સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત સરકાર નવા નવા આકર્ષણો ઉમેરતી જાય છે. હવે એક વધારે મજા તમે માણી શકશો. એ છે હેલિકોપ્ટર રાઈડની. વાદળોની સાથે સાથે તમે પણ ખૂબ ઊંચાઈથી સરદાર પટેલનું સ્ટેચ્યુ, હરિયાળી, નર્મદા નદી જોઈ શકશો. આ જોયરાઈડ વીસેક મિનિટની હશે.
સરકારે ટેન્ડર બહાર પાડ્યા છે અને પરીક્ષાઓ પૂરી થાય અને વેકેશનમાં પ્રવાસીઓ આવે તે પહેલા આ સેવા શરૂ થયા તેવી સરકારની ઈચ્છા છે.
જોકે અગાઉ આ જોયરાઈડનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો ત્યારે અમુક અધિકારીઓએ અહીં નર્મદા ડેમ હોવાને લીધે સાવધ રહેવા કહ્યું હતું. આ તમામનો અભ્યાસ કર્યા બાદ સરકારે ટેન્ડર બહાર પાડ્યું છે. હજુ ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. રાઈડના રેટ પછીથી નક્કી થશે. હાલમાં બે કે ત્રણ હેલિકોપ્ટર હશે. હાલમાં સાબરમતી રિવર ફ્રન્ટ અને કચ્છના રણમાં આ સેવા ઉપલબ્ધ છે. સફેદ રણ ખાતે હેલિકોપ્ટર જોયરાઈડને ખૂબ સફળતા મળી છે. અમદાવાદમાં વીકએન્ડ કે તહેવારના દિવસોમાં લોકો આનો લાભ લે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર્યટકોમાં બહુ જલદીથી લોકપ્રિય થયું છે. અહીં વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુ ઉપરાંત પણ ઘણા આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. અહીં ટેન્ટહાઉસ પણ છે. નર્મદા નદીને કિનારે આરતી પણ થાય છે. સવારથી રાત સુધી લોકો ફરી શકે તેવી વ્યવસ્થાઓ છે. હવે તેમાં એક વધારે આકર્ષણ ઉમેરાશે.