હવે ટ્રેનોના લાઈવ લોકેશન દેખાશે! ‘યાત્રી એપ્લિકેશન’માં નવું ફીચર ઉમેરાયું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

પ્રવાસીઓને રિયલ ટાઈમ રિયલ લોકેશનથી થશે ફાયદો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભારતીય રેલવેના સૌથી વ્યસ્ત અને લાંબા રેલવે નેટવર્ક માટે મધ્ય રેલવે ઝોન સૌથી વધારે જાણીતો બન્યો છે. મધ્ય રેલવેના ઝોનમાં ખાસ કરીને મુંબઈ ડિવિઝન (સીએસએમટી-કલ્યાણ, પનવેલ)માં રોજની સેંકડો લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોની અવરજવરની સાથે સબર્બનમાં ૧,૮૦૦થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, જ્યારે રોજના સરેરાશ પચાસ લાખથી વધુ પ્રવાસી અવરજવર કરે છે, તેથી પ્રવાસીઓની સુવિધા માટે અગાઉ શરૂ કરેલી ‘યાત્રી એપ્લિકેશન’ને પ્રવાસીઓની સુરક્ષા અને જાણકારીના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને વધુ અપગ્રેડ કરવામાં આવી હોવાનું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
મધ્ય રેલવે દ્વારા લોન્ચ કરવામાં આવેલી યાત્રી એપ્લિકેશન બહુ ટૂંકા સમયગાળામાં પ્રવાસીઓમાં લોકપ્રિય બની છે. તબક્કાવાર આ એપ્લિકેશનમાં અલગ અલગ ફેરફાર કરવામાં આવ્યા છે, જે પૈકી ગયા અઠવાડિયા દરમિયાન આ એપ્લિકેશનમાં લાઈવ લોકેશન ટ્રેકિંગ કોમ્પોનન્ટનો ઉમેરો કર્યો છે. તમામ લોકલ ટ્રેનમાં જીપીએસ સિસ્ટમ બેસાડવામાં આવી હોવાને કારણે ચાલતી ટ્રેનનું લોકેશન પણ પ્રવાસી પ્રાપ્ત કરી શકશે, જે પોતાના મિત્ર, પરિવારના કોઈ પણ સભ્યની પણ જાણકારી મેળવી શકશે. નવા ફીચરમાં ખાસ કરીને એલ્ગોરિધમ ડિઝાઈન કરવામાં આવી હોવાથી તેનો ફાયદો થયો છે.
મધ્ય રેલવેના વિવિધ રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ સંબંધિત વિવિધ સુવિધા, લોકલ ટ્રેનોનું ટાઈમટેબલ સહિત લાઈવ ટ્રેનોની એલર્ટ સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવી હતી. તાજેતરમાં આ એપ્લિકેશનમાં લાઈવ લોકેશનનું ફીચર ઉમેરવામાં આવ્યું છે, જેથી લાંબા અંતરની અમુક મેલ-એક્સપ્રેસ ટ્રેનોનું લોકેશન પણ પ્રવાસી જાણી શકશે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. રેલ યાત્રી એપ્લિકેશનમાં પ્રવાસીઓ લોકલ, મેટ્રો, મોનોરેલ અને બેસ્ટની બસનું ટાઈમટેબલ જાણી શકે છે, જ્યારે લોકલ ટ્રેન માટે પણ સ્લો, ફાસ્ટ, એસી લોકલ, લેડીઝ કોચ સહિત અન્ય જાણકારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, લોકલ ટ્રેનમાં પ્લૅટફૉર્મ પોઝિશનના પણ નિર્દેશ કરવામાં આવ્યા છે, જે અગાઉની એપ્લિકેશનમાં આ એપ્લિકેશન વધારે લોકપ્રિય બની છે, જેમાં અત્યાર સુધીમાં લાખો લોકોએ ડાઉનલોડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.