અમારે એક સમસ્યા જે હલ કરવી હતી તે એ કે મોટા ભાગનાં પરફ્યુમ એક જેંડરને પસંદ આવે, પણ બીજી જેંડરના લોકો તેને સહન કરે છે. જેંડર ન્યુટ્રલ સુગંધ શોધવી અઘરી છે.’ જોકે તેમના સંશોધને એવી બાર સુગંધો ઓળખી છે જે બધી જેંડરને સમાનરૂપે પસંદ આવે. ત્યાર બાદ કંપનીએ નવી બ્રાન્ડ લોન્ચ કરી જે તેમના સૌથી વધુ વેચાતા પરફ્યુમના પહેલા ૩%માં સામેલ છે. સેન્ટબર્ડ આવી વધુ સુગંધો વિકસાવવા પર કામ કરી રહી છે. આ વર્ષે બે નવાં પ્રોડક્ટ ઉમેરવામાં આવ્યાં છે, પણ આપણા સૂંઘવાની રીત બદલવા માટે એઆઇનો ઉપયોગ કરનાર આ એકમાત્ર વ્યવસાય નથી. ઇન્ટરનેશનલ ફ્લેવર્સ એન્ડ ફ્રેગ્રન્સ (આઇએફએફ) પણ પરફ્યુમ માટે એઆઇનો ઉપયોગ કરે છે. આઇએફએફ પાસે પરફ્યુમ બનાવવાનો એક સદી લાંબો અનુભવ છે. તેમ છતાં ૬૦થી ૮૦ ચીજોનો ઉપયોગ કરીને લગભગ ૨૦૦૦ની આસપાસ પરફ્યુમ બનાવે છે. એઆઇ રચનાત્મક પ્રક્રિયા આસાન બનાવે છે. આઇએફએફના સેન્ટ ડિવિઝનમાં ઇનોવેશન વિશેના પ્રમુખ વાલેરી ક્લાઉડ કહે છે, ‘એઆઇ એક ઉપકરણ છે. તે ગૂગલ મેપ્સની જેમ બનાવનારને જટિલતાથી બચાવે છે, તેથી તે પોતાના કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.’
કંપની લોકોનાં મૂડ અને ધારણાઓને ધ્યાનમાં રાખીને પરફ્યુમ વિકસાવે છે. તેમના એક કાર્યક્રમનો ઉદ્દેશ્ય એવાં પરફ્યુમ વિકસાવવાનો છે જે લોકોને આનંદ, આરામ અને આત્મસન્માન આપી શકે. તેમનો એક રિસર્ચ ન્યુરોલોજિકલ સમસ્યાઓવાળા લોકોને મદદ કરવા પણ કામ કરે છે. વાલેરી કહે છે, ‘જો તમે અલ્ઝાઇમર વિષે વિચારો તો અમે જાણીએ છીએ કે ઉત્તેજના અને સુગંધની તેમાં સકારાત્મક ભૂમિકા હોઈ શકે છે. તેનાથી ઈલાજ ભલે ન થાય, પણ મગજને ઉત્તેજિત કરીને તેનો પ્રભાવ ઓછો જરૂર કરી શકાય છે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.