દશેરા રેલી માટે હવે ઉદ્ધવ ઠાકરેએ પણ જગ્યાની શોધ શરૂ કરી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: શિવાજી પાર્કના મેદાન પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથની દશેરા રેલી થશે કે પછી શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની, એ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. બીજી બાજુ શિવાજી પાર્કમાં મંજૂરી નહીં મળે તો બ્રેકઅપ તરીકે ઠાકરેએ પણ અન્ય જગ્યાની શોધ શરૂ કરી દીધી હોવાનું સાંભળવા મળ્યું છે. બીકેસી વિસ્તારમાં એમએમઆરડીએના મેદાન પર ઠાકરેની દશેરા રેલી થાય એ માટે પરવાનગી માગતો પત્ર શિવસેનાએ એમએમઆરડીએને મોકલાવ્યો હોવાની માહિતી સામે આવી છે.
દશેરા રેલી બીકેસી ખાતે કરવામાં આવે એ માટે શિવસેનાએ એમએમઆરડીએને પત્ર લખ્યો છે. એમએમઆરડીએ પણ સરકારી યંત્રણા અર્બન ડેવલપમેન્ટ વિભાગ અંતર્ગત આવે છે. આનો એક અર્થ એ પણ થાય છે કે ઠાકરે તરફથી એકનાથ શિંદે જે ખાતું સંભાળી રહ્યા છે એ ખાતાને પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. આ પહેલાં શિવાજી પાર્ક મેદાન માટે શિવસેના તરફથી મંજૂરી માગતો પત્ર લખવામાં આવ્યો હતો, પણ હવે બીકેસી મેદાનમાં પરવાનગી માગતો પત્ર અરવિંદ સાવંતે લખ્યો હોવાનું બહાર આવ્યું હતું.

અમારી રેલી તો શિવાજી પાર્કમાં જ થશે: એકનાથ શિંદે

દશેરા રેલી શિવાજી પાર્કમાં થાય એ માટે શિવસેનાનાં બંને જૂથ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે ત્યારે અમારી રેલી શિવાજી પાર્કમાં જ થશે, એવો વિશ્ર્વાસ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વ્યક્ત કર્યો હતો. શિવાજી પાર્કમાં રેલી યોજાવા માટે સૌપ્રથમ શિવસેનાએ અરજી કરી હતી અને ત્યાર બાદ શિંદે જૂથ તરફથી વિધાનસભ્ય સદા સરવણકરે પાલિકામાં અરજી કરી હતી. જોકે આ બંને અરજી પાલિકામાં પેન્ડિંગ છે. એ પાર્શ્ર્વભૂમિ પર મંગળવારે શિંદે જૂથની બાંદ્રા ખાતે બેઠક યોજાઇ હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એ સમયે દશેરા રેલી માટે તૈયારી સહિતના અન્ય વિષયો પર ચર્ચા કરી હતી. દશેરાના દિને રેલી યોજવા માટે શિવાજી પાર્ક આપણને જ મળશે, એવો વિશ્ર્વાસ આ સમયે તેમણે વ્યક્ત કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.