જો તમે રેલ્વે દ્વારા મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના સાબિત થઈ શકે છે. IRCTCએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર, IRCTC એપ અને વેબસાઈટ દ્વારા તમારે પહેલા તમારું એકાઉન્ટ વેરિફાઈ કરવું પડશે, ત્યારબાદ જ ટિકિટ બુકિંગ થઇ શકશે. સાથે જ હવે એક મહિનામાં એક યુઝર આઈડી પર મહત્તમ ટિકિટ બુક કરવાની મર્યાદા 12થી વધારીને 24 કરવામાં આવી છે. જેઓ ટ્રેનમાં વધારે મુસાફરી કરે છે તેમના માટે આ ખુશીના સામાચાર છે.
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ના નવા નિયમો અનુસાર વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે, હવે યુઝર્સે ટિકિટ બુક કરાવતા પહેલા મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી વેરિફિકેશન કરવું પડશે. ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબરના વેરિફિકેશન વગર તમે ઓનલાઈન ટિકિટ બુક કરી શકશો નહીં.
IRCTC એકાઉન્ટના દેશભરમાં લાખો યુઝર્સ છે, તેમાંથી હજારો લોકોએ કોરોના રોગચાળો શરૂ થયો ત્યારથી ઓનલાઈન ટિકિટ બુક કરાવી નથી. આ નિયમ આવા લોકો માટે જ લાગુ છે. જો તમે પણ લાંબા સમયથી ટિકિટ બુક કરાવી નથી, તો પહેલા વેરિફિકેશન કરવું જરૂરી બની ગયું છે.
રેલવેએ IRCTCના એક યુઝર આઈડી પર એક મહિનામાં મહત્તમ ટિકિટ બુક કરવાની મર્યાદા 12થી વધારીને 24 કરી છે. જો તમારું યુઝર આઈડી આધાર કાર્ડ સાથે લિંક છે, તો હવે તમે એક મહિનામાં 24 ટિકિટ બુક કરી શકો છો. એ જ રીતે, જે ખાતા સાથે આધાર UID લિંક ન હોય ત્યાંથી 6ને બદલે 12 ટિકિટ બુક કરી શકાય છે.
